Chitravilopan - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(ઈન્દ્રવજ્રા-વસન્તતિલકા)

સન્ધ્યા રમાડે ધરીને ઉછંગે

શુક્રતારાકણીને શી રંગે!

તે સિન્ધુમાં ગૂઢ થઈ ગયેલો

જોતી રહી રસ થકી રવિનાથ પેલો.

પ્રીતેથી પીતી સુખ વર્તમાન.

ને ભાવિનાં રમ્ય સુણંતી ગાન,

સ્વપ્ને જોતી અતિ ગૂઢ ઘેરું

ચિત્ર દૂર વસતું લયકાળ કેરું.

(અનુષ્ટુપ)

સાવિત્રી સિન્ધુમાં વ્હેતી, તરંગો ઊછળે તહિં,

નાવડું નાચતું ત્હેમાં આવતું જો! દીસે અહિં.

યુવતી તે વિશે બેઠી બાળકી છાતિયે ધરી,

પ્રેમવાત્સલ્યના પ્હાના અમોલા શા વહ્યા ઝરી.

(ખંડહરિગીત)

“નાવડું હંકારજો

વેગથી, સંભાળથી,

ખલાસી કુશળ ઓ!

મોંઘી છે મુજ બાળકી.”

“લાડકી મુજ જગવિશે

આવી એક માસથી,

તોય મુજ હઈડે વશી

દિન અણગણ્યા ત્યમ ભાસતી.

સિન્ધુતટ પેલો ઊંચે

દુર્ગ પર્વતટોચ જે,

તાત ત્ય્હાં તુજ વાટડી

જોતા ઊભા ધરી મોદને.

થાશુ ભેળાં ક્ષણ મહિં,

દીર્ઘ વિરહ છેદીને,

પ્રથમ દર્શન આંકતાં

કંઈ ચુમ્બનો કરશે ત્હને.

નાવડું સિન્ધુમાં

ઊછળે કંઈ વેગથી,

હૃદય પણ મુજ નાચતું

દે તાલ ત્હેને પ્રેમથી.

પ્રેમસાંકળ જે રૂડી

મધુર બે-અમ-ઊરની

બીડતી દૃઢ તેહને

તું કનક-કડી વણ મૂલની. ૧૦

દુર્ગ પર જો! ફરફરે

ધવલ કર—અંચલ પ્હણે;

હઈડું કંઈ થરથરે,

ને પ્રેમમન્ત્રો શા ભણે! ૧૧

હા! મીઠું બુલ્બુલ માહરું!

ફૂજતું કલરવ કરે,

લાડકી! તેજ અમી

પીતાં મન તૃપ્તિ ઘરે. ૧૨

તાતને તુજ ફૂજનો

રૂડાં તું સુણાવજે,

મર્ત્યલોકે સ્વર્ગની

કંઈ દીપ્તિ ક્ષણ ઝળકાવજે. ૧૩

મીઠડી જો વ્ચોમમાં

શુકકણી શી શોભતી!

હા! તદપિ મુજ લાકડી

એથી રુચિર અદકી અતિ. ૧૪

ભૂત ભાવિ ભૂલતી,

સુખ હિંદોળે ઝૂલતી

સંગ લઈ મુજ પૂતળી

આનન્દસિન્ધુ હું બૂડી.“ ૧૫

(ઉઘોર)

“ઓ! આમ એકાએક

નાવડું વાંકું વળિયું છેક!

ધાઓ! અરે જીવનનાથ!–

લાકડી! ભર્ય તું મુજને સાથ!” ૧૬

(અર્ધભુજંગી)

“ખલાસી! બચાવો!

અરે કોઈ આવો!—“

“દયાસિન્ધુ! આવું!

શિશુ સાથ લાવું!” ૧૭

(માલિની)

નિમિષ મહિં ડૂલ્યું નાવડું સિન્ધુ માંહિં,

મઘુર સુખછબીઓ ને ગઈ જો! ભૂસાઈ!

ઉદધિ-ઉદર સન્ધ્યા શુક્ર બંને સમાયાં,

તિમિર મહિં ગૂઢાં સિન્ધુએ ગાન ગાયાં. ૧૮

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ચિનુ મોદી
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1985