winano mrig - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વીણાનો મૃગ

winano mrig

કલાપી કલાપી
વીણાનો મૃગ
કલાપી

ઊગતા સૂર્યની સામે આવે છે મૃગ દોડતો.

ઊતરે બાગમાં હાવાં ફલંગે ગઢ કૂદતો.

વીણા તણો નાદ તહીં સુણાય,

આનંદલ્હેરે અનિલો ભરાય;

ઝૂલે ફુલો કંઈ તાલમાં ત્યાં,

વસંતલીલા સ્વર બેવડી રહ્યા.

ભીતિ કશી મૃગને દિસે ના,

પિછાન જૂની સ્થલની નકી આ;

નમાવી શૃંગો ચળ પીઠમાં કરે,

યથેચ્છ પર્ણો તરુનાં જરા ચરે.

ઊડી રહ્યો છે જલનો ફુવારો,

હોજે તરે રંગીન માછલીઓ;

ત્યાં કાન માંડી મૃગ તે ઢળે છે,

જરા નમીને જલ પીએ છે.

પાસેથી ત્યાં તો સ્વર દિવ્ય આવ્યા,

વાયુ તણી લ્હેર મહીં ગૂંથાયા,

કૂદી ઉમંગે ચમકાવી કર્યો,

સ્વરો ભણી મૃગ દોડતો ગયો.

હીંચકે ખાટમાં બેઠી કુંજમાં દિવ્ય સુંદરી,

બીનની મીંડ મીઠીમાં છે છેક ગળી ગઈ. ૬

દિસે અંગો નાનાં હૃદયમય કે તાનમય શાં,

લતા શા ડોલે છે કટિ ઉપરના સૌ અવયવો;

અહા! કાળા ઝુલે કમર પર વાળ સઘળા,

દિસે તારા જેવાં ચકચકિત શાં સ્નિગ્ધ નયનો. ૭

મળી છે શું આંહી જગત પરની સૌ મધુરતા,

અહીં વેળાનું ના કરવત ઘસાતું નકી હશે;

ગ્રહો, તારા, ભાનુ, જરૂર ક્ષણ આંહીં અટકતા,

સ્વરોની દેવીનાં નમી નમી અહીં દર્શન કરે! ૮

દૂરથી આવતો દોડી વ્હાલો મૃગ જોઈને,

કન્યા તે હસ્ત લંબાવી હેતથી આવકાર દે.

આનંદભીનાં નયને નિહાળી,

પંપાળતી તે મૃગને કરેથી;

દાસત્વ મીઠું મૃગમાં દિસે છે,

પ્રેમાળ ભીનાં નયને વસે છે. ૧૦

પછી વીણાતારો મધુર સ્વર દૈવી જગવતા,

હવામાં નાચંતી સ્વરથી કંઈ મૂર્તિ ખડી કરે;

જડી જાણે રાખે નયન મૃદુ કન્યા ભૃગ પરે,

અને ચ્હેરામાં નવીન કંઈ ભાવો પલટતા. ૧૧

મૃગેયે ભાસે છે વશ થઈ જતો કે ગળી જતો,

જરા ડોલે શૃંગો વળી અરધ મીંચ્યાં નયન છે;

નિસાસા લેતો મૃગ હૃદય જાણે ઠલવતો,

અને કન્યાશિરે રસમય અભિષેક કરતો. ૧ર

અહો ! ક્યારે ક્યારે થનનથન નાચી કુદી રહે

વળી કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે;

ફરે વીણા તેવાં હૃદય, નયનો, અંગ ફરતાં,

દિસે બંને આત્મા અનુભવી રહ્યા એકમયતા. ૧૩

પ્રભાતકાલે મૃગ આમ આવતો,

વીણા સુણીને વનમાં ફરી જતો;

સ્વરો મીઠા મૃગ વિણ ઊઠતા,

સુખી થતી ના મૃગ વિણ કન્યકા. ૧૪

લગની કો લગાડે છે ઉરોની રસ-એકતા;

પશુ આ, માનવી આ, કાંઈ ભેદ પ્રેમને. ૧પ

દિનો કૈં આનંદે રસભર ગયા આમ વહતા,

સદા રહેતાં ધૂને મધુર સ્વરની આમ દિલ આ;

પ્રભાતે કોઈ પથિક ગઢ પાસે અટકતો,

ચડી સુણી વીણા નિજ પથ જતો આશિષ દઈ. ૧૬

***

તહીં ઊગ્યો છે હજુ અર્ધ ભાનુ,

નવીન રંગે નભ છે ભરેલું;

શુકો ઊડે ગીત હજાર ગાઈ,

સહુ સ્થલે છે ભરપૂર શાન્તિ. ૧૭

ઉદાસ શાન્ત સ્વર બીન છેડે,

ઉદાર ભાવો મૃગનેત્ર રેડે;

મચી રહી આર્દ્ર સ્વરોની હેલી,

મહાન આનન્દની રેલ રેલી. ૧૮

અરરર સુસવાટો થાય ત્યાં બાગમાં કૈં,

અરર! મૃગ બિચારો ઊછળીને પડે છે!

થર થર થર ધ્રૂજે કન્યકા ત્રાસ પામી,

શિથિલ કર થતાં બીન તૂટે પડીને. ૧૯

મૃગહૃદય મહીં છે તીર લાગ્યો, અરેરે!

ખળખળ ઢળતું, હા! રક્ત ભૂમિ પરે એ;

નયનજલ વતી કન્યકા ઘા ધુએ, ને

મૃગ તડફડ થાતો હાંફતો શ્વાસ લે છે. ર૦

મિંચાઈ જાતાં નયન દરદે બે ક્ષણ, અને

ઘડી કન્યા સામે રુદનમય શાં નિરખતાં!

અરે! છેલ્લે યાચે નિજ પ્રિય કને એક નઝરે,

વદે છે કૈં આવું નયન મૃદુ ચોંટી રહી હવે: ર૧

‘કરીને શીર્ષનું તુમ્બું, નેત્રની નખલી કરી,

બજાવી લે, બજાવી લે, તારું બીન હજી હજી!

કૃપા હોજો, દયા હોજો, પ્રભુની બીનની પરે

અનુકૂલ સ્વરો મીઠા હજો તુજ હસ્તને! રર

કન્યા બિચારી દુ:ખણી થઈને,

શીર્ષ ખોળે મૂકતી રડે છે;

ત્યાં પાછળથી નર કોઈ આવે,

વાત્સલ્યભાવે વદતો જણાયે; ર૩

‘અયિ પુત્રિ! શિકારી તો પાપી છે તુજ પિતા;

ભૂલી જા એ, બજાવી લે તારું બીન હવે જરા! ર૪

હૃદય સ્થિર નથી કન્યકા બાપડીનું

નજર નવ કરે તે, કોણ આવ્યું આવ્યું;

પણ દૃઢ થઈ અન્તે અશ્રુમાં તે ગળન્તી,

દરદમય છતાં કાંઈ મીઠું લવે છે: રપ

‘તુમ્બું તૂટી પડ્યું, અરે! જિગરના ચીરા થયા છે. પિતા!

રે! સાંભળનાર ના જગતમાં, એવું થયું છે પિતા!

વીણા બન્ધ થયું, સ્વરો ઊડી ગયા, ખારી બની ઝિન્દગી;

સાથી ના જગમાં રહ્યો! પ્રભુ તણી આશિષ એવી મળી! ર૬

મૃત્યુને વશ કલા થઈ ગઈ! હુંયે બની મૃત્યુની;

સંસાર અસાર છે; અહહહા! શીખ આજે મળી;

વ્હાલાં, હાય, અરે અરે! જગતમાં વ્હાલાં ઉરો ચીરતાં!

ભૂલોની પરંપરા જગત આ, એવું દિસે છે, પિતા! ર૭

ક્યાં શ્રદ્ધા! અહ! પ્રેમ ક્યાં? જગત આખું અકસ્માતનું,

જે પ્યાલું મૃગને મળ્યું મરણનું તે હુંય માગું, પ્રભુ!

જોઈ બે ઘડી લઉં મૃગ અને વીણા તૂટેલું, પિતા!

નિર્માણ અનન્તના જલ મહીં ડૂબે પછી હું, પિતા!’ ર૮

***

દિનો કૈ કન્યાના દરદમય, ઓહો! વહી ગયા,

ફર્યાં છે ગાત્રો, મુખ પણ ફર્યું છેક જ, અરે!

હવે જો કોઈ પથિક ગઢ પાસે અટકતો,

શિલા ત્યાં વાંચી કંઈક દુઃખમાં તે ડૂબી જતો: ર૯

‘કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં;

કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં!’ ૩૦

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ