vaamaangii - Khandkavya | RekhtaGujarati

વામાંગી

vaamaangii

સ્નેહલ જોષી સ્નેહલ જોષી
વામાંગી
સ્નેહલ જોષી

(મનહર)

ઉત્તર દિશામાં એક ધવલ છે શૈલ જૂનો,

દેવ મહાદેવનું ત્યાં ભવ્ય રહેઠાણ છે!

સમાધિમાં રત નિત, જ્વલંત અખંડ ધૂણો;

સંસારીના આદિ દેવ, સતી એના પ્રાણ છે.

(ઉપજાતિ)

કો' રમ્ય વ્હેલી શરદા પ્રભાતે

સમાપના ધ્યાન તણી કરીને,

ચાલ્યું જરા ચિંતન આત્મગાત્રે,

ચક્ષુ ખૂલે અંદર ઊતરીને :

(ગુલબંકી)

ઘણાંય સર્જનો થયાં સમષ્ટિ વ્યષ્ટિનાં અહીં;

સમસ્ત ભૂત, ખંડ, લોક, શ્લોક નૃત્ય, રાગિણી.

દિશા, અનંત રંગ-રાગ કામના નિસર્ગની-

સુગંધ સ્પર્શ રૂપ રસ નવે નવીન ધારિણી!

(ઉપજાતિ)

થયું બધુંયે પરલોક સારુ

ના લેશ આવ્યો નિજનો વિચાર.

રચું કલાની કૃતિ એક ચારુ

દામ્પત્યનો આજ કરું નિખાર.

(અનુષ્ટુપ)

ત્રણે બંધ કરી નેત્રો અંતર્ધાન શિવ,

અર્ધનારીશ્વર સ્થાપી સર્જ્યો એક નવો જીવ.

(વસંતતિલકા)

સાક્ષાત કોઈ રસના શણગાર જેવાં,

લૈને નિસર્ગ સરખાં ઉપમાન અંગે.

સંસારના પ્રબળ કોઈ નવા ઉમંગે

સ્વામી સમીપ લઈ સ્નેહ ઉમા પધાર્યાં.

(અનુષ્ટુપ)

આંખો સ્હેજ ખૂલી ત્યાં તો દીઠાં સન્મુખ પાર્વતી,

તેજ કૈં પ્રગટી રહ્યું, વિચારે છે જગત્પતિ :

(વસંતતિલકા)

'સૌંદર્યથી નિખરતું રૂપ જોઈ એનું,

જાણે કશુંક મનમાં મલકે મુકુર!

પ્રત્યેક અંગ નવ ભાવ થકી સજેલું,

વસ્ત્રો નવીન, પગમાં રણકે નૂપુર!'

(શિખરિણી)

પધારો હે દેવી, સ્મરણપટ આખોય હમણાં-

ભરાયો'તો જાણે પ્રબળ કસબીનું ચિતર હો.

જરા પાસે આવી, મન-હૃદયથી વાત સૂણજો;

ચહું છું હું આજે નવલતર કો' ભેટ ધરવા!

(શાર્દૂલવિક્રીડિત)

લીધું છે નિજ વસ્ત્ર વ્યાઘ્ર પરથી આદિત્યના તેજનું,

ને લીધી કરચંદ્રિકા, તવ થકી શોભી રહે ઓઢણું!

નાડી એક પ્રચંડ તાંડવ સમી અર્ધાંગમાં સૂર્યની,

બીજી લાસ્ય થકી સુશોભિત શરીરે આપના ચંદ્રની!

(પૃથ્વી)

સહર્ષ કહી એટલું તરત આમ સીધા ફર્યા,

અને પ્રગટ અંગ બે ઉભય પક્ષ સામાં ધર્યાં.

પ્રસન્નવદના સતી નતમુખે કહે લાજથી :

પ્રભો, જરૂર નવ્ય આજ ઉપહારની શી હતી?

(શાર્દૂલવિક્રીડિત)

નિત્યે ધ્યાન-સમાધિ-યોગ સમયે કેવાં હતાં ઝૂરતાં,

પામું ના ક્ષણ માત્રની પણ હવે પ્રજ્વાળતી દૂરતા.

હૂંફાળું સ્મિત મંદ સ્હેજ અધરે, ભાવો ભરી સ્નેહના-

બંને બાહુ પ્રસારતાં શિવ કહે ગાર્હસ્થ્યની ધન્યતા!

(મન્દાક્રાન્તા)

ત્યાં દેવીનાં નયનકમળે અશ્રુઓ જાય ભાગ્યાં,

ના કૈં પામ્યા, ઘડીકભરમાં શું થયું, આશુતોષ.

શેની છે ભ્રમિત કરતી રીસ ને કેમ રોષ?

ભોળાને ગિરિવરસુતા ચંડિકા જેમ લાગ્યાં!

(અનુષ્ટુપ)

પ્રાર્થના હાથ જોડી છે, હે દેવી આપના પ્રતિ;

કહો તો માનિની કાંઈ, શું થઈ મુજથી ક્ષતિ?

(મન્દાક્રાન્તા)

ત્રાંસી આંખે વદન ઊંચકી, હોઠમાં કંપ સાથે-

હાંફી જાતા હરફ લઈને શૈલજા સ્હેજ બોલે :

'પોતે રાખ્યું શુચિત જમણું અંગ, છે જે શુભાંગ,

ને ડાબું શરીર મુજને કેમ આપ્યું, ધૂમાંગ?'

(અનુષ્ટુપ)

આંખોમાં ક્ષોભની સાથે, વિચારે છે ઉમાપતિ -

'આ તો ધર્મ નિભાવતા મોટી ધાડ ગઈ પડી!'

(સ્રગ્ધરા)

હા, હા, દેવી દયાળુ, અખિલ હૃદયના ભાવ છે સાવ શુદ્ધ,

શાને આંખો ઉછાળી, અધર મસળતાં થાવ છો આમ ક્રુદ્ધ?

ડાબે અંગે વહે છે, કમળસમ મૃદુ શીતલા ચંદ્ર નાડી.

ને ઊલ્ટું દક્ષિણે પ્રખર ધધખતો સૂર્ય દેતો દઝાડી.

(ઇન્દ્રવજ્રા)

મારા શરીરે દવ દીપ્ત રાખી

દીધું પ્રભાવંત મૃણાલ અંગ,

છે ઝંખના એક વિશુદ્ધ ચિત્તે

પામું અહોરાત્ર સકામ સંગ.

(દ્રુતવિલંબિત)

સભર છે શ્રુતિઓ સહુ જ્ઞાનથી,

પ્રખર દીક્ષિત હું પણ શાસ્ત્રની.

હૃદય ના ગળશે તવ વાતમાં -

ગ્રસત ના શિવસૂતર જાળમાં.

(અનુષ્ટુપ)

'અરે રોષનું કાટ્ય અસ્ત્ર પાછું અહીં ફર્યું,'

મનોમન વદી એવું, સ્નેહાસ્ત્રને જીભે ધર્યું :

(વિયોગિણી)

પ્રિય હે! મધુશબ્દ ભાષિણી,

હૃદયે કોમળ ભાવ ધારિણી.

ત્વરિતા ભવ-અબ્ધિતારિણી,

શુભકારી સહધર્મચારિણી!

(માલિની)

ખુદ્ અપરિમિત પામી ધન્ય થાએ અનંગ,

સકળ શરીરમાં છે એક એવુંય અંગ!

મૃદુલ હૃદય, ત્યાં વક્ષે શ્વસે વામ બાજુ;

અભિલષિત સદા ત્યાં આપના હું બિરાજુ.

(અનુષ્ટુપ)

જાણો સ્નેહભર્યા મારા લાભ-શુભ ઉદ્દેશને,

પામી અદ્વૈતની પ્રીત, છોડો સહુ કલેશને.

(મન્દાક્રાન્તા)

પશ્ચાત્તાપે બળી ઉકળતાં પાર્વતી સાવ સ્તબ્ધ,

સંકોચાઈ નતમુખ ઊભા ચંદ્રમૌલિ સમીપે.

પાસે આવી, કર ગ્રહણનું ત્યાં થયું સુખ લબ્ધ!

અર્ધાંગો પ્રબળ પરિરંભી રહ્યાં એકચિત્તે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ