hridaytriputi mathi - Khandkavya | RekhtaGujarati

હૃદયત્રિપુટીમાંથી

hridaytriputi mathi

કલાપી કલાપી
હૃદયત્રિપુટીમાંથી
કલાપી

ઊંચો છે રવિ મધ્યમાં નભ પરે, છે ચૂપ સંસાર સૌ,

ધીકેલી ધરણી દિસે, તરુ મહીં પક્ષી લપાયાં સહુ;

ગાઢા મંડપમાં યુવાન ફૂલડાં વેરી નીચે છે પડ્યો,

કિંતુ કંટકથી ભર્યા હૃદયને પીડી રહ્યાં છે દુઃખો

આવે છે ચાલતી ધીમે દૂરથી ત્યાં શોભના,

ઉદાસ દિસે ચ્હેરો, ગંભીર નેત્ર છે ઢળ્યાં.

આછું એક શ્વેત સ્વચ્છ કપડું તેણે પહેર્યું હતું,

તેના અંગની દિવ્ય ઝાંય ઝળકી રહેતી બહારે હતી;

તાપે તપ્ત થયેલ ગાલ પર ગાઢી ગુલાબી હતી,

ને તેની પર મધ્યમાં ઝળકતું બિંદુ હતું સ્વેદનું.

ડાબો હતો કર કમાન વળેલ કેડે,

બીજો હતો લટકતો ગ્રહી પુષ્પગુચ્છો;

યુવાનના પદ ભણી ઢળતી પ્રીતિ શાં,

ઓષ્ઠેથી લાલ નીકળી કિરણો છવાતાં.

ઊંચી એક જરા ગુલાલઝરતી પ્હાની હતી પાદની,

ઊભી એમ રહી યુવાન નિરખી નિઃશ્વાસ મૂકી જરી;

નેત્રેનેત્ર મળ્યાં અને ઢળી ગયાં! પાછાં મળ્યાં ને ઢળ્યાં!

રૂંધાતું દિલ તોય યત્ન કરીને બોલી ધીમું શોભના :

'પ્રીતિ ધરી રમા જે ઉછેરતી,

પ્રથમ પુષ્પ તે ગુલાબનાં;

કરતી સ્નાન તેથી મોકલી,

પ્રિય સખે! મને આપવા તને.'

લાંબો કરી કર જરી નમી પુષ્પ આપે.

ત્યાં જરા લથડતી લપસી પડે છે;

પુષ્પો પડ્યાં, કર રહ્યો કરમાં ધ્રૂજન્તો;

ખેંચ્યો નહીં, મૂકી દીધો નહિ વા યુવાને.

ત્યાં કૈં થયું મગજમાં, કરમાં થયું કૈં,

કાંઈ નવું નયન ને દિલમાં થયું કૈં;

જે ખાળતાં હૃદય તે નીકળી પડ્યું કૈં;

જેનો હતો ડર દિલે, થઈ ગયું કૈં!

ઉઘાડી બારીએથી ત્યાં દેખે છે કોઈ બધું;

યુવાને ઓળખી વ્હાલી, ખેંચી હસ્ત લીધો ઝટ.

ભોંઠી પડી શરમથી ચમકી ઊઠી

જે ના થવું ઘટિત તે થઈ તો ગયું કૈં!

સ્વપ્ન; જખમ, વિષઘૂંટડાને

વિમાસતી સળગતી ગૃહમાં ગઈ એ.

જોયું મનાય નહિ કદીયે રમાથી,

જોયું ભુલાય નહિ કદીયે રમાથી;

કિંતુ 'દીઠેલ કદી નવ હોય સાચું,'

સંકલ્પ દૃઢ કરી સુખણી થઈ એ.

બિચારાનું હૈયું સળગી પણ ઊઠ્યું, બળી ગયું;

ફરે, ડોલે માથું, નયન પર ગાઢું પડ વળ્યું;

રહ્યા સ્વેદે ભીના થરથર કંપી અવયવો;

ક્ષણો બે વીતી ને રુદનમય નાદ નીકળ્યો :

'અરે મારી વૃત્તિ, હૃદય મમ, ને વૃત્તિ મુજ

ઘડીમાં શું જૂઠાં થઈ જઈ બન્યાં મોહવશ રે!

અરે! નિર્માયું શું મમ હૃદયને ધૂળ મળવું

અને કન્યાના હૃદય કુમળાને સળગવું?

રમા! વ્હાલી! વ્હાલી ! ઝળક તુજ ચોખ્ખા હૃદયની

હવે ઊંચી આંખે નિરખી શકવાનો કદી નહીં!

હવે ક્યાંથી પૂજું? હૃદય તુજ ઊંચું અતિ રહ્યું!

ગયું પાતાલે ને મમ હૃદય પાપી થઈ ગયું!

'પ્રભુ' એવું કહેજે કદી નહિ મને તું, પ્રિય, હવે!

પ્રભુ તારો પાપી જખમ તુજને કરી શકે!

અરે! ઉછેર્યું તેં મધુર મૃદુ કેવું કુસુમડું?

બગાડ્યું મેં તેને કચરી કચરામાં! પ્રભુ! પ્રભુ!

કળી મીઠી દૈવી! રજ પડી હવે દૂર કરજે!

ફરી જાળે તું લપટીશ, કળી! ના કદી અરે!

રમા જેવી પાછી ઝળકમય તેજે ચળકજે!

ક્ષમા પાપીને કરી કદી હવે તે સ્મરજે!'

ભૃં ભૃં ભૃં ગુંજતો આવે પુષ્પો ઉપર ભૃંગ ત્યાં,

ખીલેલાં કૈંક પુષ્પોને ચૂસતો તે ફર્યા કરે

નજર પડી ત્યાં પેલાની ને જરા ચમકી ઊઠયો;

નજર પડતાં કાંઈ પાછો વિચાર નવો ઊઠ્યો;

હૃદય ગળવા લાગ્યું, પાછું થયું વહવું શરૂ,

હૃદય ગમતું શોધી લેવા વળ્યું, ફરીને ગળ્યું!

'અહો! કેવાં પુષ્પો ભ્રમર પર પ્રેમે ઝુકી રહે,

અને કેવાં ચુમ્બે સ્મિત અધરથી સૌ ભ્રમરને!

અહા! કેવો ગુંજી ફુલ ફુલ પરે ભૃંગ ભમતો!

અને કેવો ચોંટી કળી કળી મહીંથી રસ પીતો!

અહો! કેવી મીઠી કુસુમકળી સ્નિગ્ધ ઊઘડે!

તહીં ચોંટ્યો જાણે કદી નહિ હવે ઉખડશે;

પરંતુ ઊડ્યો નવીન કળીઓ ને કુસુમમાં!

ફરી ઇચ્છા થાતાં લપટી પડશે કળીમાં!

અહો! સ્વચ્છંદી નવ કદી રહે પિંજર પૂર્યો,

વળી ભોગી સાચો કદી નવ વિસારે કુસુમ કો!

બધાંને ચાહે છે પણ ત્યજી દે કોઈ ફૂલડું

હશે આવું પાપી કુદરત તણું શું રમકડું?

અરે! હું માટે તો કુદરત તણો શું ક્રમ ફરે?

મને શું સૌન્દર્યે લપટી પડતાં પાતક પડે?

પ્રભુએ આપી તે કુસુમરજ હું કાં નવ ગ્રહું?

અરે! તે ખોવી તે પ્રણયી દિલને પાતક શું?

આવે છે ગુંજતો બીજો તે પુષ્પો પર ભૃંગ ત્યાં,

જોઈ તે અશ્રુ આવ્યાં ને ઉદાસ તે થયો ફરી.

'ક્ષમાવાળાં હૈયાં કુદરતી ભલે આમ રમે!

મનુષ્યો તે માટે નથી હજુ થતાં લાયક ખરે!

સુખે આલિંગે છે કુમળી કળી કોઈ ભ્રમરને!

નથી બંધાઈ અમુક ભમરાથી નકી નકી!

વિભાગો ભોજ્યભોક્તાના પાડેલા છે વૃથા અમે;

ભોક્તાનો માર્ગ જુદો કૈં, ભોજ્યનોય જુદો વળી!

દિસે એવો કાંઈ કુદરત તણો ના ક્રમ નકી,

અહો! ભોજ્યે ભોક્તા કુદરત તણા ક્રમ મહીં!

અહા! બન્ને પાંખો કુદરતની સ્વચ્છંદ ફરતી,

રહે તેથી ઊંચાં કુદરત તણાં બાલક ઊડી!

ઊડી ક્યાં શકે લોકો, તોડીને એક પાંખને?

ઉત્સાહી ઊડવાનું કો રડે તો તે ભલે રડે!

તને છોડી વ્હાલી, ક્યમ જઈ શકું ઊડી કદી હું?

વિચારો મારાથી જરૂર અપરાધી તુજ બનું;

ઊડી હું જાઉં તો પછી તુજ રહે શું જગતમાં?

ભલે કેદી થાતું તુજ હૃદયનું દિલ સદા!

ભલે ભૃંગો ઊડે કળી કળી પરે ને ફુલ પરે,

મને તે ના છાજે, ફુલ મુજ રહ્યું એક હવે.

ઉછેરેલી તેં તે મધુર કળી વ્હાલી પણ મને;

મને વ્હાલી તોયે મુજ કદી હવે તે બનશે,

પ્રભુ આપે તેને પ્રણયી રસીલો ભૃંગ કુમળો,

પરંતુ ચિન્તા મમ હૃદયનો એક ભડકો;

ફરી કેદી તારો જીવિત સઘળાનો થઈ રહ્યો,

હવે હું તો તારો જરૂર અપરાધી નવ રહ્યો!

રાખજે યાદ તું, ભોળા! તારાં વેણ સદા હવે,

હવે જો ચૂક, તો તારું કોઈ જગમાં નથી

કળીની પ્રીતિ તુજ દિલ હજુ જો ઘસડી લે,

ભલે પ્રેમી થાજે પણ વચન ભૂલી જજે;

કરે છે સાચું તું જરૂર સમજી એમ કરજે,

નહીં તો પસ્તાવો દુઃખમય અગાડી બહુ થશે.

સંધ્યા પડી, રવિ હવે ડૂબવા જતો એ,

આવે સખી ફરતી બેય યુવાન પાસે;

સુખી હતી ત્યમ હજુ સુખી છે રમા, ને

ઢાંકી દુઃખો રમતી બાપડી શોભના એ,

રમ્યાં ફર્યાં ત્રણ બાગની મહીં,

છૂપું હતું દિલમાં નવું કંઈ;

હતું દબાવ્યું પણ ઊછળી જતું,

ચકિત નેત્રો મળતાં પ્રકાશતું.

રમા કશું ગણકારતી નહીં,

છતાં નવું કૈં સમજી જતી હતી;

દેખતી હર્ષ પિયુમુખે, અને

દેખતી હર્ષ સખીમુખે, વળી!

'હશે શું સાચું? મમ હૃદય કાંઈ નવ કહે!

હજુ હું દેખું છું? સમજણ પડે ના કશી મને!

કહેજો વ્હાલા! તમ હૃદયની ગ્રન્થિ પડી શું?

નહીં હું તોડું! દુઃખી કરી તમોને ક્યમ શકું?

સુખી હું છું, વ્હાલા! તુજ વધુ સુખે હું વધુ સુખી;

છૂપું રાખો તેથી પણ બળી મરું હું જિગરથી;

પ્રભુ! તારું તેનું હૃદય કુમળાં છે અતિ અતિ!

અરે! તેની ગ્રન્થિ ક્યમ કરી શકું તોડી કદી?

નકી બનું પાપી વિચારથી,

રામ મારો કદી હોય અન્યનો;

અરે! ક્ષમા તું કરજે મને, પિયુ!

સ્વપ્નમાં તે કદી હોય તું, પ્રભુ!'

એવા કાંઈ વિચારોમાં રમા તો ડૂબતી હતી;

અહોહો! પ્રેમીના પ્રેમી દોષો જોઈ શકે નહીં!

રમાની શુદ્ધિથી હૃદયદ્વયમાં શુદ્ધિ પ્રસરી;

અને શુદ્ધિશો શશી પણ પ્રકાશ્યો નભ મહીં;

રમા વ્હાલા સાથે હસતી થઈ જુદી સખી થકી

અને નિદ્રા આવી રજની વહતાં મીઠડી ઘણી.

*

અર્ધેક રાત્રિ વીતી ત્યાં આવ્યું સ્વપ્ન યુવાનને;

સ્વપ્નમાં ત્યાં રમા દીઠી, નિદ્રા લેતી સુશાન્તિમાં.

વળી કોઈ મોટી ઊડતી દીઠી દેવી શિર પરે;

હતા તેના વાળો શિરથી પગ સુધી લટકતા,

હતી તીણી દૃષ્ટિ, મુખ પણ હતું સખ્ત દિસતું,

અને કાળી લાંબી લટકતી હતી દોરી કરમાં.

યુવાના બે કરો બાંધી, બોલી ક્રોધથી દેવી :

'નામ મારું નીતિદેવી, કેદી તું મુજ છે બન્યો!'

સુણતાં ગૃહ મહીં પ્રકટ્યો ઉજાસ,

આકાશમાં લટકતું કંઈ સત્ત્વ બીજું;

તેના પ્રકાશથી ગયો ઝટ બંધ તૂટી,

ને દેવી કેદી કરનાર ભળી હવામાં!

પાંખનો નભ મહીં સુસવાટ વાગે,

પાંખો કને કબૂતરો ઊડતાં દિસે કંઈ!

તે શ્વેત છે કબૂતરો, વળી શ્વેત પાંખો,

ને શ્વેત વસ્ત્ર દિસતાં ઊડતાં હવામાં!

તે આસપાસ વીજળી સરખું કુંડાળું,

કૈં કિરણોમય દિસે ચળકાટવાળું!

તેમાં દિસે પદ ગુલાબી ફૂલો સરીખા,

જેમાંથી અમૃતઝરો ઝરતો અથાગ!

તેના પડે શીકર સૂર્ય-શશી પરે, ને

તેના પડે શીકર તારક ને ગ્રહોમાં!

સ્ત્રીશું દિસે મુખ શશીવત્ સત્ત્વનું એ,

જેમાંથી ડોલર તણી ખુશબો વહે છે!

પ્રીતિદેવી તહીં આવી, ઊભી યુવાનની કને;

એક હસ્તે ગ્રહ્યો હસ્ત, બીજો હસ્ત દિલે ધર્યો.

તેના સ્પર્શથી અંગ ને અવયવો કંપી રહ્યાં સૌ, અને

મીઠું ઘેન ચડી ગયું મગજમાં ને જીવ જુદો પડે!

દેવી પાંખ પસારી ઊડી ગઈ આત્મા લઈ સ્વર્ગમાં!

સામી આવતી દેખી ત્યાં હસમુખી તેની પ્રિયા શોભના!

કુમારિકાનો કર એક લીધો,

લીધો વળી એક યુવાનનો, ને

જરી હસી દેવી કહે, 'સુપ્રેમી,

બનો હવે એકરૂપે સુખેથી!

રમા વળી આવતી ઊડીને,

ત્રણે દિલો એક આજ થાશે!

સદા રહેજો મમ રાજ્ય માંહી,

સુખી થશો! આશિષ મારી! બચ્ચાં!'

કિન્તુ વ્યગ્ર થઈ યુવાન નભમાં જોઈ રહ્યો બીકથી,

નીચી ઊતરતી રમા નભથી તે જોઈ ક્હે દેવીને :

'હું ના અન્ય તણો બનું કદી, સખિ!' વેણ તૂટ્યું ગણી

નક્કી દુઃખણી બને હૃદય નક્કી ચિરાઈ જશે!’

‘જો ચોર! તું!’ કહી ઊડી ગઈ દેવી એ, ને

નીચે પડ્યો ગબડતો જીવ ડરીને!

સ્વપ્નું ગયું ઊડી, ગઈ વળી શાન્ત નિદ્રા,

હૈયું રહ્યું ધડકતું, ભય ને પીડાથી.

જુએ છે બાજુમાં તો ત્યાં રમા દીઠી સુખે સૂતી;

નિદ્રામાં તે હસી મીઠું, 'પ્રભુ! વ્હાલા!' લવી જરી.

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004