
(વસંતતિલકા-અનુષ્ટુપ)
રેડી મહાપ્રલય તુલ્ય અચિંત્ય વારિ
ભૂમિ અને જલધિનો દૃઢ ભેદ ટાળી;
સંતપ્ત ઉર્વીઉરને રસથી રિઝાવી,
લેતો વિરામ નભમાં ઘડી મેઘ થાકી.
તથાપિ મંદ ધારાથી વર્ષતો હજુ ના રહે,
ચડેલું પૂર પ્રીતિનું શીઘ્ર શું અટકી પડે?
અભ્રો અનેક ગગનાંગણ ઘેરી ઊભાં,
વૃષ્ટિ વિશેષ કરવા તલપી રહેલાં;
સેનાનીના રણનિદેશની વાટ જોતાં,
યુદ્ધાર્થ સજ્જ સહુ સૈનિકનાં સરીખાં.
ઉત્પાત કારમો દેખી છુપાતો અભ્રઓથમાં,
અસ્તાબ્ધિમાં ગયો ડૂબી દીન જેવો દિનેશ હા!
આવી તમિસ્ર વરસાવતી રાત કાળી,
ને વાદળાં પણ રહ્યાં તમને વધારી;
ના ચંદ્ર, તારક, નભસ્તલમાં જણાય,
હા! કોણ થાય જન દુર્દિનમાં સહાય?
અધીરો ગર્જતો ઘેલો ગજાવે ઘન વ્યોમને,
શાર્દૂલો શબ્દ એ ઝીલી ગજાવે વન ભૂ પરે.
સર્વત્ર હા! સલિલ માત્ર જણાય કાળું,
ડૂબાવતું જગતને, પથને પડેલું;
પંથાવરોધ કરતા મહીં બેટ જેવાં,
આ ડોકતાં અહીં તહીં તરૂઓ ઊભેલાં!
ઘોર ગ્રાહ સમા જ્યાં ત્યાં વૃક્ષના વિટપો તરે;
દુઃસ્વરે દર્દુરો ભૂંડા કાર્ય કાળ તણું કરે!
ના વારિને વસુમતી અવકાશ આપે,
ના સંઘરે જલનિધિ ઉરમાં લગારે;
મૂંઝાઈ બે સદનના અતિથિ સરીખું,
જ્યાં જ્યાં પડ્યું સલિલ ત્યાં બની શાંત સૂતું!
નિસ્તીર નીરની વચ્ચે અશ્વ એક ઊભો દીસે,
ચેષ્ટાહીન ગયો ચોંટી શૂન્યવત્ સ્વાર તે પરે.
હા! જાડ્યથી જડ બની જન એ ગયેલો,
ને અશ્વ કંપિત થતો જલથી ભીંજેલો;
શોધી રહ્યો પથ તુરંગમ સંભ્રમેથી,
ચાલી જરા અટકતો ઉર કૈં વિમાસી.
આખરે દીપ ઓચિંતો દેખાયો એક દૂરથી,
ઉમંગે લક્ષતો એને, સંચરે દૃઢ ચિત્તથી.
સ્વામી તણા શરીરનો ન નિપાત થાય,
એથી સુમંદ પદ એ ધરતો જણાય;
ગંભીર સિંધુ પર એકલ નાવ જેવો,
ધીમા ક્રમે વિચરતો ઘડી દીપ જોતો.
ઝીલવા એક ઉક્તિને હજારો દાસ જ્યાં હશે,
અશ્વથી પડતો એને ઝીલવા કોઈ ના કને!
કાપી પ્રલંબ પથ આતુર અશ્વ અંતે,
આવી રહ્યો ઉટજ એક તણી સમીપે;
હેષા વડે સદનના જનને જગાડે,
ને માગતો શરણ કૈં પદને પછાડે.
ઊઘડ્યું દ્વાર અંતે ને દીપ હસ્ત વિષે ગ્રહી,
શંકતી, કંપતી ઉભી એક ત્યાં યુવતી રહી.
દેખી રહી ઉભયને દૃઢ ધ્યાન દેતી,
કંપી ગઈ મૃત સમા નરને નિહાળી;
હા! રાજવંશી જન કોઈ જણાય છે એ,
ને શીતથી ખચિત સ્તબ્ધ થયો દીસે છે.
અતિથિ આંગણે આવ્યો, ઘટે આશ્રય આપવો,
ગૃહીનો ધર્મ શું એેવો ગૃહિણીએ ન પાળવો?
એવું વદી, દૃઢ વિચાર ઉરે ઉતારી,
કીધી જઈ સદનમાં સહસા પથારી;
પાડોશની યુવતીઓ તણી સ્હાય સેવી,
લેઈ ગઈ ગૃહ વિષે શ્રમથી ઉઠાવી.
ભીનાં વસ્ત્ર કરી દૂરે શુષ્કથી તનુ ઢાંકતી,
આપવા અંગમાં ઉષ્મા ઉપાયો કૈંક યોજતી.
અગ્નિ વડે અહીં તહીં કંઈ શેક કીધો,
ને વસ્ત્રવેષ્ટન થકી બહુ ઘામ દીધો;
નાના પ્રલેપ પણ ઉષ્ણ રહી લગાવી,
તોયે જરાય ગરમી ઘટમાં ન આવી!
ચિંતાતુર બની રામા, રહી નાડી નિહાળતી;
હજારો તર્ક હૈયામાં સંભ્રમે સાધતી જતી.
અંતે વિચાર ઉરમાં કંઈ એક આવ્યો,
ને કંપ ઉગ્ર પ્રકટી વપુમાં સમાયો;
'હા' 'ના' તણું ઘડી ઉરે ઘમસાણ સેવી,
ઊભી થઈ વ્યથિત વ્યગ્ર બની ગયેલી.
ડોલતા દીપની સામે હાથ જોડી ઊભી રહી!
રોકતી નેત્રવારિને કહે કૈં રુદ્ધ કંઠથી :
ચંદ્રાર્કના પ્રતિનિધિ આયિ! દીપ દીપ ભ્રાતા!
ને પ્રાણીને હૃદય ધારતી ભૂમિ માતા!
હા! અગ્નિદેવ! જગતાત તમે જણાતા!
સાક્ષી હજો મુજ અલૌકિક કાર્યના આ!
સર્વદા સૃષ્ટિને જોતા સ્વર્ગના સુર બાંધવો!
ન્યાયની દિવ્ય દૃષ્ટિથી ઉર મારું ઉકેલજો!
રે! આ અનાથજનજીવ બચાવવાને,
ને ધર્મ માનવ તણો કંઈ પાળવાને;
ઉષ્મા હવે તનુ તણી દઉં સ્પર્શ સાધી,
દ્યો ત્યાં સુધી બલવતી ઉરને સમાધિ!
વિકારશૂન્ય જો મારૂં નવ્ય વર્તન નીવડે,
પ્રાણનું દાન પંથીને આપજો સહુ તો તમે!
ને કૈં વિકાર મુજ અંતરમાં નિહાળો,
તો ભસ્મ દેહ કરજો દઈ વીજમારો;
ચિરાઈ કાં ગળી જજો તનુને ધરિત્રી;
કાં વજ્ર વાસવ તણું પડજો ત્વરાથી!
બોલતી બ્હાવરી જેવી શય્યામાં સહસા પડી;
શબવત્ દેહને ભેટી ઉષ્ણતા આપતી રહી!
ભેટી પડે તનુજને જ્યમ માત મીઠી,
વાત્સલ્યનો પરમ પાવન સ્રોત વ્હેતી;
ભેટી રહી પથિકને ભરતી ભુજાથી,
આખંડલાસન અચિંત્ય ડગાવી દેતી!
ધન્ય હો! દેવની દેવી! ધન્ય! અદ્ભુત યોગિની!
ડૂબતી વારિમાં તોયે અસ્પૃહા પદ્મિની સમી!
કંદર્પને સ્મરહરે કરી દગ્ધ દીધો,
કાંઈ તથાપિ અવશેષ રહી ગયેલો;
તે આજ આ કૃતિ થકી સતીએ નિવાર્યો!
અગ્નિ અને ગરલનો પણ ગર્વ ટાળ્યો!
પાષાણમૂર્તિ શાં બંન્ને શરીરો શ્લેષ સેવતાં!
માનસો વિશ્વ મૂકીને ક્યાંય ઉડી ગયાં હતાં!
વિદ્યુત્પ્રવાહ વનિતાવપુથી સરંતો,
નિશ્ચેષ્ટ એ તનુ વિષે ઘડીમાં સમાયો;
આવ્યું અચિંત્ય કંઈ ચેતન અંગઅંગે,
ને ઉઘડ્યાં હૃદય, લોચન, વક્ત્ર સંગે.
છલંગે છોડતી શય્યા રામા દૂર જઈ પડી!
ધીમેથી ધ્રૂજતી જિહ્વા પંથીની કૈંક બોલતી :
કોણે મને અજબ જીવનદાન દીધું?
કોણે અહો! અમરનું અહીં કાર્ય કીધું?
શું સ્વર્ગથી મુજ જની જગ માંહી આવી,
લીધો કૃતાંતમુખથી સુતને બચાવી?
ખમા ઓ વીર મારાને! શાંતિ અંતરમાં ધરો;
આશ્વાસ એમ આપીને વનિતા વદતી, અહો!
આ નેસ ચારણ તણો, પુરૂષો અમારા,
દુર્ભિક્ષથી પશુ વિદેશ લઈ ગયેલા;
વર્ષા વડે વ્યથિત અશ્વ લઈ તમોને,
આવ્યો નિશામુખ વિષે અમ રંકગેહે.
બજાવ્યો માનવી કેરો એ થકી ધર્મ માનવે,
શુશ્રૂષા સિદ્ધિને પામી, લાભ એહ મળ્યો મને.
ધીમે શરીર મહીં આખર સ્વાસ્થ્ય આવ્યું,
ને પાંથનું હૃદય સદ્મ ભણી તણાયું;
પ્રસ્થાનસજ્જ હયને કરથી કરીને,
લેતો વિદાય વદતો ઉરના ઉમંગે :
આવજે બ્હેન ઓ મારી! તળાજે ભ્રાતને ગૃહે;
ભૂપ હું એ ભૂમિ કેરો, નામ એભલ સૌ કહે.
તારો અપાર ઉપકાર નહિ ભુલાય,
એનું ન મૂલ્ય જગનાં જનથી અપાય;
નિઃસ્વાર્થ કાર્ય કરનાર મનુષ્ય મોંઘાં,
હા! ભૂતલે નિવસતાં પણ દેવ સાચાં.
આશ્ચર્ય પામતી ઊભી યુવતી દેખતી રહી,
અશ્વ દોડાવતો અંતે નૃપ દૂર ગયો વહી.
(૨)
દુષ્કાલદુઃખ જગનું જલદે નિવાર્યું,
સર્વત્ર કૈં નવલ ચેતન શીઘ્ર આવ્યું;
આવ્યા ગૃહે પશુ લઈ નર નેસવાસી,
આનંદતા સ્વજનને ધરી ભાવ ભેટી.
કર્ણોપકર્ણ ત્યાં ચાલી પાન્થની ઘટના પછી,
કલંક કારમું આવ્યું સતીશીર્ષ પરે ધસી.
ક્રોધાગ્નિથી બળી ગયો પતિ એ સુણીને,
કૈં કૈં અવાચ્ય વદતો, લડતો પ્રહારે;
સર્વાંગ સત્ય દયિતા શ્રમથી જણાવે,
વિશ્વાસ શંકિત ઉરે પણ કેમ આવે?
અપૂર્વ અગ્નિથી એના રોમેરોમ તપી ગયા,
ગલત્કૃષ્ટ તણા રોગે પર્યન્તે પીડતા થયા.
શોકે ભરી યુવતી કૈંક ઉપાય યોજે,
ના શાંત થાય દૃઢ રોગ અરે! લગારે;
એથી કરંડહૃદયે પતિને ધરીને,
અન્યોપચાર સજવા વિચરે વિદેશે.
હજારો વૈદ્યને પામી, હજારો તીર્થમાં ગઈ,
પરંતુ વ્યાધિનો સાચો ના ઉપાય જડ્યો કંઈ.
અંતે ગઈ રડતી એભલની સમીપે,
નૈરાશ્ય આશ ઉરમાં અતિશે ધરીને;
દેખી સુદૂર થકી ભૂપતિ દોડી આવ્યો,
ને દંડવત્ ધરણિમાં પડી પાય લાગ્યો.
આયુષ્ય આપનારી તું આવી બ્હેન ભલે ગૃહે!
કરડે શું ધરી લાવી? શી તારી સ્થિતિ? તે કહે.
શોકે રડે હૃદય ને નયનો ભીંજાતાં,
કષ્ટે વદે રમણી લોચનનીર લ્હોતાં;
હા! કંથ એ વિકટ રોગ થકી રિબાય,
સર્વે ગયા અફળ સૃષ્ટિ તણા ઉપાય.
બત્રીશલક્ષણા કેરા રક્તથી સ્નાન જો કરે,
દૂર તો થાય એ વ્યાધિ, એમ વૈદ્ય ઘણા વદે.
ચિંતા નહિ હૃદયમાં ધર બ્હેન! ત્યારે,
એ છે ઉપાય તુજ કારણ હસ્ત મારે;
બત્રીશ લક્ષણ જનો મુજમાં જુએ છે,
ને એમ પંડિત, પરીક્ષક સૌ કહે છે.
આયુષ્ય ભોગવું છું આ, તે તારા કરથી મળ્યું,
ત્વદર્થે આપવું એથી અન્ય શું વિશ્વમાં ભલું?
કાલે થશે મરણ પામર કીટ જેવું,
એથી અવશ્ય અતિ ઉત્તમ મૃત્યુ આવું :
જો રોગમુક્ત ભગિની! પત્તિ થાય તારો,
તો ધન્ય એક ધરણિ મહીં દેહ મારો.
પરંતુ શીર્ષને કાપે કોણ? એ પ્રશ્ન ઉદ્ભવે,
મોકલી દૂતને પાસે, બોલાવ્યો નિજ પુત્રને.
એ તાતનું કથન સર્વ ઉરે ધરીને,
માગે કશું વિનયથી ચરણે પડીને;
હું લક્ષણો સકળ આપ તણાં ધરાવું,
છું આપવા અધિક આતુર શીર્ષ મારું!
આગ્રહી બે રહ્યા ઊભા ઉમંગે શિર આપવા,
અન્યોન્ય અસિને દેતા, ને કે'તા સદ્ય કાપવા!
દેખી રહ્યો પુરૂષ સર્વ કરંડવાસી,
પામ્યો અપૂર્વ કંઈ અંતર માંહી શાંતિ;
સિંચાય રોમ સહુ નૂતન કો સુધાથી,
ઊડી ગયો પળ વિષે કંઈ દૂર વ્યાધિ!
કાઢવા એ કરંડેથી વામાને વિનયે કહે,
કંઈ સ્વાસ્થ્ય ધરી પાયે પડીને ધ્રૂજતો વદે :
વ્હાલી! તને પ્રથમથી નહિ મેં પિછાણી,
તું શુદ્ધ સંયમવતી, સ્મર જીતનારી!
ને ભૂપ આ શિબિ તણો અવતાર સાચો!
તેનો મયૂરધ્વજ તુલ્ય કુમાર આ તો.
શંકા સર્વ ગઈ મારી, ક્રોધ ને રોગ હા! ગયો;
સુધાસિંધુ તણા સ્નાને દેહ દિવ્ય બની રહ્યો!
મેં સૂક્તિઓ શ્રવણ માંહિ ધરી તમારી,
તે તો હતી વિબુધના વ્યવહાર કેરી!
સાન્નિધ્ય એ અમરનું મૃતને જગાડે,
તો કાં અસાધ્ય જનરોગ નહિ મટાડે?
સહસ્ર ચંદ્રના સ્પર્શે જે ન શીતલતા જડે,
આ પ્રસંગ તણા યોગે સાંપડી સદ્ય તે મને!
આલંબ સૂર્યશશીના હજુ વિશ્વમાં છે,
ને સ્તંભ છે ગગનગુંબજના હજુયે!
નિષ્ઠુર મૃત્યુઉરને શરમાવનારા,
અદ્યાપિ વીર નર હા! જગમાં વસેલા!
પરંતુ એ નહિ સૂઝે : આપવા ઉત્તમાંગને,
સ્પર્ધતા સામસામે આ બે 'વાળા'માં કયો ચડે!



સ્રોત
- પુસ્તક : કાવ્યસરિતા (પૃષ્ઠ ક્રમાંક 108)
- સંપાદક : અનંતરાય રાવળ
- પ્રકાશક : મૅકમિલન અને કંપની
- વર્ષ : 1959
- આવૃત્તિ : પુનર્મુદ્રણ