
(હરિગીત)
રજની રમ્ય વસન્તની
પ્રિય શશીકરને ગ્રહી,
આજ રસઘેલી બની,
શું ઊતરી રમવા અહિં!
ધવલ ઉજ્જવલ પટ ધરી
વ્યોમ—ઉર શી વિરમી
ગગનગંગા સ્મિતભરી,
આબે હયાત-ઝરા સમી.
(શિખરિણી)
વહી જાતાં ધીમે ગહન સલિલો નીલ નદનાં,
શશીની જ્યોત્સ્નામાં સ્મિત અગણિતે શાં મલકતાં!
વહી ધીરે, મીઠી અનિલ લહરી શીકરભરી,
લડાવે વૃક્ષોને કુસુમિત લતા, વીજન કરી.
(દ્રુતવિલંબિત)
સરિતતીર શશીકર ચૂમતું,
વઝીરમંદીર રમ્ય વિરાજતું.
ગિરિતણા ભ્રમમાં ૫દ પ્રેમથી,
સલિલથી સરિતા શું પખાળતી.
(હરિગીત)
હેમ- દીપક- જ્યોતથી
ભુવન-અંતર : ઝળહળે :
સ્ફટિક-નિર્મળ ભીંતથી
પ્રતિબિમ્બ કંઈ બિમ્બે ભળે.
અમૂલ હિંડોળે તહિં,
ધવલ ચીનાંશુક ધરી,
શશિકલાશી નભમહિં,
બેઠી ઝુલેખા સુંદરી.
તેજ ઉજ્જવળ અંગથી,
સકળ દિશમાં સીંચતો,
દીસતો યૂસુફ તહિં
ચન્દા સમીપે શુક્રશો.
દીનતા દાસત્વતી
ના વદન ત્હેને કશી.
દુઃખ ઉરનાં અવગણી,
સૌન્દર્યરાશિ રહ્યો હસી.
રૂપ અનુપમ રસભરી
વણ નિમેષ નિહાળતી,
કરુણ સ્વરથી સંદરી
સુફશું કંઈ બોલતી.
'મિસરની ભૂમિ મહિં
આપણે મળશું ફરી,
વચન એ સ્વપ્ના મહિં
મુજને ક્હી તેં છેતરી!
તુજ વચન-વિશ્વાસથી,
હું અહીં આવી રહી,
પણ વઝીર-ઉરશું રતિ
મુજ ઉરમાં પ્રકટી નહિ.
(વસન્ત તિલકા)
આરામ એક ઉરથી ઉરને મળે જો.
થાયે પ્રસન્ન ક્યમ અન્ય સમાગમે તો?
ખીલે સરોજ યદિ સૂર્ય-કરાંગુલિથી,
તેની શશીકર વિશે કદિ થાય પ્રીતિ?
(હરિગીત)
વિભવની નવ ન્યનતા
સુખભર્યા ઘરમાં અહીં;
પણ વિયોગ-દરિદ્રતા-
આ શૂળ શી સાલી રહી.
જીવનના અંધારમાં
આશ એકે ટકી રહી.
આજ તુજ દર્શન થતાં,
નિર્મળ પ્રભા ઝળકી રહી.
દીન વદને તું કને
પ્રેમભિક્ષા યાચતી;
દગ્ધ આ મુજ ઉરને,
કર શાંત પ્રીતિ નીરથી.
રમ્ય રજની રજબની;
લે દે મઝા તેમાં ભરી.
ઝિંદગી દિન ચારની,
વીતી નહિ આવે ફરી.
ફિકર દુનિયા—દીનની,
જઇયે બધીયે વીસરી :
મધુર લાલ શરાબની,
મુજ સાથે પ્યાલી પી ભરી.
વચન એવાં ઉચ્ચરે,
મદન જેહ શિખાવતો;-
ધીર ગંભીર સ્વરે,
યૂસુફ તેશું બોલતો.
ક્યાં વિભૂતિ વઝીરની?
અધન હું ગુલામ ક્યાં?
ક્યાં સુતા તું ભૂપની?
પ્રીતિ અપાત્રે થાય ના.
શું મદનવિહ્વલ બની,
અધમતા આ ચિંતવે?
વિમળ તુજ ચારિત્ર્યની,
કીર્તિ કલંકિત કાં કરે?
ભોગ નશ્વર વિશ્વના,
મુજ હૃદયને ના ગમે.
ભક્તિ-રસમાં ઈશના,
એ દિવ્ય ઇશ્ક વિશે રમે.
વેણ એમ કંઈ વદી,
ત્વરિત તે ત્યાંથી જતો,
સુંદરી—ઉરની બધી;
આશા—કળી ઉચ્છેદતો.
અય્ માહે શબ—આફરોઝે મન્
અઝ્ મન્ ચરા રંજીદઈ?
અય્ દિલ્બરે મન્, જાને મન્,
થઈ બેરહમ જાયે કહિં?
એમ વદી એ દોડતી,
વસ્ત્ર યૂસુફનું ગ્રહ :
ખેંચતાં બળથી અતિ
ફાટી કરે ખંડ જે રહે.
થઈ નિરાશ નીચે પડી,
વસ્ત્ર-ખંડ કરે ગ્રહી.
વચન ગદ્ગદ રડી રડી
નિજ હૃદયશું બોલી રહી.
જા જિગર, તૂટી તૂટી!
ક્યમ વિલમ્બ કરે વૃથા?
જોઉં, તુજ વિણ હત વિધિ
ક્યાં રાખતો દુઃખ આ બધાં!



સ્રોત
- પુસ્તક : કાન્તમાલા (ગદ્ય - પદ્ય સંગ્રહ) (પૃષ્ઠ ક્રમાંક 273)
- પ્રકાશક : "ગુજરાતી" વર્તમાનપત્રની ઓફિસ
- વર્ષ : 1924