sitaa-parityaag - Khandkavya | RekhtaGujarati

અધિક સ્નિગ્ધ-વિલોચન-આનને,

સભર શ્યામ પયોધરચૂચુકે;

પ્રિય તણી પ્રિય લોચન-ચંદ્રિકા,

જનકનંદિની દોહદ સૂચતી.

આરોપી અંક સપ્રેમે લાજતી પ્રિય પત્નીને,

પૂછતા જાનકીનાથ, “પ્રિય શો અભિલાષ છે?”

“હર્ષે રમે હરિણ દર્ભ ચરંત જેમાં,

વ્હાલી વસે મમ સખી મુનિકન્યકાઓ;

ભાગીરથીપુલિનશુભ્ર તપોવનોમાં,

ઇચ્છું પુનઃ પ્રિયવિહાર હૃદે હું, વ્હાલા!”

ઇપ્સિત પ્રાણને અર્પી જાનકીસહ રાઘવ,

નીર્ખતા નગ્રની શોભા પ્રાસાદશિખરે ચઢી.

ઋદ્ધિમાન ભલાં ચૌટાં નૌમયી સરયૂ નદી.

વિલાસી પૂર્ણ ઉદ્યાનો નિહાળી હર્ષ પામતાં.

પ્રણયી હૃદયો પ્રેમે ગુંજતાં પ્રેમગુંજન,

વર્ષતી ચંદ્રિકામાંહે અનેરાં સુખ માણતાં.

કરવલ્લરિ સપ્રેમે અરોપી પ્રિયકંઠમાં,

મધુરી શાંતિમાં સીતા શાં પોઢ્યાં સુખસ્વપ્નમાં.

પ્રવેશે ભદ્ર એવે ત્યાં વિશુદ્ધ વૃત્ત પૂછતા,

“મમ વૃત્ત વિશે શો છે જનવાદ? વદો સુખે.”

“તમારાં સર્વ કાર્યોને સ્તવે છે નગ્રના જનો,

કિંતુ–” એમ વદી અર્ધ ઊભો મૂઢ અધોમુખે.

પ્રિય, કેમ રહ્યો મૂંગો, નિઃશંક વદ સદ્ય તું.”

નાથ-આગ્રહે દીન હા! ખિન્નવદને વદે!

“છેદાઓ શતધા જિહ્વા, અહો શું ધર્મસંકટ!

સુણ્યા, રાઘવને ધિક્ક! સ્વીકારી જાનકી ફરી.”

પવિત્ર સીતા શિર આળ કૂડું,

સુણી ગયું રાઘવ ઉર ફાટી;

“અયિ! સતિ અગ્નિશિખાવિશુદ્ધા!

કલંક ક્યાંથી તવ શિર આવું!

જનવાદ ઉપેક્ષું કે પ્રિયા હું જાનકી ત્યજું?”

ચડી ચિંતા-ઝૂલે ડોલે દુઃખી, હા! દિલ રામનું.

“પ્રજારંજન છે માત્ર સંતોનું પ્રિય વ્રત,

પૂર્યું જે મમ તાતે હા! ત્યજી પ્રાણો મને વળી!”

પોઢી છે શાંતિને ખોળે જાનકી મૃદુ નીંદમાં,

નિશ્ચિંત પ્રિયવક્ષે શી વલ્લરી વૃક્ષ-આશ્રયે.

નિહાળી સૌમ્ય તેજસ્વી જાનકી વદનાંબુજ,

છિન્નભિન્ન થતા હૈયે વદતા વેણ રાઘવ.

“જાણું છું પ્રિય કલ્યાણી! સાધ્વી રત્ન વિશુદ્ધ તું,

કિંતુ હા! રાજધર્માર્થે ત્યજું છું પ્રાણવલ્લભે!

ક્રૂર છું, ઘાતકી, હું છું નૃશંસ પત્નીઘાતક,

કઠોર-ગર્ભિણી તુંને ત્યાગું, હા! કર તું ક્ષમા.

કઠિન-અંતર! અંત સમે શું તેં,

પરહરી પ્રિય પ્રાણ સખી અહો,

લલિત જે તવ આશ્રયમાં ઠરી,

અહહ! તે ત્યજી પ્રિય સુંદરી!

પાતકી ક્યમ હું સ્પર્શે દેવીને દૂષિતા કરું,

મૂક મૂક અયિ! હું છું વિષદ્રૂમ, ચંદન.

જગત શૂન્ય અરણ્ય સમું દીસે,

અહહ! જીવિત નાશ થયું હવે.

જડ શરીર કાષ્ઠ સમું હવે,

શરણહીન, કરું ક્યમ હું હવે?”

પ્રિયતમા-પદ શીર્ષ અડાડીને,

રમણ વેણ વદે રુદિતાનને :

“ચરણ-પંકજ-સૌરભ-લ્હાણ આ,

મમ શિરે અયિ! છેવટનો આ.”

પ્રિય લક્ષ્મણને તેડી, વદે લક્ષ્મણ-પૂર્વજ :

“નૂતન તવ રાજા આદેશે આમ હે પ્રિય!

ઇચ્છ્યાં છે તવ ભાભીએ સૌમ્ય દોહદ શંસતાં,

પુણ્ય તપોવને વાસ જાહ્નવી સ્નાન શીતળ.

માટે દોહદ મિષે તું બેસાડી રથમાં પ્રિય,

વાલ્મીકિ આશ્રમે એને મૂકજે બંધુ એકલી.”

અબોલ્યે લક્ષ્મણે ધાર્યું, શિર અગ્રજ શાસન,

હા! શાસન વડીલોનાં શિરસાવંદ્ય સર્વદા.

પ્રભાતે સંચર્યા વીર આરોપી મૈથિલી રથે,

તુરંગો તરલા નાચે સુમંત્ર રથ હાંકતો.

મુગ્ધા અંતર હર્ષતી નીરખીને રમ્ય પ્રદેશો વને,

“હા! હા! વ્હાલમ શા પ્રિયંકર મમ પ્રેમાળ ચિંતામણિ!”

ભોળી નાથ ગુણાનુવાદ ગણતી, હર્ષાબ્ધિમાં ડોલતી,

જાણે શું? ત્યજી કલ્પવૃક્ષ-ફલતા, નાથે ધરી ક્રૂરતા!

ત્યાં દક્ષિણાક્ષિ સૂચતી સ્ફુરી ભાવિ દુઃખ,

દુર્નિમિત્ત ભયથી અતિ શોકઘેલી;

સીતા સતી પતિ તણું પતિ-બંધુઓનું,

ઇચ્છે પુનઃ પુનરપિ પ્રિય અંતરે શી!

ઊતરી જાહ્નવીપાર દક્ષિણે ગાઢ જંગલે,

ગદ્ગદ વચને વીરે નિવેદ્યું રામશાસન.

અંગારઅગ્નિ ઝરતી વીજના પ્રહારે,

તૂટી પડે સરસ કોમળ કેળ જેવી,

કૂડાં કલંક ઝરતાં વચનપ્રહારે,

હા! ભૂમિ-તનયા ઢળતી તેવી.

મૂર્છા મીઠી વિકટ સમયે ભૂમિકન્યા સહાયે,

આવી આવી, અહહ! અથવા ક્રૂર શો કેર થાતે;

સૌમિત્રિના વિવિધ યતને લબ્ધ સંજ્ઞા સતીને,

મૂર્છાથી હા! અધિક દમતો કિંતુ ભૂંડો પ્રબોધ.

કઠિન મનના જે સ્વામીએ ત્યજી વિણ દોષ હા!

નવ અઘટતું ભાષે તેનું સતી હૃદયેશનું.

સતત દુખિણી આર્યા કિંતુ સ્વભાગ્ય વગોવતી,

“પ્રિયતમ તણી હું દુષ્ટા છું અમંગળકારિણી.”

આશ્વાસી પ્રણમી સતીચરણમાં યાચે ક્ષમા લક્ષ્મણ,

“નાથાજ્ઞાધીન દીનની કઠિનતા, માતા! કરો હા ક્ષમા!”

ઉઠાડી વદતી સતી સુવચના સૌમિત્રિ વીરા પ્રતિ :

“આશીર્વાદ દઉં પ્રસન્ન મનથી, હે સૌમ્ય! જીવો ઘણું.

સર્વ શ્વશ્રૂજને મારી પ્રાર્થના પ્રીતિપૂર્વક,

તવ પુત્રપ્રસાદે છું સગર્ભા શુભ ચિંતજો.

વીરા, મારી વતી કહેજો રાજાને આટલું વળી,

અંતરે બળતી બોલુ : વ્હાલા! સૌ કરજો ક્ષમા!”

અગ્નિસ્નાનવિશુદ્ધાને લોકવાદભયે ત્યજી,

તમારા કુળને નાથ! ઘટે છેક આમ શું?

‘વ્હાલી! જીવન તું મારું, તું મારી નેત્રચંદ્રિકા,

પીયૂષ પ્રણ તું મારા’, વદી હા! ત્યજી અંત શું?

વા પુણ્યશ્લોકને શાને નમેરી દોષ હું દઉં,

દોષ દુર્ભાગ્યનો મારી વજ્ર શો આમ દમે.

વિકટ જંગલમાં પ્રિય એકલી,

શરણ કોણ મને? મરું છું છળી;

કદી કદી સ્મરજો તમ કિંકરી,

વધુ વદું પ્રિય શું હતભાગિની?

વિરહ-નિષ્ફળ જીવિત તુચ્છ આ,

નવ ગમે, મરવું પ્રિય લાગતું;

અહહ! કિંતુ તોય મરી શકું,

પ્રથમ રક્ષણ ગર્ભ તણું ગણી.”

“પ્રથમ સમય વીત્યે સૂર્યમાં દૃષ્ટિ રોપી,

તપ શુચિ દૃઢચિતે ભીષ્મ હું આદરીશ,

રઘુવીર પતિ મારા જન્મજન્માંતરે હો,

કદી વિરહપીડા અંતરે, ઇચ્છા!”

“તમ સંદેશ, હે દેવી! નિવેદીશ નૃપેન્દ્રને,

મઠ વાલ્મીકિનો પેલો આમંત્રે આત્મશાંતિમાં.”

આશ્વાસી એમ સૌમિત્રિ દૃષ્ટિની પાર જ્યાં થયા,

દુઃખભાર થકી દેવી મુક્ત-કંઠે રડી પડી.

કુસુમ વૃક્ષ, સુનૃત્ય મયૂર ને,

કવલ દર્ભ તણાં હરિણો ત્યજે;

પ્રકૃતિ માત્ર સતી રુદને રડે,

વન અનંત ધરી મૃદુતા દ્રવે.

સ્રોત

  • પુસ્તક : આપણાં ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ડૉ. ધીરુભાઈ ઠાકર, ડૉ. ચિમનલાલ ત્રિવેદી, પ્રો. ચંદ્રશંકર ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ