jamdagni ane renuka - Khandkavya | RekhtaGujarati

જમદગ્નિ અને રેણુકા

jamdagni ane renuka

કાશ્મલન કાશ્મલન
જમદગ્નિ અને રેણુકા
કાશ્મલન

મદકલ કલે બેઠી આમ્રે મનોરમ કોકિલા,

વન ઉપવને ઉદ્બોધતી વસંત તણી ગીતા;

પ્રતિફલિત ધારા વ્હેતી દિગંત દિગંતથી,

સુરવતરતણાં મીઠાં જાણે સ્ત્રવે સુર-દુંદુભી.

કુસુમ કુસુમૈ પત્રે પત્રે પડ્યો પડઘો મૃદુ,

હૃદય ઉછળે ઉંચે ઉંચે શ્રુણંત “ટુહૂ ટુહૂ”:

-ક્ષણ સૂર શમ્યો! સૂતું સર્વે અચેતન નિંદમાં!

-ક્ષણુ જગત સૌ ડુબ્યું જાણે સનાતન શાંતિમાં!

ઉંડુ મૌન થયું, વાયુ વેણુ ભૂલ્યોય વાજવી;

યુગો યુગ તણી ભ્રાંતિ ક્ષણ શાંતિ વિષે થઈ!

-મીઠો ત્યાંતો ટહૂરવ થયો કયાંક ગંભીરતામાં!

—જાગી ઉઠયું જગત સઘળું! ચેતના શૂન્યતામાં!

ઝીલી લીધો મદભર ધ્વનિમંજરી મેખલાએ!

ત્યાંથી ઉડ્યો સુરસદનમાં વ્યોમ પાતાલમાંએ!

કમલ દલ સુગર્ભ મધ્ય સુતો,

મદ મદિરા મધુમત્ત ભૃંગ ડોલ્યો!

સજલ દૃગ ડુબેલ સ્નેહ સારે,

મયૂરી મયૂર રસાર્દ્ર નૃત્ય નાચે!

ડોલીયાં સરનાં નીર! દિશાઓ ધ્વનિએ નમી!

ધ્યાનમાં લીન મુગ્ધા ત્યાં, સફાળી ધ્યાનથી ઉઠી!

મંદાકિની જલતરંગ સુહે સુહાગી,

તેમાં વિલાસ કરતાં કઈં હંસહંસી;

ઉડી રહ્યા શિશિર સીકર પક્ષક્ષિપ્ત,

ખેલે મહીં લલિત ઇન્દ્ર ધનુ અનિત્ય!

જળક્રીડા કરે માંહ્ય ગન્ધવ કો પ્રિયા સહે,

વ્યોમ અંભોનિધિ જેમ ચન્દ્ર ને ચન્દ્રિકા રમે.

ભેટ ઉરે લટકતી જ્યમ પુષ્પમાલ

તન્વંગિની, પ્રણયિની, પ્રમદા રસાળ;

ઉડી રહ્યું ધવલઅંસથી ઉત્તરીય,

હિમાદ્રિ શૃંગ જ્યમ કૌમુદિ અપ્રમેય!

વિકલ દૃગ મીંચે ઉઘાડી મુગ્ધા!

યુગલ ખસે પણ દૃષ્ટિપંથથી ના!

અવિરત ઝરતી પીયૂષ સાર

મૃદુલ સુઅંગથી સ્વેદ-સ્વેદ ધાર!

ઉંડો ઉંડો ભ્રમિતવદના, દીર્ઘ નિઃશ્વાસ મુંકે!

આંતરવ્રીડા તુમુલ હૃદયે ચંડ તેને શમાવે!

ધીમે ધીમે ક્રમણ કરતી માલતી મંડપેથી,

વ્યોમે જાણે નિશ વિરહિતા ચન્દ્રલેખા સુહાગી!

આવી હતી નીર ભરી જવા અહો!

તહીં થયું શું વિપરીત પ્રભો!

પદ્મે ગઈ ચંપક કાં અલિ ત્યજી?

સુધા ત્યજીને વિષધાર ક્યાં સજી?

વિરાગી, નિયતાત્મામાં જાગે કો મંત્ર ઘોષણા,

અગમ્ય પ્રેરણા થાય પગલાં કુસુમાસ્ત્રનાં!

સામે ઉભો સ્મિત ધરી નયનાભિરામ

સાનન્દ કાંતિમત ચાપ ધરી યુવાન!

નાચી રહ્યાં નયન નેહ રસે રસેલાં!

જાણે કઈં કુસુમ પંચ રજે ભરેલાં!

પ્રવાત ઉડ્યા પ્રતિકૂલ અંતરે!

પ્રચંડ આવર્ત ઘુમી રહ્યા ઉરે!

નમી પડયું ચિત્ત ચકોર ભારથી!

ત્રુટી પડયાં સુવ્રત પ્રહારથી!

આર્ત દૃષ્ટિ ગઇ ઉંચે! ગાત્ર શિથિલ સો થયાં!

નિહાળે આસપાસે તે, જન લુપ્ત થઈ ગયાં!

મૃદુ મૃદુ કલતો મયૂર પેલો,

મધુર લવે તહીં ભૃંગ પ્રેમ ઘેલો!

રમતી તહીં કુરંગ દ્વંદ્વ કેરી

ઉડ્ડગણ વ્યોમશી, મેખલા અનેરી!

ત્યાં પ્રિયા સહુ ઘટા ઘન મધ્ય શાંત,

ક્રીડંત કુંજ વિરમે કલહંસ કલાન્ત!

પ્રેમી પ્રિયા સહ તહીં ગજરાજ રાચે.

ખેલંત સ્નિગ્ધ દયિતા સહ વારિ ધારે!

જોડાયાં યુગ્મ સૌ છૂટાં!—સહાય વિરહ વ્યથા?

જ્વાલા છે ચિત્તમાં લાગી! ધારવી કાં વિડંબના?

મંદ મંદ પગલે ધપે નૃપ-

સ્ખલિત થશે બહુ કાળનાં તપ?

પુષ્પ ગ્રન્થી શી ઢળી પડી નીચે!

અશ્મપાત સહી લતા શકે!

-સુષુપ્ત ત્યાં આત્મ પ્રકાશ જાગીયા!

–અંધાર ઘેરા ઘનના ટુટી પડ્યા!

-કરાલ જાગ્યું કંઈ યુદ્ધ અંતરે!

-વિરાવ ઉંડી પ્રતિ સૈન્યની સ્પુરે!

જીતે!–હારે!–અને જીતે!!–નીચે ઉંચે ઝુકે લતા!!

હારશે?!–જીતશે?!–રે!-રે!-જીતી-જીતીજ–રેણુકા!!:

ભારે થયું સ્ખલન દિવ્ય તપ પ્રભાવે!

ડૂબ્યા પ્રકાશ પ્રભુના પણ અંધકારે!

નાચી રહ્યાં વિકલ નેત્ર સમીપ ચિત્ર!

ભાવો અગમ્ય ઉઠતા હૃદયે વિચિત્ર!

સાશંક ડૂલ્યું જમદગ્નિ અંતર!

વિડંબ શો આ! કહીં આજ વિપ્લવ?!

આત્મા ઉડ્યો મીંચી સુનેત્ર-અંજલી,

જહીં રમે ગંગ-તરંગ-આવલી!

જોયું-જોયું-નહીં જોયું!! જોયું તે જાય ક્યાં સહ્યું!!

કુદૃષ્ટિ દુષ્ટ વામાની!! ચિત્ત આજ જ્વલી ઉઠયું!!

ભડ ભડ ભડકે અમર્ષ જ્વાલ!

અવિરત ઘોષ ઉઠે હૃદે કરાલ!

અમિમય શશિ ઉર દોષ-અંક?!

સહન કરે નવ હેમ તો કલંક!

ઉડી ઉડી પ્રલય પવને સ્ફાલિતા મેઘમાલ

વિદ્યુલ્લેખા તહીં દ્યુતિભરી જેમ નાચે પિશંગ—

તેવાં ખોલી નયન પટ એ, ચંડ, સામર્ષ, રક્ત—

જાગ્યો! જાગ્યો! નિજ દુઃખ થકી રાગી આજે વિરક્ત!!

દેખી તહીં સ્મિત ધરી વળતી પ્રિયાને—

–શોભાવતો શશિ કલંકિત શું દિશાને?!~

-ઘૂમી ઉઠયો ક્ષુભિત ચિત્તથી ક્રોધ વન્હિ!

(તેના પ્રયોગ સહશે ક્યમ ઘોર તન્વી?!)

ચોંકી ઉઠી! ગાત્ર ઠરી ગયાં સઉ!

જ્વાલા વમે મૃદુ નેત્ર શી વિભુ?!

દેખંત જ્યાં પ્રેમ સદૈવ રેણુકા-

ક્યાં તે થઈ ક્રોધ પ્રચંડભૂમિકા?!

“નાથ!” “નાથ!” કરી નીચે કોમલાંગિ પડી ઢળી!

શ્લથ વાયુ થકી જેવી મુગ્ધ કે બકુલાવલિ!

ને તીવ્ર ત્યાં શર તપોધન તપ્ત કેરાં

વ્હેતાં કઈં અતિ કઠોર રસે રસેલાં!

આંજ્યાં હતાં પ્રણયનાં મૃદુ અંજનો જ્યાં-

વર્ષે નિદાઘ રવિનાં ઘન સાયકો ત્યાં!

“ભૂલીરે નાથ! હા ભૂલી!” ક્ષમા યાચે તપસ્વિની!

અધોમુખી રહી એમ જોતી રોતી નતાંગિની!

રાડ પાડી કંઈ ઉંડી બોલાવ્યા પુત્ર પંચને

“શીર્ષ પાષિણી કેરૂં છેદો જાણી પિતા મને!!”

નતમુખે રડતી તહીં સુન્દરી!

પ્રખર ગ્રીષ્મ તણી જ્યમ મંજરી!

નયન જ્વાલ ઝરે જમદગ્નિનું!

ભ્રમિત ત્યાં ગણ પંચ સુપુત્રનું!

ડોલ્યાં આત્મા તણાં નીર પ્રચંડાદેશ થકી!!

કરાય કર્મ કાળુ પુત્ર પ્રેમાળથી કદી?!

જોઈ રહ્યા સ્તિમિત દૃષ્ટ કૃપાણ પાણી

સ્નેહાર્દ્ર માત પર દુઃખ સઉ પ્રમાણી!

અર્થ અશ્મ હૃદયી ક્યમ, કોણ, થાશે?

આજ્ઞા તથાપિ કયમ ભગ્ન વિભો! કરાશે!

ગર્જતો ઘોષ ઉંડો પિતાનો કર્ણમાં પડયો!

“અવજ્ઞા મમ આજ્ઞાની?! સાથે સ્વર્ગ સઉ ચઢે!!”

ક્ષુધાત ગાજે વનમધ્ય કેસરી

પ્રચંડ વા કશ્મલ વારિદાવલિ

ઉડ્યો તપસ્વી ધુંધવાઇ તેમ એ,

-પયોદથી મારિચ વ્યોમ મંડળે!

ઝીલી ઉન્નત હસ્ત, સહસા પડતાં કંઈ,

તાણતો પરશુ આવ્યો પુત્ર નાનો સઉ થકી!

નમિત વદના ઉભી શાંતા, બીડી કરપલ્લવ!

અધર ફરકે, હાલે હૈયું વિશાળ, નહીં લવ!

મુખ ધવલ ધારે કાંતિ પ્રભાત શશાંકની!

પ્રણયિની અહો! મૂર્તિ સાક્ષાત્, અલૌકિક દૈન્યની!

સામે ઉભો પરશુ ઉગ્ર ધરી પ્રશાંત,

માતંગ શો પરશુરામ પ્રબાલ-કાંત!

પ્રસ્વેદ ચર્ચિત પ્રકંપિત ગાત્ર દીર્ઘ!

તો યે દ્યુતિ વિરલ નેત્ર ઝરંત શિઘ્ર!

નમ્યું-નમ્યું-શીર્ષ, લચી પડયું કંઈ!

ઉચ્ચે પ્રભા પરશુ તણી ચઢી!!

-હા! હા!! ઉડી વિદ્યુત મેઘ માલમાં!!

−ત્રુટી પડી બાલલતા નિમેષમાં!!

હાહાકાર થયો ઘોર ! રેણુકા કર્દમે ઢળી!!

મૂર્છા ખાઈ પડયો સાથે જામદજ્ઞ મહાવ્રતી!!

“ધન્ય!” “ધન્ય!” કહીને ઉઠાડતો,

પુત્ર એક નિજ ઉર ડાબતો!

“માગ, માગ, વર એક તો પ્રિય!”

“ધન્ય આજ પળ! નષ્ટ વિપ્રિય!”

શશિ મયૂખ સુધામય અભ્રથી,

ત્યમ ઉઠે મુખધૂસર નિદ્રથી!

પ્રણય આર્દ્ર ધરી જનની કર,

સ્ખલિત કંઠ વદે સુત વિહ્વલઃ

“આપો જો આપતા હો તો, માત ને ભ્રાત પિતા!”

“પ્રેમનાં પુણ્ય પીયૂષ વિરોધ સહે કદા!”

છાંટી સજીવની એક અંજલી જલ દિવ્યની!

ઉઠ્યાં માતા અને પુત્ર-માલા તારક સાન્ધ્યની!!

પુત્ર હોજો સદા એવા કૃતજ્ઞ વિશ્વને વિષે,

સ્નેહ કેરી સુધાધારા રેલો વન્હિને ઉરે!

સ્રોત

  • પુસ્તક : પ્રથમપદ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : કાશ્મલન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1933