અરદેશર ખબરદાર
Ardeshar Khabardar
(દિવ્ય)
વીરા ચાલો ઝટ રણમાં,
કાઢો તાતી તલવાર!
હર હર હર નાદે ઘૂમતા
કરીએ અરિનો સંહાર!
રણધીરા હે રજપૂતો
મુજ અંગતણા શણગાર!
રે ચાલો હલદીઘાટે,
શૂરા બાવીશ હજાર!
“વીરા! શું શૌર્ય ગયું છે?
શું રજપૂત થશે ગુલામ?
મેવાડ પરાધીન બનશે?
શું જશે શિશોદીય નામ?
નહિ નહિ નહિ રણમાં ચાલો,
ઝળકાવો તમ હથિયાર!
રે ઘૂમો રાણા સાથે,
શૂરા બાવીશ હજાર!
“વીરા! તમ આજે રણમાં,
વહેશે અસ્ખલિત પ્રવાહ :
રજપૂત ગૌરવ હજી પણ છે
તે જોશે અકબર શાહ!
રે આજ પ્રતાપ પ્રતાપે,
ઘૂમી રહેશે રણમોઝાર,
ને સાથે ઝૂઝશે તેના
શૂરા બાવીશ હજાર!
ગર્જન કરી એમ પ્રતાપે,
ઝુકાવ્યું રણે શરીર,
હોંકાર કરી ત્યાં ઊછળ્યા
રાઠોડ શિશોદીય વીર,
ચંદાવત, સંગાવત ને
ઝાલા, ચોહાણ, પ્રમાર,—
રિપુને હણવાને કુદ્યા
શૂરા બાવીશ હજાર!
મોગલ યુવરાજ સલીમ ને,
અંબરપતિ મહાવીર માન,
લઈ સૈન્ય અસંખ્ય જ ઊભા,
કંઈ સિંધુતરંગ સમાન!
૫ણ મૃગટોળામાં કૂદે,
વનરાજ કરી હોંકાર;
ત્યાં કૂદ્યા તેમ પ્રતાપી,
શૂરા બાવીશ હજાર.
ધડ ધડ ધડ થાય ધડાકા,
ખૂબ તોપ તણા ચોપાસ,
કડ કડ કડ તૂટી પડતું,
નીચે આવે આકાશ!
તેને ન જરા ગણકારી,
ધરી અંતર શૌર્ય અપાર,
ત્યાં મૃત્યુ મુખે હોમાતા,
શૂરા બાવીશ હજાર!
આજે નથી પાછું ફરવું,
સમરાંગણ છે અવસાન;
રિપુને હણવું કે મરવું,
છે એ જ અમારી લ્હાણ!
એવું કહી સહુ ઝુકાવી,
મોગલને મારે માર;
રે રેલ સમા ત્યાં રેલે
શૂરા બાવીશ હજાર!
રણવીર પ્રતાપ બધે ત્યાં,
કરતો ઘૂમી નાદ પ્રચંડ,
ખરું આજ પ્રકાશિત કીધું,
રણમાં નિજ શૌર્ય અખંડ,
ભેદી અરિહાર ધસ્યો તે,
ખુદ સલીમ હતો જે ઠાર
હર હર હર કરતા ગરજ્યા
શૂરા બાવીશ હજાર!
આકાશ ધરા ત્યાં કંપ્યાં,
ડોલ્યાં ચૌદે બ્રહ્માંડ!
રણક્ષેત્રે આરંભાયો,
શો ભીષણ હત્યાકાંડ!
ઢગના ઢગ વીરો પડતા,
નહિ શબનો કાંઈ સુમાર,
લડતા અગણિત મોગલ ને
શૂરા બાવીશ હજાર!
માર્યા રક્ષક ને મ્હાવત,
રાણાએ રાખી રંગ,
ને સલીમ તણા ગજ પર ત્યાં,
નિજ અશ્વે મારી છલંગ!
પણ ગજ નિજ પતિને લઈને,
ત્યાંથી નાઠો તે વાર;
રાણા સહ પાછળ દોડ્યા,
શૂરા બાવીશ હજાર!
અલ્લા હો અકબર કરતા,
ત્યાં કૂદ્યા મોગલ સર્વ;
નર્થી ભીરુ બન્યા હજી કાંઈ
નહિ રણમાં ખોશે ગર્વ.
ત્યાં ફરી વળી ચોપાસે,
કીધો પ્રભુનો ઉદ્ધાર;
ને ઘેર્યા રાણા સાથે
શૂરા બાવીશ હજાર!
પણ વીર્ય અપૂર્વ જ કાંઈ,
છે પ્રતાપ કેરું આજ;
એકલડો સૌની વચ્ચે
તે ઘૂમી રહ્યો સિંહરાજ.
અર્જુન શું આજે તેનો
યશ પામ્યો છે વિસ્તાર!
હા! ધન્ય પ્રતાપ અને તુજ
શૂરા બાવીશ હજાર!
એ યુદ્ધ થકી ત્રણ વેળા
રજપૂત યોદ્ધા દઈ પ્રાણ,
ઉગારી લાવ્યા બળથી
નિજ રાણાને નિર્વાણ,
પણ જોઈ વીરો નિજ પડતા,
ફરી ભેદી ધસ્યો અરિહાર!
નહિ જાણ્યું નથી હવે સઘળા,
શૂરા બાવીશ હજાર.
અતિ રોષથકી બની ગાંડા,
ઘેર્યો રાણાને ત્યાંય;
ઝબ ઝબ ઝબ ચપળા જેવી
ચમકી અસિઓ રણમાંય!
જાણે ન પ્રતાપ હવે કંઈ
મોગલથી બચે લગાર,
નથી રહ્યા હવે સહુ તેના
શૂરા બાવીશ હજાર!
એ સ્થિતિ રાણાની જોઈ
ઝાલાપતિ લઈ નિજ વીર,
મૂકી છત્ર પ્રતાપનું માથે
રણમાં દોડ્યો રણધીર!
દિલ્લીશ્વર કેરું ઊંલટ્યું
ત્યાં સૈન્ય અસંખ્ય જ ત્યાર,
રે ટપ ટપ ધરણી ઢળતા
શૂરા બાવીશ હજાર!
પણ રિપુને હણતા પ્હોંચ્યા
વીર રજપૂત રાણા પાસ,
છોડવી મૃત્યુ મુખમાંથી
લાવ્યા રજપૂતની આશ!
પણ ઝાલાવીર પડ્યો ત્યાં
નિજ ધર્મ બજાવી સાર,
ને રત્ન સહસ્ર ગુમાવ્યાં
શૂરા બાવીશ હજાર!
ધડ ધડ ધડ થાય ધડાકા
ખૂબ તોપ તણા ચો૫ાસ,
કડ કડ કડ તૂટી પડતું
નીચે આવે આકાશ!
એ સૈન્ય અસંખ્ય વિષેથી
નીકળ્યા રજપૂત પછી બ્હાર;
નહિ ફર્યા અરે કંઈ સઘળા
શૂરા બાવીશ હજાર.
રાણાએ તે દિન અંતે
છોડ્યું રણ હલદીઘાટ,
પણ જગતે જોયો તેની
શૂરી અસિનો ચળકાટ;
નથી ભારતજન કદી ભૂલ્યા,
એ યુદ્ધ તણા ભણકાર,
સહુ સ્મરે પ્રતાપ અને તે
શૂરા બાવીશ હજાર!
હા ધન્ય વીરા રજપૂતો!
છે ધન્ય જ તમ તલવાર!
શું કીર્તિ તમારી જગમાં
કદી કરમાશે પળવાર?
ઘરઘર અહીં હરનિશ ગાશે
તમ શૌર્યગીતો નરનાર!
રે ધન્ય પ્રતાપ અને ઓ
શૂરા બાવીશ હજાર!
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 180)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
