ગ્રીષ્મ મધ્યાહ્ન,
વેરાને એકાકી તાલવૃક્ષની
જીર્ણ છાયા જરા જેવી;
ઓથ એની ય તે ગ્રહી
હાથને ઓશીકે માથું મેલીને, શાન્ત ભાર્ગવ
અર્ધનિમ્ન દૃગે પીને દૂરનાં મરીચિ-જલ
સૂતો છે, તૃપ્ત હૈયાના આનંદે મંદ સ્પંદતા
છંદના ધ્વનિમાં લીન.
પાન્થ ત્યાં કોઈ હાંફતા
અંગથી આવતો, છાયા વિશે રે સ્થાન કો નહીં
લહીને ક્ષણ તો ઘેરી હતાશાથી અવાકશો
નેત્ર માંડી રહ્યો ખાલી.
વાતી લૂનો જ્યહીં થતો
સ્વેદને સ્પર્શ, ત્યાં કેવી તરી?
ત્યાં ચિત્તમાં સ્ફુરી
રહે શો તત્ત્વનો મંત્ર (?) ઘોળાતો જે ફરી ફરી.
સર્વ કૈં અન્ન છે મારું, મારું આ સર્વ ભોજ્ય છે.
(ઊઘડ્યા હોઠમાં ખંધા સ્મિતની રેખ રૌપ્ય છે,
અહો એ શમવી!) ઘેરી વ્યથાનું ધરી કૌશલ
ઉચ્ચરે,
‘શ્રાન્ત, બન્ધુ! ઊઠ રે ઊઠ સત્વર.’
નેત્ર ભાર્ગવના ખૂલે, દૃષ્ટિ જે સૌમ્ય, ઉત્સુક,
મૂક આલોચતી વાણી અન્ય કેરી હસન્મુખ.
અજંપે ફરી પાન્થ ઉચ્ચરે
‘દૂર જે પણે
વેળુનો ઢગ ત્યાં કોઈ તાપમાં તર્ફડી મરે,
આપની સ્હાય...’
રે છેલ્લો શબ્દ યે ના પૂરો થચો
ઊઠીને ભાર્ગવે ત્યાં તો દાખવ્યા માર્ગને ગ્રહ્યો.
છાંયને નિજ છાયામાં લીધી ને અટ્ટહાસ્યથી
યાત્રીએ જગવ્યું રાન, પૂંઠે ત્યાં ભાર્ગવે જરી
લહ્યું.
એ પાન્થ પાણીની થેલીનું ખોલીને મુખ
ઘૂંટડો ભરતાં બોલે વેણ કૈં કૈંક અસ્ફુટ,
‘જાવ છો તો ભલે,
સાધો! જવાનો અર્થ ના, નથી.
આભની આટલી આગે બચે રે કોણ પ્રાણથી?
શેકાતાં રેતીમાં દેહ બનેલો ભસ્મ ને હવે
વાયુએ રજને એની હશે વેરી સ્થલે સ્થલે
જાવ છો તો ભલે,
થોડું લેશો આ જલ? કિંતુ...’
‘ના
માહરે ઉપવાસીને એવી તે કોઈ ઝંખના.’
કહેતાં પગલાં માંડ્યાં ભાર્ગવે.
પથિકે કરી
ખેસનું ઓશીકું, કાયા બિછાવી છાંયમાં ખરી...
થાકેલાં ગાત્ર, જે સ્વેદે સિક્ત, વિશ્રાન્તિ એહને
વળી ને નેત્રને નિદ્રા મળી સ્હેજે, ત્યહીં હવે
સ્ફુરે છે સ્વપ્નનું કોઈ નિરાળું સૃષ્ટિ-દર્શન,
સાંજની શાન્તિમાં ઘેરું ઘેરું છે અબ્ધિ-ગર્જન,
ઊછળી ઊછળી છોળો આવતી, પાયને અડી
ફીણનાં ફૂલનો દેતી સ્પર્શ, પાછી વળી જતી.
લ્હેરાતો વાયરો વેળુ પરે અંકાય, નેત્રમાં.
આવતું અણદીઠું તે આવે રંગીન ચિત્રમાં.
વ્યોમની ગરિમા પ્હેરી સોહે છે શુક્રતારક,
એમ એ સર્વમાં એણે લહી પોતાની વ્યાપક
સત્તા (આછાં ઢળ્યા નેણે ખેલતી’તી કૃતાર્થતા,
ધન્યતા.)...
દૂરથી ત્યાં આ કોના તે શબ્દ આવતા
ઘટાટોપ રચી,
રે શેં અંભોધિ ક્ષુબ્ધ?
ઊમટે
લોઢ તોતિંગ.
‘તું મારું અન્ન છો, તું હિ તું.’
રટે.
ધસંતા ગ્રસવા...
ત્યાં એ ઊઠી સત્વર ભેખડે
ચડે, પ્રલ્લે તણાં પાણી વેગની મસ્તીમાં વધે
અરે શક્તિ ખૂટે, આશા તૂટે, ના શમણું ક્યહીં,
મોતને ખાળવા લેશ છેલ્લો શ્વાસ લીધો ત્યહીં
એણે ભાર્ગવને જોયો,
તૂફાની સિંધુનાં જલે
માંડતો પગલી કેવી આસાનીથી અહો સરે
દૂર...
સાદ કર્યો એણે આર્તિથી શબ્દ હોઠપે
સ્ફુર્યા ના, કિંતુ નિદ્રાના ભંગથી સ્વપ્ન આ તૂટે.
જાગૃતિમાં જુએ
સાધુ તપ્ત આ રેતીને રણે
માંડતો અડવા એના પાય, શાંતિ થકી પળે.
‘ઊંહ...’
ઘેરાતી આંખોની દૃષ્ટિને પાછી વાળતાં,
ફેરવી પડખું, ઢાળી લીધી પાંપણ; આવતાં
અરે આ જવનિકાની પૂંઠે યે દૃશ્ય કેટલાં
આભમાં ભાનુએ બીજી રાશિમાં આદરી ગતિ,
પર્ણમાંથી ચળાઈને આવતું રશ્મિ તે અહીં
નિદ્રાળું લમણે જાણે પીછું કોઈ ગયું પડી.
ભાર એનો નહી, કિંતુ, સ્પર્શનું તો હશે ફલ.
કુંજ છે ગિરિનાં ઊંચાં વૃક્ષોની નીલ શીતલ,
પર્ણની મર્મરે વ્હેતું ગાન પંખીગણો તણું,
અહો સોલ્લાસ ખેલે છે હૈયું યે આર્દ્ર પ્હાણનું,
ચારે કોર મહા લીલા વિસ્તરી, કેન્દ્રમાં સ્થિત
પોતે અક્ષુણણ, નિર્ભ્રાંત માણે આનંદ સસ્મિત.
ત્યાં ઝંઝાનિલનો વાગે ઝપાટો, ધ્રૂજતું વન.
‘તું મારું અન્ન તું મારું...’
વદે છે કોણ ઉન્મન?
ઊર્ધ્વશીર્ષ ઢળે વૃક્ષો ભોંય, પીંખાય પંખીનાં
નીડ, ને પશુ જીવોનાં ગાત્ર ભીંસાય, કોઈ ના
રહે રે માર્ગ ડાળોની આંટીઘૂંટી થશે, અરે
આપત્તિ એવી આવે તે પહેલાં અન્ય કો સ્થળે
ઘટે જાવું, ફરી ઊભો થાય
ત્યાં શાલ્મલિ થકી
વહ્નિ શો પ્રગટે,
રુદ્ર છટાથી અહીંથી તહીં
ઠેકામાં આવરે સર્વ દિશા,
રે શી દશા?
ફણા
જોઈ વાસુકીની, જીહ્વા નરી લોલુપ કારમા
તિખારે, ઝેરના ઝાઝા ફુત્કારે, આવતી કને.
એ ય તે બોલતી,
‘મારું હવિ છો, અન્ન છો તમે.’
દાહનો સ્પર્શ લાગે ને ચિત્કારે પ્રાણ.
આગનો
ચાંપીને માર્ગ આને ત્યાં કોણ આ? પીત અંચળો ઓઢીને?
અમીનાં એનાં લોચને શાન્તિ વર્ષતો
ઓળખ્યો,
શઠનું હૈયું પ્રેમને પાશ કર્ષતો,
‘દૂર હો, દૂર હો!’ આડા હૈયા કેરો ‘હું’ ઉચ્ચરે.
ફેરવી મુખને લે છે અવજ્ઞાથી.
અસહ્ય રે
દાહ.
મોત ભણે, ‘અન્ન, તું અન્ન.’
ભીતિથી દૃગ
ખૂલે.
ત્યાં
સાધુને ન્યાળે જતો જ્યાં વેળુનો ઢગ.
વૃક્ષની છાંયમાં પોતે બળે ને રુદ્ર તાપમાં,
ધાન્ય ભુંજાય ત્યાં, પેલો અનુદ્વિગ્ન, અષાઢનાં
વર્ષણો ઝીલતો જાણે,
મારા આ દૈન્યનો મદ
કરું હું? જે ગણું ખાલી તેની શી શક્તિ સંપદ!’
ચિત્ત એના અનુરાગે પળ્યું,
‘સાધો! જરા ઊભા
રહો,
ઊભા રહો સાધો!’ વંદતાં દેહ સત્વર
જાય છે ધસતો, પૂંઠે મેલીને સર્વની સ્પૃહા.
ઉઘાડા પગને તપ્ત કણો ના કંજ કોમલ
સ્પર્શતાં, લૂ જયહીં ત્યાં તો રમે છે મલયાનિલ.
અહો આ અનુભૂતિ શી! શો આનંદ અકલ્પિત!
(સર્વને પામવા સર્વ છોડવું! અવળી રીત!)
આવતાં સાધુની પાસે, ભાવથી ‘બંધુ હે, ક્ષમો,
મારાં સૌ કિલ્મિષો આપ!’ નમી બોલે, ‘નમો નમો.’
પ્રેમથી બાંયને સાહી, વદે શાંતિથી ભાર્ગવ,
‘ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્
તેન ત્યકતેન ભુંજિથા...’
શૂન્ય અંતરમાં રવ
ઝિલાતો, વ્યાપતું એનું પ્રાણને છંદ ગુંજન.
પાન્થની ઝરતી વાણી.
‘પામ્યો હું ઉપવાસીનું અન્ન, સંતૃપ્ત જીવન.’
‘ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્તેન ત્યકતેન ભુંજિથા...’ : આ બ્રહ્માંડની ગતિવિધિમાં, આ દૃશ્યમાન, ગતિશીલ, વ્યક્તિગત વિશ્વમાં જે કંઈ છે - તે બધું ભગવાનના નિવાસ માટે છે. આ બધાનો ત્યાગ કરીને તમારે આનંદ કરવો જોઈએ; બીજાની સંપત્તિ પર લોભી નજર ન નાખવિ જોઈએ.
સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 123)
- સંપાદક : ચિનુ મોદી, સતીશ વ્યાસ
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1985