dewayani - Khandkavya | RekhtaGujarati

દેવયાની

dewayani

કાન્ત કાન્ત
દેવયાની
કાન્ત

“રજનીથી ડરું, તોયે આજે લેખતી નથી;

ક્યાં છો? કચ! સખે! કયાં છો? કેમ હું દેખતી નથી?”

લંબાવેલા સ્વર મધુર વ્યોમ માંહે ફરે છે

પુષ્પ પુષ્પ વિટપ વિટપે નૂતન શ્રી ભરે છે;

નાનાં નાનાં વપુ ધરી શકે શોધતા દિશામાં,

રેલંતા રતિ વિવિધ શી કૈં શશીની નિશામાં!

દિવ્ય પ્રભા નિરખી ઉત્સુક જે થયેલી

દેખાડવા સુહૃદને પ્રણયાર્દ્ર ઘેલી;

તે સ્વભાવ સરલા કરી દોડ નાની,

બોલાવતી ધસતી બાલક દેવયાની.

તરે જે શોભાથી વન વન વિષે બાલ હરિણી,

સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી

કરે એવું જયોત્સ્નાભ્રમણ, ભ્રમણે જયાં અટકતો

શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો!

તરુઓ અભિનંદે અંગો લલિતને નમી;

સમગ્ર નભ વર્ષે છે, આહા! ઉપરથી અમી!

થંડો મીઠો કુમુદવનનો માતરિશ્વા વહે છે,

ક્રીડંતો જયાં તરલ અલકશ્રેણિ સાથે રહે છે

બાલાને વ્યજન કરતો દાખવે આભિજાત્ય,

પ્રેરે નૃત્યે પદ રસિકનો અગ્રણી દાક્ષિણાત્ય!

જેવી તરંગ શિખરે જલદેવી નાચે,

વક્ષઃસ્થલે શિશુ સમી ગણી સિંધુ રાચે;

અજ્ઞાત તેવું રમણીય નિહાલી લાસ્ય,

પામે પ્રમોદ વસુધા ઉભરાય હાસ્ય!

હવે તો મેદાને વરતનુ દિસે છે વિચરતીઃ

વિલોકે સામે, ત્યાં ત્વરિત ચરણોની ગતિ થતી;

રહ્યાં બંને બાજુ તરુવર, નહીં કાંઈ વચમાં

વસેલું આવીને પણ સકલ સૌંદર્ય કચમાં!

રોહિણીપતિના ભાલે રશ્મિઓ રમતા હતાઃ

તુહિનાચલના જાણે શૃંગમાં ભમતા હતા!

શોભિતા શા સહુ અવયવો, સ્નિગ્ધ ગોરા, ભરેલા,

યોગાભ્યાસ, પ્રબલ થકી શા યોગ્યતામાં ઠરેલા:

ગાલે, નેત્રે, સકલ વદને, દીપ્તિ સર્વત્ર ભાસે,

જયોત્સ્નાને વિશદ કરતો સ્વચ્છ આત્મીય હાસે!

આકાશમંડલ ભણી દૃગ નથી

વિશ્રામ આજ નથી ભૌતિક કોઈ ચીજ;

નેત્રો નિમીલિત થતાં હૃદયે તણાય,

અધ્યાત્મ ચિંતન નિમગ્ન થયો જણાય!

હવે તો આવી નિકટ ગુરુકન્યા કચ તણી,

અવસ્થાને જાણી નહિં, અગર જાણી નહિં ગણી;

“નિહાલે શું? હા! તો સફળ સમજું આગમનને!

નહીં: નીચી દૃષ્ટિઃ અરર! અવમાને ગગનને!”

કર સાહી કહે મીઠું: “વ્યોમસાગરને તટે,

મુખ તો વિધુલક્ષ્મીનું જો, સખે! આમ ના ઘટે!”

પાડી નાંખે તનુ પર પડ્યું બિંદુ જે હૈમ આવી,

ઝાડીમાંથી મૃગપતિ જરા યાળ જેવો હલાવી,

કીધો નીચે સુતનુ કરને પ્રમાણે કચે જયાં,

ઝાંખા જેવો વિધુ પણ થયો દૈન્ય દેખી નભે ત્યાં!

સાશંક ભીરુ નિરખી રહી આસપાસ,

ન્હાનું દિસે મુખ અનાદરથી ઉદાસ;

ધીમે હવે કચ ભણી જ્યમ વળે છે,

તેવું હા! ઊતરતી દૃગને મળે છે!

જરા જોયું, ત્યાં તો અતિશય દીસે છે પ્રસરતી,

કુમારીને લજ્જા, નયન પણ નીચાં ધરતી;

રહી વેળા થોડી કચ પણ હવે આમ ઉંચરે,

હતું ધીમું તોયે, પરિચિત છતાં પણ ડરે!

“અવસ્થાભેદનું, દેવી! તને ભાન દીસે નહીઃ

મુગ્ધ! શું સમજે છે તું બાલભાવ બધા મહીં?”

રે રે! એને શ્રવણ કદી વાક્ય એવું પડેલું,

હૈયું એનું મૃદુલ વિરલું ગર્ભમાંથી ઘડેલું;

આંસુ આવ્યાં નહિં, પણ બની બાલિકા છેક ઝાંખી,

ઊભી યત્ને, વિવશ ચરણે, મર્મ નિઃશ્વાસ નાંખી!

તે ઉભી કુમુદિની સરખી નમેલી,

જે ચંદ્રની વિકૃતિને કદી ખમેલી;

લાવણ્યને વિવશ જોઈ નહીં શકે જે,

ચિત્તે બહુ વખત રોષ ક્યહાં ટકે તે?

સ્વસા જેવી, જેને દિલગીર કરેલી નહિં કદા,

રહી સાથે જેની શિશુ સમ બનેલો પણ સદા;

કરી તેની આવી સ્થિતિ નિજ કઠોર પ્રવચને,

થયો પશ્ચાત્તાપ પ્રબલ મનમાં તુર્ત કચને.

શબ્દ સાંત્વનને માટે શોધે, પણ મળે નહીં;

વિચારે બહુધા; તોયે કંઈ ચેન વળે નહીં!

રોતી હોશે અવનત મુખે એમ શંકા કરીને,

ઊંચી લીધી તનુ કટિ કને બાહુ સાથે ધરીને;

“બોલે! શું છે વદ નભ વિષે, સજ્જ છે સર્વ જોવા,

તારી સાથે, અધિક રડશે તો પછી સાથે રોવા!”

રોકેલ અશ્રુદલ જે હૃદયે જડીને,

ભીજે કપોલ કચના હમણાં પડી તે;

છાયું હતું ઘનપટે મુખ ખેદનાએ,

ત્યાંએ સુહાસ્ય વિધુના સમ અલ્પ થાય!

ધરી હૈયા સાથે સદય મૃદુ આલિંગન કર્યું

વહીને ઓષ્ઠેથી મધુર વદને ચુંબન ઠર્યું;

કરી નીચી હાવાં સજલ નયને નિરખતો,

છવાયેલું હર્ષે વદન દિસતાં હર્ષિત થતો.

સ્ફુરે લાવણ્યનું શું પરિવર્તન અંગમાઃ

રમતી રમણી ભાસે દિવ્ય નૂતન રંગમાં!

શોભે જેવી શુચિ નિસરતી માનસેથી મરાલી,

વર્ષા કેરા વિમલ જલમાં નાચતી વા મૃણાલી;

ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ,

બાલા તેવી બની ગઈ, ખરે અદ્ભુત સ્પર્શથી જ!

વૃત્તાંત પૂર્વ સધળું વિસરી ગઈ એ,

દ્રષ્ટવ્યમાં દ્વિગુણબદ્ધ હવે થઈ એ,

સ્નેહોર્મિથી સદયની થઈ આંખ ભીની,

જોતો રહ્યો સરલતા કચ સુંદરીની!

તરે જે શોભાથી વન વન વિષે બાલહરિણી,

સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી;

કરે એવું જયોત્સ્નાભ્રમણ, ભ્રમણે ત્યાં અટકતો

શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે, ઝબકતો!

વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌંદર્યમાં વહેઃ

વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે!

(૧૬-૧૦-૧૮૯૦ થી કેટલાક સમય પહેલાં)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000