dasharathno antkal - Khandkavya | RekhtaGujarati

દશરથનો અંતકાળ

dasharathno antkal

ગણપતલાલ ભાવસાર ગણપતલાલ ભાવસાર
દશરથનો અંતકાળ
ગણપતલાલ ભાવસાર

શ્રાવણ માસનાં વાદળ દોડતાં અંધારા આભને ઉર,

ઝર ઝર ઝર વારિ વને ઝરે, સરયુમાં ચઢ્યાં પૂર.

ઝાડવે ઝાડવે આગિયા વીંઝતા પાંખ તણો ચળકાટ,

તમરાંઓ કેરા તંતરનાદે મુખર્ વગડાવાટ.

ફૂલના શ્વાસથી મ્હેકી ઊઠ્યું આજ પારિજાતકનું વન

શેવતી માલતી સ્પર્શથી જાગ્યા ઉતલા પૂર્વ પવન.

અંધારું વનમાં, અંધારું વાદળે, અંધારે ડૂબ્યું ગગન,

દશરથરાજની નગરીનાં ડૂબ્યાં અંધારે શૂન્ય ભવન.

ભીરુ વિહંગનાં દળ નીડે લપી આપે પરસ્પર હૂંફ,

રામનાં પંખીડાં રામ પૂંઠે પાળ્યાં બાંધીને પોટલે દુઃખ.

ફૂલના બાગમાં જેમ શોભે મહા જટાઘારી વડવૃક્ષ,

તેમ ઊભો હતો રાજપ્રાસાદ નગરનાં ગૃહ સમક્ષ.

દ્વાર ઉપર દ્વારિક દેખાય, તિમિરે અન્ય વિલીન,

દૂર ભવનની સાતમી બારીએ બળતો દીપક ક્ષીણ.

ભાદ્રનું ફૂલતું નાચતું નિર્ઝર, વૈશાખ વગડે જેમ,

પીળી રેતી પર સ્થિર પડી રહે સૂર્યથી શોષાઈ, તેમ

દીપના પીળા પ્રકાશમાં સૂતેલું દેખાય એક શરીર

સોના પલંગમાં; ઈસની ઉપર કોઈ નીતરતું શિર

આંસુથી, ટેકવી માનવી ઝોલતું અરધી નિંદરમાંય;

વાદળનો ગગડાટ થયો અને વાયુથી દીવા ઓલવાય.

અંધારામાં આખો ઓરડો ડૂબ્યો, વીજળી દે ચમકાર,

આભમહીં, દૂર ઘુવડ બોલે; વ્યાપે ફરી સૂનકાર.

ધીરે ધીરે આવે બાગ મહીંથી ફૂટતાં ફૂલનો ગંધ;

દૂરથી આવતા સરજુનીરના ઊંચાનીચા પડછંદ.

રાતના તિમિરમાં જેમ ઊઘડે પારિજાતકના ફૂલ,

ધીરે ધીરે તેમ ઊઘડ્યાં સૂતેલ નરનાં નેન આકુલ :

રાતના તિમિરમાં જેમ ઝાકળે ઊભરે વનનાં ફૂલ,

અંધારું દેખતાં આંસુથી ઊભરે નરનાં નેન આકુલ.

‘અંધારું બ્હાર, ને અંધારું અંતરે, અંધારું જીવન કાજ,

કૌશલ્યા, પ્રિયા! જાગતી હોય તો પેટાવ દીપકવાટ.’

‘એમ નથી નાથ! તો હતું અમ ક્ષીણ તારાઓનું તેજ,

અંધારું આવ્યું છે સૂરજ લાવવા.’ કહી પેટાવી દીવેટ.

‘ના, ના પ્રિયા, નથી એમ નથી, આવ આંહીં, બેસ મારી પાસ,

ચિંતાથી ધબકે હૈયું આ, ઉપર રાખ તું કોમળ હાથ.

ઓતરાદી પેલી બારી ઉઘાડ, છો આવતો આજ પવન.’

બારી ઉઘાડીને પાસે બેઠી નારી, નરનાં સ્થિર લોચન.

ધીરે ધીરે નભે વાદળ વિખરે, તારલા નીસરે બ્હાર.

છૂટતાં શીતળ લ્હેર સમીરની, નારી સમારતી વાળ.

ઊંઘમાંથી જાગી પિક જગાડતી બહુધા દ્વય તીર,

નારીનાં ફૂલ શાં નેનથી ટપકે ઝાકળબિન્દુ લગીર.

‘સુણ પ્રિયા, જેમ કાંપતું જો પેલા દીપનું આખુંય અંગ,

અંતરનું તેમ કાંપે કપોત, જ્યાં સંભારું હું પ્રસંગ.

દીવાને ઓલવી નાખ પ્રિયા, અરે! કોઈને દોષ દેવાય?

શિક્ષા ભયંકર કૃત્યની કારમી વણસહી ક્યમ જાય?’

ફૂંકથી નાચતા દીપને ઓલવી, શુષ્ક હોઠે રેડી નીર

સૂતેલ નરના; નારી આવી બેઠી ઓશીકે, ધીરે લગીર

ખોળે લીધું એનું શિર ને લલાટે ફેરવવા માંડ્યો હાથ,

તારાના તેજમાં આંખડી પ્રોઈને નરે શરૂ કરી વાત :

‘તે સમેય સખી આવી રજની, દારુણ તે દી’ નિદાઘ,

દક્ષિણ વહ્નિથી કિંશુકે કિંશુકે લાગી હતી તે દી’ આગ.

શિરીષ આભલાની નીલિમા ધરી ફૂટી ફૂટી મલકાય,

માધવીકુંજમાં માધવીને એની ફોરમ ના સહેવાય.

તે દી’ હતી પ્રિયા માધવી પુષ્પ સમી તુંય, પિતાનું વન

ફોરમે ભરતી; હું યુવરાજ; ને નિર્મળ તે દી’ ગગન.

તે રજનીમાં હતા તારલા મુક્ત આકાશને ઉર;

બાલિકા શી તે દી’ હતી સરજૂ, ન્હોતાં યૌવનપૂર.

તે દિન જે દિનની કરું વાત હું હતો જરીક ગરમ,

મેં ધાર્યું કે લાવ સરજૂતટનું આપણું મૃગયા-વન

જોઈ આવું જરી; મૃગલાં કેરો મળશે કોઈ શિકાર,

કરીશ તો, નહિ તો બેસી સુણીશ અંતરના ધબકાર

સરજૂ કેરા; એમ વિચારીને તીર ધનુષની સાથ,

પગપાળો સરજુતીર પ્હોંચ્યો, વા મહીં વીંઝતો હાથ.

ગભીર સરજુનીરમાં અરધો ડૂબતો રક્ત તપન

દેખાય, અંધારે ઝાંખાં પડી જતાં આમલી-પીંપળી વન.

આભલાની સામે મૂકી ઉઘાડાં ગોપન અંતરદ્વાર,

ધીરે ધીરે નદીનીર વહી જતાં; દક્ષિણે દૂરનો પ્હાડ.

તાલતમાલનું વીંઝે જટાજૂથ, પંખીતણા ટહુકાર

થાતા અચાનક એક પળે; કદી અન્ય અવાજ લગાર

આવતો ના જરી ભંગ કરાવવા તીણાં તમરાંનાં ગાન;

સરજુનીરમાં રાખી નજર હું ચાલતો'તો; કરી દાન

તિમિરથી અકળાતા આકાશને તારાને, સરજુનીર

માંહી લપ્યા રવિદેવ સમસ્ત; ત્યાં સંકોરી શ્વેત શરીર

વનનાં ઝાડઝાંખરાંથી આવ્યો શશિ અચાનક બ્હાર.

નદીનાં નીરમાં તેજ દોડ્યું એનું, કોકિલ દે ટહુકાર.

મુખમહીં જરી પાણી રેડ પ્રિયા, અંધારે ઘેર્યું ગગન,

તે દિ’ હતો મધુ ચંદ્રમા આભમાં, વાયુથી વ્યાકુળ વન.

ધીરે ધીરે મેં કર્યો પ્રવેશ નીરવ વનની માંય,

કોઈ અતિથિને કારણ વનડે ઢાળી'તી શીતળ છાંય.

ચંદ્ર વિચિત્ર ત્યાં સાથિઆ દોરતો, તમરાં ધરતાં ગાન,

માધવી ફૂલનાં છાબડાં ઠાલવી કરતી ફોરમ દાન.

પાંદડે પાંદડે નાચતાં કિરણ, ફૂલે ફૂલે ઊડે ગંધ,

છાયા-પ્રકાશના સંજોગમાં જાણે વનડું વર્ષથી અંધ.

દોડી આવે કદી સ્હેજ અચાનક ઉતલા સમીર લ્હેર,

ખર ખર કરી પાન ખરી પડે નાચતી છાયાની સેર.

શ્રાન્તિ અનુભવી બેઠો ચઢી એક વડલાની ઊંચી ડાળ,

સામી દેખાતી'તી શ્વેત તરંગને ભેટતી સરજુપાળ.

આકાશમાં એકે વાદળી ના જડે, ઝાંખું તારા કેરું તેજ;

એક પછી એક પ્હોર વીતી જતા, લાગતું જાણે ‘સહેજ.’

આભનો અરધો પંથ પૂરો કરી પશ્ચિમે ઢળતો ચંદ,

વનના છાંયડા પૂરવ દિશમાં ધસતા સૂંઘીને ગંધ

ફૂટતાં ફૂલની. એવામાં સરજુતીર પે સહેજ અવાજ,

‘ભડ ભડ’ કરી થયો અચાનક, ને મેં શિકારને કાજ

ધનુષની પર તીર ચઢાવી કાનપે તાણી કમાન,

મૃગલું ધારીને બાણ ફગાવ્યું, ને અને હાય રે! રામ!

રે પ્રિય! જરા પાણી દેને મુખે, આંખપે ઢાંકી દે હાથ,

રે પ્રિયા! દૃશ્ય ઊભું મારી આંખની કીકીમાં આજ.

નહિ કે’વાય એ; કહું, અરે કહું; જેને માર્યું’તું મેં તીર

તે નવ મૃગલું, કૂંળી જટા મહીં નાચતો સ્નિગ્ધ સમીર

જેની, જેવી રીતે વાયુ નાચે કૂંળા શેવતી વૃક્ષને ઉર

છાતી મહીં મારું તીર ઝીલી જેનાં ઓલવાયાં આંખ નૂર,

એવો હતો કોઈ ઋષિકુમાર સરજુકેરે તીર.

એકીદોટે ત્યહીં દોડી ગયો અને માટીપેથી લીધું શિર

ખોળામહીં એનું; મુખમાં રેડ્યું શીતળ સ્વચ્છ સલિલ,

ધીરે રહી એણે આંખડીઓ ખોલી, તૂટક બોલ્યો લગીર :

“ભાઈ! તેં ભૂલથી કીધું આ, જાણું હું, પાસે પડેલું તુંબ

ભરીને દોડ તું જ્યાં ઘન ઝૂકતાં આમલીઓનાં ઝુંડ,

માતપિતા મારાં તૃષિત ત્યાં બેઠાં તૃષા એમની મટાડ;

મુજ શિર આંહીં મૂક માટી પરે; વિનતિ એક, લગાર

વાર કરીશ ના.” એમ કહી એણે મીંચી દીધી ફૂલઆંખ.

પાસેના વડલે ઘુવડ બોલી ઊડ્યું વીંઝી દ્વય પાંખ.

ધ્રૂજતે હાથે તુંબડું ઝાલી, ભરીને નિર્મળ નીર,

અરધો અંધ હું શોધતો ચાલ્યો, છોડીને મૃત શરીર

મુનિકુમારનું; માતપિતા એનાં, અંધ ને પાછાં અપંગ

કાવડનાં દ્વય છાબડાંમાં જેમતેમ સમાવીને અંગ,

પુત્રપીઠે ચઢી પળતાં’તાં હિમે ગાળવા નશ્વર દેહ,

તૃષાથી વ્યાકુળ થઈને શોધવા મોકલેલો નીર “સ્નેહ

અંતર કેરાને,” જેણે તાણી સોડ સરજૂને સૂને તીર.

પુત્રનો ઘાતક ધ્રૂજતે પગલે પળતો આપવા નીર.

ચંદ્રમા ત્યાહરે મુખ સંતાડવા ધસતો સરજુઉર,

કોકિલ ક્યારની બોલવા લાગી’તી પ્રભાતમંગલ સૂર;

આંબાના ઝાડ મુકુલથી આંકુલ, ટપટપ ઝરે ફૂલ,

ધ્રૂજતે પગલે આવી ઊભો જ્યહીં ઝૂકતાં આમલી ઝુંડ.

રે પ્રિયા! જરા પાણી દેને મુખે, વક્ષથી લઈ લે હાથ.

રે પાપીકેરી સાથ તારી નવ શોભતી જીવનવાટ.

દૂર તું બેસને મુજથી. ‘ના નાથ!’ તે શું બોલતા આજ?’

‘સુણ પછી, - પછી ચોરની પેઠમ ગ્યો અયોધ્યાપુરનો રાજ

આમલી ઝુંડમાં; દૂર પડી હતી કાવડ થડની પાસ,

છાબડાંમાં એક વૃદ્ધ ને વૃદ્ધા ખીંચતાં’તા ધીમા શ્વાસ.

કચડાયાં પગ મારાની નીચે સૂકેલ વનનાં પાન,

શબ્દ સુણીને આતુર પિતાએ પાથર્યા સુણવા કાન

પરિચિત સ્વર, હું ધીરે ચાલીને ઊભો રહ્યો થોડે દૂર.

વૃદ્ધ બોલ્યો : “બેટા દૂર હતું પાણી? કહેતો’તો ને પાસે પૂર

આવ્યું અયોધ્યાનું; સરજુનું નીર કાંચનથી વધુ સ્વચ્છ

લાગી કાં આટલી વાર બધી?” મૂઢ જેમ સુણી રહ્યો પ્રશ્ન.

જીભ બની મારી બોબડી ને થઈ આંખડી આંસુથી અંધ,

માટીની ઉપર બેસી પડ્યો, લાગ્યા તૂટવા નસના બંધ.

તુંબડું હાથથી છૂટી પડ્યું. દડ્યો ધોધવો દક્ષિણ દિશ,

“બેટા શ્રવણ! તું બોલતો કાં નથી? શું તારું દુઃખતું શીશ?

લાવ, દબાવું તો! પાણી પડી ગયું તેથી રડેછ શું કામ?”

તોયે બોલી શક્યો કે હું “માતા, ક્યાંથી હોય મારી હામ?

પુત્ર તારાનો હું ઘાતક છું, તારા કોકિલને દીધું ઝેર!

ફૂલ તારાની મેં પીંખી પાંખડીઓ કેમ લઈશ તું વેર?”

વેર લીધું, પ્રિયા! વેર લીધું! પ્રિયા કારમી હતી રાત,

આંસુએ ડુમાતા કંઠથી દ્વયને મેં કહી આકરી વાત.

સુણતાંવેંત જ, તોફાન આવતાં સૂકલ ઝાડવું કોક

ધબ્બ દઈને ધરતી ઉપરે તૂટી પડે તેમ શોક

તોફાનથી ઢળી ધરણી ઉપર મૃતપુત્રા વૃદ્ધ માત.

અને…અને…અને… હવે શું ક્‌હેવી પ્રિયા બાકી રહી વાત?

રડતા પિતાએ કહ્યું કે, “ભૂલથી દોષિત હે નરરાજ!

આંખના એક રતનને ફોડીને તેં અમને કર્યાં અંધ,

હું તને શું કહું? ઈશ્વર કરશે સમયે ન્યાયપ્રબંધ.”

અને…અને… બાકી શું રહ્યું, પ્રિયા! દિન મારો થયો શેષ,

તે દિન મેં જ્યમ માતપિતા અને પુત્રને માર્યાં’તાં લેશ

દયા ધરી નહિ અંતરે તેમ હું પળીશ આજ પ્રભાત;

તું રડતી નહિ પ્રિયા! જોને તારા ડૂબ્યા, પૂરી થઈ રાત.’

(અંક ૧૨૮)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 53)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991