mahaprasthan - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મહાપ્રસ્થાન

mahaprasthan

મનસુખલાલ  ઝવેરી મનસુખલાલ ઝવેરી
મહાપ્રસ્થાન
મનસુખલાલ ઝવેરી

જંપ્યું છે શાન્તિની સ્હોડે જગ આજે સમસ્ત ત્યાં,

એકલા ધર્મરાજાને હૈયે મન્થન શાં વસ્યાં?

પ્રાસાદના પોપટ, સારિકા ને

કપોત, મેના, સહુ ગાઢ નિન્દમાં

ઢળી ગયાં; ઈન્દુ વાદળે વીંટ્યો,

ઊંઘે ઢળ્યો શો ઘડીક થંભ્યો.

આવતાં થંભતી, થંભી આવતી લ્હેર વાયુની;

હસ્તિનાપુરને હૈયે શાન્તિ કો ગાઢ વ્યાપતી.

વક્ષે ઢળી સાગરના વિશાળ,

ક્હેવા કૈં અન્તરની કથાને, ૧૦

અધીર સંતત પંથ કાપતી,

કાલિન્દી પણ આજે તો ઉંઘે થંભેલ ભાસતી.

વસુધા પર વૃક્ષોની ને વ્યોમે વાદળો તણી

ઘટા ઘેરી નિદ્રામાં ઢળીને આજ થંભતી.

થંભી છે વિશ્વની આમ ચેતના સર્વ આજ ત્યાં ૧પ

એકલા નૃપને હૈયે મન્થનો શાં ચાલતાં?

હશે વ્યથા શીય ઉરે ભરેલી,

શી યાતના અન્તરમાં મચેલી

કે લોચનો દાડમ ફૂલ જેવાં

એનાં, આછો અધૂરો સ્પરશ પણ નહીં નિન્દનો લેશ પામે? ર૦

વ્યગ્રતાથી ભમે રાજા, હૈયાંને નિજ ઠારવા,

ખંડમાંથી ઝરૂખે ને ઝરૂખામાં થી ખંડમાં.

પાસે સુતી પ્રિયતમા નિજ દ્રૌપદી આ,

વિશ્રબ્ધ અધઢળ્યાં નયનેથી જેનાં

જે એકદા અનલરેખ ઉઠી ભભૂકી, રપ

તેણે દહ્યું કુલ સમસ્ત કૌરવોનું.

નેહભર્યાં નેણે ભરીને વહ્યિઝાળને,

વીંધ્યો’તો ભીમને તેણે સભામાં કુરુવંશની.

દાસત્વથી દીન બનેલ કંઠે

ગાજી રહ્યા પુષ્કરમેઘ ત્યારે, ૩૦

અને સરી ભીષણ કો પ્રતિજ્ઞા,

ઝંઝામાં નીર કેરી શત શત વરસે રુદ્ર કો જેમ ધારા.

મત્ત કૌરવના ત્યારે નમેરા અટ્ટહાસમાં,

ડૂબી'તી ભીમની વીરવાણી ભીષણ ચે ઘડી.

અને રહ્યો ઘૂઘવી અબ્ધિ કાલનો, ૩પ

ઝીલી ઉરે તેજ દિનેશનાં,અને

છાયા તે રાત્રિતણી ઉરે ધરી

અનન્ત તે ઘૂઘવતો અનન્તમાં.

વલ્કલો અંગ ધારીને, વીરોએ વનવાસની

વાટ લીધી, ઝીલી છાયા કાળની કોઇ કારમી. ૪૦

ને કાળને અર્ણવ ધીર પ્રૌઢી,

મહેાર્મિઓ ઊછળતી અખંડ,

અને રહી લહારાઇ, તેમાં

સંવત્સરો ચૌદ થયાં વિલુપ્ત.

ભારેલો ભીમને હૈયે વૈરાગ્નિ તો ના શમ્યો, ૪પ

સંયમે અદકો ને જે અદકો વાધતો રહ્યો.

પ્રિયા તણાં નેણ થકી પ્રદીપ્ત

થયેલ જે અગ્નિ તે કદી શમ્યો,

નોધાર નેણો પ્રિયનાં નિહાળી,

દુઃખની ઝડીઓમાં યે સજીવન સદા રહ્યો. પ૦

દાસત્વને રોષ થકી સદૈવ

રુંધાઇ વૈરાગ્નિ રહેલ જે હતો,

એકદા નાચી સહસ્ત્રઝાળે,

વીંટી વળ્યો કૌરવકુંજને ત્યાં.

ને લીધાં ભરખી એણે શાખાને, પર્ણપુંજને, પપ

ને એણે પલમાં દીધી કરી વેરાન વાડીને.

અને પછી નેણ પ્રિયા તણાં લહી

કૃતાર્થ ભાવે સભરે ભર્યા ભર્યાં,

આશ્લેષથી મંગલ ધન્યતા ધરી,

શમી ગયો સ્વયમેવ વહ્યિ. ૬૦

વહ્યિને પ્રેરનારાં એ, પોષતાં ને શમાવતાં,

યાજ્ઞસેની તણાં નેણો ઢળ્યાં આજે અધૂકડાં,

વિશ્રબ્ધ નયનની મહીં સ્વપ્નકેરી

શી ચાલતી મધુરી રમણા હશે, કે

તેનો ઘડીક ફરકી અધરોષ્ઠ પૂરે ૬પ

વાર્ધક્યમાં મૃદુતા નવમુગ્ધતાની?

ધીમેથી વાયુની લ્હેરે ફરકે શ્વેત કેશ એ,

ધીમેથી ધર્મરાજા ત્યાં સમીપે એની સંચરે.

અને રહીને ક્ષણ એક ન્હ્યાળી

વિમુગ્ધ એનાં સ્મિતની પ્રભાને, ૭૦

ગભીર ચિન્તનમાંહી ડૂબે,

ને નેણ એને કંઈ ચિત્ર ઊગે.

ન્હ્યાળે, નવોઢા નવલાં સ્મિતે થકી

કુટીર કુન્તાતણું ઉજાળતી,

પાંચેય પાર્થોતણી પ્રેરણા સમી, ૭પ

પ્રસન્નતાની મૃદુ મૂર્તિ દ્રોપદી.

આજે વર્ષો પછી પાછી એની સ્મિતની પ્રભા

કૃષ્ણાના અધરે દેખી લસન્તી, નૃપ ચિન્તવેઃ

‘વહી ગયાં વર્ષ અનેક ત્યારથી,

શમી યુવાનાં શમણાં બધાં ગયાં. ૮૦

ઉલ્લાસ તેનો સહુ આથમ્યો છતાં,

શાને સ્ફુરે સ્મિતરેખ આજે?

નિદ્રાતણે શું કર માનવીની

સંજીવની દુર્લભ કો રહી, કે

સ્પર્શતાં અન્તરની વ્યથાઓ, ૮પ

વિષાદના ગાઢ થરો, નિરાશા

તણાં દળો: સૌ પલમાં શમી જતાં?

ને માનવીનાં સુખસોણલાં બધાં

સજીવ થૈ નેણ મહીં વિલાસતાં?

કે શું હશે આ? અબળાઉરે શું ૯૦

રુઝાવવાને વ્રણ સૌ નિસર્ગે

સ્મિતો નિરુદ્દેશ વસાવ્યાં?

હેમન્તને પાશ ફસેલ માધવી

સમી થઈ પલ્લવ પુષ્પ હીણી,

વિષાદની જીવન કાલિમામાં ૯પ

તો યે સ્મિતો શાં શુચિ પ્રભાભર્યાં?

ઉદ્રિક્ત ક્ષાત્રતણી પ્રભા હશે?

કૂડી હશે આતમવંચના વા?

દીઠી વા ભાવિ અગમ્યને તટે

મ્હારેલ એણે મનની મહેચ્છા? ૧૦૦

હશે શુ? સ્મિત કેમ ઉગે

વિષાદથી કેવળ વ્યાપ્ત જીવને?'

કૃષ્ણાની અંગવલ્લીએ ઉગેલા સ્મિતપુષ્પને

ન્હ્યાળતાં નૃપ ઊભે છે, મનમાં આમ ચિન્તવી.

નિદ્રા તણું અંજન આંખ આંજી, ૧૦પ

જપ્યું ઘડી ચેતન વિશ્વ કેરું,

ધીરે ધીરે લહરી પધારે

વાયુ તણી આળસ ડોલતી શી.

થંભે છે દીપની ઝીણી શિખાયે આજ ઘેનમાં,

થંભે છે જાગતા તો યે નૃપ ચિન્તનવ્હેણમાં, ૧૧૦

ત્યાં વાયુની લહરી ધીર પદે પધારી,

ને દીપની કનકરેખ જરી નચાવી

ચાલી ગઇ; ધવલ કો લટ ત્યાં કપોલે

કૃષ્ણા તણા ફરકીને ઘડી ગોઠવાયે.

આછેરા સ્મિતથી સ્હોતા આવરે અધરોષ્ઠને, ૧૧પ

નિહાળી લટ તે રાજા શૂન્યચિત્તે જરી રહે.

‘શેણે આજ મુજ અન્તર ભૂતકાળ

પાછો સજીવ થઈ વૃત્તિ બધી વલોવે?

કૃષ્ણા તણી અલકની લટ આવરે કાં

આજે પાછી રમણીય સ્મિતપ્રભાને? ૧ર૦

દેવી તણાં શોભન આથમ્યાં સ્મિતો,

પ્હેલાં કેશતણી લટોથી,

દુઃશાસને જે બળભેર મર્દી,

ભરી સભામાં કુરુવંશ કેરી.

ને આથમ્યાં, તે ફરી કદી ઉગ્યાં, ૧રપ

પ્રદીપ્ત વૈરાગ્નિ કદી ના શમ્યાઃ

ને કેશની લટ એકમાંથી

મંડાયું સંહારનું સત્ર ઘોર એ.

અને બજી વંશ તણા વિનાશની

ભેરી ભયે ભૈરવ તે દિ’ કારમી; ૧૩૦

અઢાર દી’ માનવ માનવી મટી,

ડૂબી ગયો પાશવભાવની મહીં;

મીંચી દઇ નેણ, દઈ ફગાવી

વાત્સલ્ય કે માર્દવ સ્નેહકેરા,

ઝીંકી રહી શસ્ત્રતણી ઝડીને, ૧૩પ

હણી રહ્યો માનવ માનવીને!’

ને તરે આંખમાં એની રમણા ઘોર કાલની,

જ્યારે માનવવંશોની બજી મરણખંજરી.

કાલને નેણ કદી ચઢેલો,

માનવીને શ્રવણે પડેલો, ૧૪૦

એવો મહા માનવમેધ પાછો,

સજીવ થાતો નૃપનેણ પાસે.

ઘેરા, ગાઢા રવેથી મનુજનિધિ અહીં ઊછળી ઊછળીને,

રેલી રેલી મથે શું ભુવન ત્રણ જળે આજ ઝંબોળવાને;

એના ઉત્પાતભારે કડડડ કરતી ક્રન્દતી શું ધરિત્રી? ૧૪પ

એની ભેંકાર ત્રાડે, ગઢ ગગનતણા જાય શું ગડૂડી?

સૂતેલા સર્વ જાગ્યા, ધરતીઉદરના ભીમ ભૂકમ્પ આજે,

ને વીંઝી વીંઝી કાળા પ્રલયવરસતા કોરડા કારમાને,

સાંધે સાંધા કરીને શિથિલ ધરતીના, મત્ત અટ્ટાટ્ટહાસે

નાચે શું તાંડવે આ, ડમકડમરુને તાલ રુદ્ર કેરા? ૧પ૦

કે જાતે રુદ્ર ઝંઝાનિલતુરગ પરે મેઘ બારે પલાણી,

દોડે ચોમેર જાણે ત્રિભુવનદળના ધ્વંસવિધ્વંસ કાજે,

ફંગોળી આભકેરા ગ્રહઉપગ્રહની ગેંદની ગેંદ ઘૂમે,

જયાં એની ગર્જનામાં ભુવનભુવનના ભાનુનાં તેજ ડૂલે.

કે ધારી મુણ્ડ કેરી ગભરુ શિશુતણા માળ કંકાળ કંઠે, ૧પપ

નેણે, વેણે બધે યે ગરલ વરસતી,વહ્નિઝાળે ઘડેલી,

લેાહી તાજે ગળન્તી, ખપર લઈ લઈ ઘૂમતી ને ભમન્તી,

ચંડી શું અટ્ટહાસે દિશદિશ ભરતી કૂદતી ઘેાર ત્રાડે!

કંપે છે. રાયની કાયા, નિહાળી ઘોર ચિત્રને

ને પદે મન્દ શય્યાની સમીપે નિજ જાય છે. ૧૬૦

બેસી તહીં નયનને કરથી દબાવી

રાજા મથે વિસરવા સહુ વ્યગ્રતાને;

ને ભૂતકાળમહીં લુપ્ત થયેલ કોઈ

શેાધી સુખસ્વપનને રટવા મથે છે.

જેમ જેમ મથે છે. વ્યગ્રતાને વિસારવા, ૧૬પ

તેમ તેમ વધે તો ઉરે અધિક રાયના.

ઘેાષ પ્રચંડ નભમંડળ વીંધનારા,

શંખધ્વનિ પ્રબળ, સિંહનિનાદઘેરા,

તીણી ચીસ ઉરમર્મ વિદારતી: સૌ

ભેદી યુધિષ્ઠર તણા શ્રવણો રહે છે. ૧૭૦

ને ન્ય્હાળતાં નયન શોણિતરેલ જેમાં

અંગાંગખંડ શતકોટિ તરી રહે છે;

ખંડો પરે હય અને ગજનાં શબોના

ઝીલે ચંડી નવશોણિતના ફુવારા.

ન્ય્હાળે ધડોધડ પડન્ત પહાડ જેવા ૧૭પ

વીરો પ્રચંડ પલમાં, અસિના પ્રઘાતે;

ને કૂંપળો સમ કિશોર જતા કપાઈ,

જેના મુખે મૃદુલતા હજીના વ્હીલાઇ.

ને વૃદ્ધ કંઠ થકી વીર નિનાદ રેલી,

ઘૂમી રહે ગિરિતણા હિમશૃંગ જેવા, ૧૮૦

વાર્ધકયમાં નવયૌવન દીપ્તિ વાળા

તે યે ઢળે ધરણીએ રણથંભ આજે.

ડોલે ધરા, ડગમગે ગિરિ, સાગરો યે

ઉન્મત્ત થૈ ઉલટતા નિજ લેાપી માઝા,

આકાશની અતલતા ઉથલી પડે છે, ૧૮પ

દે ચંડિકા રણતણી નિજ ત્રાડ જ્યારે.

ઉઠીને ડગલે ધીમે ફરે છે ખંડમાં નૃપ,

થંભે યાજ્ઞસેનીની શય્યાકેરી સમીપ એ.

શમી જતાં સ્મિતરેખ, એના

વ્યાપેલ ઘેરી વદને નિરાશા, ૧૯૦

ને મ્લાનતા ગાઢ વિષાદ કેરી

નિહાળતાં રાય સચિન્ત ઊભે:

“સ્વપ્નનાં સ્મિત યે ઝાઝું અધરે કાં ટકે નહિ?

દુર્ભાગીને નિરાશા શેં નિંદમાં તજે નહિ?

દુર્ભાગી કેમ? કલ્યાણી! તમે મૂર્તિ સુભાગ્યની; ૧૯પ

તમે તો રાંકને ગેહે લક્ષ્મી સમ પધારિયાં.

પરંતુ મન્દભાગી અમે ના મૂલ મૂલવ્યાં,

ને રજોટી તમારી સૌ આત્મની ઋદ્ધિ ધૂળમાં.

અને તમ ઢળી ગંગા પનોતી અમ સાગરે,

દઝાડયું હૈયું તેનુ યે અમારા વાડવાનલે. ર૦૦

તમારા ઉરની આશાનિરાશા, હર્ષશોકની

ભાવના જડ શા હૈયે અમારા કદિ ના વસી.

તમે યે ભોગવ્યાં આર્યે! દુષ્ફળો અમ દોષનાં,

બળે છે તેલની સાથે સાથે દીવેટ દીપની.

તમને, તમ હૈયાને, તમ માતૃત્વલ્હાણને ર૦પ

હોમી દીધાં અમે દેવી! અમ એક ધૂનમાં,

તે દિને ચીર ખેંચાતાં, અમે પથ્થરપૂતળાં

સમા બેઠા, છતાં આર્યે! અહો! તમ ઉદારતા!

તમે પુષ્પ તમારાંને અમ સંગે વળાવિયાં

યુદ્ધમાં -યુદ્ધ શાનું એ? ખેલ તે પ્રપંચના! ર૧૦

અને તરે નેણ સમીપ એની

ગાંગેયની ગૌરવગર્જનાઓ,

વ્હીલાઈ તેની મહીં દીપ્તિ જાતી

દેખાય છે. પાંડવસૈન્ય કેરી.

ન્હોય ભીષ્મ; તો છે સ્વયં દેવ કાળનો, ર૧પ

બ્રહ્માની સૃષ્ટિ આખીના સંહારાર્થે ભમી રહ્યો.

નિષ્પાંડવી ધરણીને કરવા પ્રતિજ્ઞા

એની સુણી, ભલભલાનિજ માન મૂકે;

ને સ્તબ્ધ નેણ જગનાં નિરખી રહે છે,

વૃદ્વવીરતણું વિક્રમ કાર્ય આજે. રર૦

ખસીને માર્ગથી એના આઘા અતિરથી પળે,

ભવ્ય ભાસ્કરની પાસે તારલા શેં ટકી શકે?

ઉત્સાહ અંગ ભરયૌવનનો ભરીને,

વર્ષી રહે શરતણી વસમી ઝડી એ,

જેનાં શરે અરિશિરો શતધા પડે છે,

જેની ઝડી ભુવનને ભરખી રહે છે. રરપ

ત્રાહિ, ત્રાહિ પુકારે છે ત્રસ્ત સૈન્ય પાર્થનું,

જેનાં ગાત્ર ગળી ચાલ્યાં સિંહનાદો સુણી સુણી.

ત્યાં સામટી શરઝડી વરસી રહે છે,

વીરના રથપરે કયહીંથી અચિન્તી, ર૩૦

કાલાગ્નિને વરસતાં નયને નિહાળે

ગાંગેયએ; પણ તહીં નિરખે શિખંડી.

સંકોરી શસ્ત્રની લીલા બેસે છે ભીષ્મ નિષ્ક્રિય;

શિખંડી પર શશ્ત્રો શેં ઊપાડે નરપુંગવ?

શિખડીની રહી ઓથે સવ્યસાચી શરો તણી ર૩પ

રહે છે. વરસી ધારા,મહાઉત્પાત મેઘ શી.

અને ‘ભીષ્મ પડ્યા!’ ‘ભીષ્મ પડ્યા’ હર્ષનાદથી

ગાજે પાર્થની સેના, પુનર્જીવન પામતી.

‘લ્યો,આ ભીષ્મ પડ્યા!’ બોલે મનમાં મહીપતિ;

ભાસે છે વદને રેખા સ્પષ્ટ ત્યાં ઉપહાસની. ર૪૦

છાયા હજી નૃપતણાં નયને રમે છે

ચિત્રની; તહીં વળી શ્રવણે પડે છે

એને ચમૂ નિજ તણો કકળાટ કાળો,

ને હર્ષનાદ કુરુ સૈન્ય તણો ગભીરો.

રહેંસે છે ફૂલડાં જેવા એકલા અભિમન્યુને ર૪પ

એક સાથે મથી મેાટા કુરુમહારથી,

કંપારી ખાઇને રાજા મીંચે છે નિજ નેણને;

તેા ત્યાં તરતી છિન્ન એની અંગાંગપાંખડી.

ફરીથી નિજ શય્યાની સમીપે નૃપ જાય છે,

ને ઢળી તહીં દશ્યો બધાં વીસરવા મથે. રપ૦

પરંતુ આજે સ્મરણો બધાં યે,

દાખેલ તે ઊછળી ઊછળીને,

સજીવ થૈને શતકોટિ રુપે.

નરેન્દ્રનાં નેણ સમીપ નાચે.

કમ્પે છે વાયુની લ્હેરે ખંડના દીપની શિખા, રપપ

કમ્પે છે ધર્મની એમ હૈયાની ધૈર્યભાવના.

ને દ્રોણની ડણક દર્પભરેલ કેરા

ધીંગા પ્રતિધ્વનિ નૃપાલ સુણી રહે છે,

ને તીરની સતત સૂસવતી ઝડીમાં,

ડૂબી જતું સકલ પાર્થનું શૌર્ય દેખે. ર૬૦

દ્રોણનાં અંગમાં, રોમે રોમ કાલાગ્નિની પ્રભા

નિર્ઝરે, દહવા જાણે સામટાં ત્રિલોકને.

હુંકારોથી આભના ગાભ ભેદી,

સબળ શરઝડીથી શત્રુનાં શીર્ષ છેદી,

ઘૂમે જાણે જગ ભરખવા બ્રહ્મની ઉગ્રતા એ, ર૬પ

એવા આચાર્ય આજે ચપળ નિજ કરે, કેર કાળો મચાવે.

શૂર પાંડવસેનાનાં શસ્ત્રો આજે સરી જતાં,

સિંહનાદો સુણીને મૂર્ત પ્રાલેય શક્તિના.

અને હયગજો કેરા શબોના ઢગલા તળે,

લપાયે સૈનિકો એની બચવા રુદ્ર આંખથી. ર૭૦

ધનુર્ધરોના ગુરુ આદ્ય આજે

બતાવતા આતમની કલાને;

ઘડીકમાં પાંડવસૈન્ય વીંટે

ઝંઝાનિલોનાં દળ ઊમટીને.

ઘડીમાં મેઘ બારેની ઝીંકાયે ઝાપટે ઝડી, ર૭પ

તો વળી જ્વાળ દુર્ધુર્ષ ભભૂકે વહ્યિની ઘડી.

ઘડી વળી ચેતન સૈનિકોનું

હરાઈ જાતાં પલમાં અચિન્ત્યું

થંભી જતાં સૌ જડ પૂતળાં શાં;

નિશ્ચેષ્ટ શી વ્યાપતી સ્તબ્ધતા આ! ર૮૦

ઘડીમાં જાય શોષાઈ હવાદળ સમસ્ત, ને

રુંધાતાં શ્વાસ, જીવો સૌ વલખે અકળાઇને,

દ્રોણની શસ્ત્રલીલાના ચમત્કારોથી ત્રાસતી

સેનાને નિરખી પાર્થો વ્યગ્ર ચિત્તે વિમાસતા.

‘સંહાર ઘોર શમે શી વિધે? ર૮પ

દેહના દુર્ગ ઢળી પડે ક્યમે?

સરી પડે શી વિધ શસ્ત્ર હાથથી

આચાર્યના? શી બચવાતણી ગતિ?’

ઢાળીને ધરણી માથે ગદાઘાતે ગજેંદ્રને,

ગાજી ભીમ રહે છે ત્યાં ‘અશ્વત્થામા પડ્યો રણે!' ર૯૦

-હાલે છે મર્મ હૈયાના યુધિષ્ઠિર તણા છતાં

બ્હાવરાં નેણ એનાં ચિત્રમાળા વિલેાકતાં-

‘પડ્યો અશ્ર્વત્થામા'-વચન શ્રવણે ના પડયું, પડયું,

પિતાનું હૈયું ત્યાં, મૃદુલ ફૂલ જેવું બની ગયુ;

વિશાળાં વાત્સલ્યે, સકળ નિજ ઉદ્રેક દ્રવિયો, ર૯પ

અને શીધ્રે તે નયનજળ રૂપે સરી પડ્યો.

તૂટી જતાં જીવનતાંતણો

બની ગયા દેહ માત્ર દ્રોણ:

સરી પડયાં આયુધ હાથમાંથી,

પૂરું થયું જીવનનું પ્રયોજન, ૩૦૦

ધૃષ્ટતાથી ધસીને ત્યાં ધૃષ્ટદ્યુમ્ન રથે ચડે,

ને ખેંચી કેશ, રહેંસે છે વૃદ્ધ બ્રહ્મર્ષિશીર્ષને.

ફરીથી હર્ષની હેલી પાર્થસેનામહીં ચઢે,

ન્હ્યાળી આજ રાજાનાં ભીંજવે સ્વેદ અંગને.

કમ્પે છે કાળજું એનું વાયરે વનફૂલ શું, ૩૦પ

સીઝે છે ગાત્ર એનાં ને અમી શોષાય કંઠનું,

અંધારાં આવતાં આંખે, જીવ ઊંડો જાય છે,

નાડીમાં લોહી વેગેથી અદમ્ય ધમકી રહે.

ને ચિન્તવેઃ ‘શી દુરાશ ત્યારે

અંગાંગ વ્યાપી ગઈ માહરે, કે ૩૧૦

અધર્મના યુદ્ધ છળે ભરેલાં

મેં ધર્મના ક્ષેત્રમહીં મચાવ્યાં?

શાને રે છેહ દીધો મે નઠોરે પૂજ્યપાદને?

શાને વિશ્વાસને લેપ્યો ઘોર મેં છળમાં અરે?’

શમાવવા વ્યાકુલતા ફરે છે ૩૧પ

ધીમે પદે તહીં ખંડ માંહે;

પરંતુ તેને નયને તરે છે

પ્રપંચની ઘોર પરંપરાઓ.

ગળે છે રથનુ ચક્ર પૃથ્વીની દાઢ કારમી,

તે સામે વ્યગ્રતાથી અંગરાજ રહે મથી. ૩ર૦

મર્યાદ ત્યારે રણની વિલોપી,

ને વીસરી ક્ષત્રિયધર્મ કેરી

વિશુદ્ધિને, ત્યાં શર સવ્યસાચી

છેાડી રહે અદ્ભુત શી કલાથી!

અંગરાજતણાં અંગો શરોથી છિન્ન થાય છે; ૩રપ

ત્યાં ચિત્ર તરી રહે છે બીજું કો નેણ રાયને

નિશીથની નીરવ સ્તબ્ધતામાં,

જંપેલ પાંચાલ તણો કુમાર;

લપાઇ એના શિબિરે પ્રવેશી,

રહેંસે છે દ્રૌણિ એને, જનકવધતણા વૈરને વાળવાને ૩૩૦

છૂંદીને કૂંપળેા જેવી યાજ્ઞસેનીની સંતતિ,

ન્હાસતા દ્રૌણિને આજે ન્હ્યાળે છે રાય રોષથી.

અને ત્યાં વીરહાકોથી કૂદતા તે ઝઝૂમતા,

તરે છે નેણની પાસે દુર્યોધન, વૃકોદર.

તોતિંગ બે નિજ વજ્રગદા ઘુમાવી, ૩૩પ

ઝીંકી પરસ્પર રહે ઘનગર્જનાથી,

બન્ને પડે, લડથડે, પણ મીટમાં તો

ઉદ્યુકત થૈ અવનવા નિજ દાવ સાધે.

પ્રહારો ઝીલતા, ઝીલી ગાજતા, ગાજી ઝીંકતા

પ્રહારો સામસામા મહામલ્લો રમી રહ્યા. ૩૪૦

ત્યાં ભીમને નયન વીજળીતેજ જેવું

ઊગી કંઇક, પલમાં જતું આથમી, ને

એક પ્રહાર પડછંદ ગદાતણો, ને

ભોંયપે તરફડે નૃપ કૌરવોનો.

છળે છુંદાયલી જંઘા દુર્યોધન તણી તહીં. ૩૪પ

તરતાં નૃપનાં નેત્રે, રોમાવલિ ખડી થતી.

“આ યુદ્ધ! વિજય!” અસ્કુટ એમ બોલી,

ઊઠ્ઠી નરેન્દ્ર નિજ ખંડમહીં ફરે છે;

ન્હ્યાળે નમેલ નયનો ઘડી દ્રૌપદીનાં,

ન્હ્યાળે ઘડીક ધવલા વળી કેશ એના. ૩પ૦

“છળે મથ્યા સંહારવા છળોને,

છતાં મર્યું ના છળ આખરે યે!”

એવું વદીને નિજ સેજ માથે

અર્ધુ ઢળી રાય સચિન્ત બેસે.

“યશ મળ્યો, હયમેધ થકી થઈ ૩પપ

સફળ અંતરની વિજિગીષણા,

પદ ઢળી વર વૈભવથી ભરી

વસુમતી; પણ દાહ શમ્યા નહિ!”

ધીમે ધીમે, પદ લથડતે, રાય ખંડે ફરે છે,

ને ઓચિંતા પલમહીં વળી શૂન્યતામાં સરે છે, ૩૬૦

થંભી જાયે ઘડીક, પલમાં કમ્પતી કાય એની,

ધીમે ધીમે ડગ ભરી, ઘડી ગોખનીમાંહિ ઊભે.

ને તહીં મીટ માંડીને યુધિષ્ઠિર વિલોકતા,

ગોરંભેલી ઘટા ઘેરી ઘનની નભ શૂન્યમાં.

નિશીથમાં મેળવીને નિરાશા, ૩૬પ

દીધું રસી હોય સમસ્ત વ્યોમને,

એવી ધરી કારમી કાલિમા

ઝઝૂમતી શી ઘન ઘોરની ઘટા!

આજે ના ચડતી નેણે આછી રેખા ચન્દ્રની,

દેખાયે નહિ ઝીણી શી પ્રભા તારા એકની. ૩૭૦

થંભેલ છે શ્વાસ સૃષ્ટિ કેરો,

નિસર્ગનુ ચિંતન આજ થંભ્યું,

ને ગાન યે પલ્લવખંજરીનું

થંભી ગયું. આજ સમસ્ત દીસે.

જામેલી મેઘમાલાને વૃદ્ધનેણે વિલેાકતા, ૩૭પ

ઊભે છે રાય હૈયામાં વ્યથા કો તીવ્ર ધારતા.

ગોખે ઝૂકી મન્થનમગ્ન ઊભા

નૃપાલના દેહ જરી હાલે;

આકાશના મેઘતણી ગંભીરતા,

નરેન્દ્રનાં નેણ વિશે સમાયે. ૩૮૦

ચીતર્યા ચિત્ર કો જેવી સૃષ્ટિ આખી ભાસતી,

આકૃતિ નૃપની તેમાં દેખાતી ચિત્રના સમી.

ધીમે રહી તે હલતી દીસે છે,

શુ ચિન્તને કૂંપળ કોઈ ફૂટે!

નૃપાલના હોઠ જરીક હાલે, ૩૮પ

ને “કાલ શો!” બોલી ફરી બીડાયે.

ધીમેથી વાયુની આવી, ફરકી લ્હેર એક ત્યાં,

હલાવી વૃક્ષનાં પર્ણો થંભી પલમાં જતી,

થંભી જતું આાભ અગાધ, થંભી

જતી વળી મેઘતણી ઘટાઓ; ૩૯૦

થંભી જતા વાયુ આજ તો ઘડી

નરેશની થંભતી વૃદ્ધ આકૃતિ.

થંભેલા વિશ્વમાં, એક થંભ્યાં ના વ્હેણ કાલનાં;

વ્યોમે પ્રત્યૂષનાં ધીમાં સુણાઇ પગલાં રહ્યાં.

મેઘનુ ધીર હૈયું યે ધીમેથી ધમકી રહ્યું, ૩૯પ

ને તેમાંથી સરી ધીમી મન્દ્ર એકાદ ગર્જના.

અને ત્યાં સળકી તીખાં તેજેથી ભરી વિજળી

મેઘની કાલીમાને યે તેજથી રસતી ગઈ.

મેઘનાં નેણથી ધારા ધીરી ધીરી ઢળી રહી,

વાયુની લ્હેર ધીમેથી નાચતી નાચતી વહી. ૪૦૦

ને રાયકેરા ઉરના વિષાદમાં

અચિન્તવી કો સ્મિતવીજળીની

રેખા સ્ફુરે; વ્યોમવિહારિણીની

લસત્પ્રભામાં ચમકી રહે.

પ્રૌઢ, ધીર પદે રાજા ખંડમાં નિજ જાય છે, ૪૦પ

અને કૃષ્ણા તણી શય્યા સમીપે ઘડી ઊભે.

પ્રદીપની ત્યાં વિમળી પ્રભામાં,

કૃષ્ણા તણા ઓષ્ઠ પરે લસન્તી

વિમુગ્ધ આછી સ્મિતની પ્રભાને

નરેન્દ્ર ન્હ્યાળે કઇ ભાવભેર. ૪૧૦

સ્વસ્થ સૂતેલ કૃષ્ણાના અધરે સ્મિતરેખના

દર્શને લીન થાયે છે હવાં નેણેા નૃપાલનાં.

બ્હાર મેઘતણું હૈયુ અવિશ્રાન્ત દ્રવી રહ્યું;

દ્રવી સાવ જતાં, અને મૃદુ મન્દાર શું થયું.

મુકિત પામેલ ઈન્દુનાં કિરણોને ઉરે ધરી ૪૧પ

ફૂલશી મેઘમાળા ત્યાં વ્યોમકણ્ઠે વિરાજતી.

ધીમે પ્રત્યૂષની ઝીણી ઝાંઝરી ઝણકી રહે,

ધીમેથી વિશ્વને કંઠે ગાનની ગંગ નિર્ઝરે

ત્યાં મેઘનુ ગર્જન મન્દ્ર થાતાં

નિહાળતા બ્હાર નૃપાલ, તો ત્યાં ૪ર૦

શશીયરે શ્વેત બનેલ મેઘમાં

એનાં નિહાળે નયનો હિમાદ્રિ

* * *

ઈન્દ્રપ્રસ્થ તણા આજે આબાલવૃદ્ધ પૌરનાં

વદન લઈને રમી રેષા શાને ગૂઢ શોકની?

વિશાળ વ્યોમતણા વિતાને, ૪રપ

શાને ઝળૂંબે ઘનની ઘટાઓ?

ને ભર્ગ ભાસ્કરના નિરાશા

નિસ્તેજ આજે વરસી રહે કાં?

ને ઉદ્યાને નવ કિસલયે લ્હેરતો આમ્ર પેલો

ના કાં આજે અનુનય શતે મલ્લિકાને રિઝાવે? ૪૩૦

મન્દારો સજળ નયને કેમ નીચું નિહાળે?

સૂકયે આજે સ્મિત પરણમાં માલતી કાં લપાયે?

પ્રાશી પ્રાશી રજ કમળની સ્વાદુ, પ્રત્યંગ ડોલી

ડોલી આજે અલિગણ કાં રમ્ય વીણા બજાવે?

કે ગહેકે ના મદભર શિખી કેમ આજે ત્રિભંગે? ૪૩પ

ને સારે કાં નયનજળ શાં પર્ણ પેલાં પલાશો?

પારેવાંના, શુકગણતણા, કોકિલોના, કપોતો

કેરા કણ્ઠે ક્યમ ખળકતું ગીત ડૂમાં ભરાતાં?

કે આજે કાં કુસુમરસથી મત્ત માતરિશ્ર્વા

ધીરે ધીરે ઉપવન વિષે વેણ ના વાય એની? ૪૪૦

વનશ્રી નિજ વીણાને આજે શાને વિછોડતી?

કાલિન્દી શોકની ઘેરી કાલિમા કેમ ધારતી?

ને રાજપથે પ્રોઢી વેરાઈ પાદપંકિતઓ,

કોની પુરજનો આજે ભરી આંખે વિલેાકતા?

કોની પનોતી પદપંકિતઓની ૪૪પ

સોહાગરેણુ પુરલોક આજે,

નેત્ર, શિરે ને હૃદયે ધરીને

શેકાર્દ્ર ને શરણહીન સમાન ભાસે?

રહો,પુરજનો! રખે પુનિત પંકિતએ લોપતા!

નથી ચરણપંક્તિ એ; અમર રેખ આર્યંના ૪પ૦

સુભવ્ય ઇતિહાસની, તપતણાં અને પુણ્યનાં

પ્રતીકસમ ભદ્ર એ, વિજય શુદ્ધ કેરી કથા!

સાદી નથી ચરણની જડ પંક્તિઓ એ,

આર્યની અમર આત્મકલા અનોખી;

છે વિશુદ્ધ ઉરની કવિતા ઉદાત્ત, ૪પપ

એમાં લખી પરમ ત્યાગની પુણ્યગાથા.

વિષમાં વિષયો કેરા વ્હીલાતા માનવી તણા

પાદની પક્તિમાં આવી દૃઢતા કેમ સભવે?

ક્યાં કમ્પતી કરુણ માનવપંક્તિઓ? ને

ક્યાં ભવ્ય ને અભય દૃઢબન્ધ આનો? ૪૬૦

વૈકલવ્ય ને શિથિલતા મનુપાદની ક્યાં?

ક્યાં ધીર, પ્રૌઢ પદની રમણીયતા આ?

મૃત્યુના ભયથી વ્હીલાં, ગળતાં મનુગાત્ર કયાં?

અને કયાં પદ ભવ્ય, મૃત્યુનાં ગાત્ર ગાળતાં?

હિમાદ્રિપથ પળે, પરમ તત્ત્વ કો પામવા ૪૬પ

સનાતન, જે મળ્યું જયમહીં અને જીવને;

વિશાળ વસુધાતણા સભર એક સામ્રાજ્યના

સમૃદ્ધ મુખભોગ કે વિભવના સમુલ્લાસમાં.

અહોરાત્ર રહે ઝરી માનવી જેહ પામવા,

તે બધાંને પરિત્યાગી ઉત્તરે પદ પળે. ૪૭૦

જ્યાં મ્હોરતી માનવની મુમૂર્ષા,

સંતાપ બાહ્યાન્તર જ્યાં શમી જતા,

થસે સદા જ્યાં શિવશકિત, એવા

કલ્યાણને પન્થ પળે પદો આ.

પુરમાં પુણ્યનાં પુષ્પો વાવતી, પમરાવતી, ૪૭પ

દૂરે, દૂરે, સુદૂરે પંક્તિ આનન્ત્યમાં જતી.

ઓગસ્ટ, ૧૯૩પ

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સર્જક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939