રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો[અનુષ્ટુપ]
માથે મધ્યાહ્નનો સૂર્ય તાપથી દિલને દહે,
સ્વેદથી આર્દ્ર કો પાન્થ નિસાસા નાખતો ભમે.
[દ્રુતનવિલંબિત]
પ્રણયિની હૃદયે સ્મરતો હતો,
હૃદયને સ્મરતો દહતો હતો;
મૃદુલ ભાવભીની સ્મૃતિ પૂર્વની
ભજવતી રસકેલિ પ્રિયા તણી.
વિવશ ચિત્ત થયું સ્મૃતિખેલથી,
વિકલ દેહ થયો રવિ તાપથી,
ટહુકી કોયલ આમ્રઘટા થકી,
પથિક આત્મ તણી હરતી દ્યૃતિ.
[વસંતતિલકા]
વાયો ત્યહીં અનિલ આર્દ્ર સરિત્તટેથી,
દીઠો વિશાળ સહકાર ભરેલ મ્હોરે;
બેઠો જઈ વિવશ પાન્થ રસજ્ઞ પ્રેમી
જામી સમાઘિ હૃદયે પ્રણયેશ્વરીની.
[મંદાક્રાંતા]
કામાવસ્થા અનુભવી હતી પૂર્વ ના આવી કો દી,
જેમાં મૂર્તિ પ્રણયિની તણી હોય આલમ્બને ના;
ગાળી ભેદો જગતભરના વ્યાપી હૈયે સમાધિ,
ધીમે ધીમે તનમય થયું ચિત્ત એ તત્ત્વ માંહીં.
[અનુષ્ટુપ]
રસલીન થતાં તે તો ભેદભાન ભૂલી ગયો,
પ્રકૃતિરૂપને પામી શક્તિને શરણે ગયો.
[દ્રુતવિલંબિત]
ત્રિપુરસુંદરી ત્યાં કમલાનના
લલિત ભાવ ભરી અવકાશમાં,
જગતના અવકાશથી નીકળી
મધુર મૂર્તિ રસેશ્વરાની સ્વયં!
વિશદ ભાલ પ્રભામય દેવીનું,
સુભગતા જગની તિલકે ધરે,
નયન નેહમુદા વરસાવતાં,
અધર મોહક, મૂર્ચ્છક, વર્ણ્ય ના!
ધવલ અંશુક છાદિત દેવીના
મદભર્યા ઉરનો શું ભરાવ એ!
મદનનો જીતનાર જીત્યા થકી
ગરવથી વિલસે શું પ્રભાવ એ?
અલક પુષ્પ ભર્યાં અભિલાષથી
પૃથુ નિતમ્બ તણા સ્પરશે રમે!
કુસુમમંડિત દેવી કવીશ્વરી
મધુર દર્શન ભક્તદિલે દિયે.
[અનુષ્ટુપ]
દેવીના દર્શન મોહ્યો, આત્મભાન ભૂલી ગયો.
ભક્તિથી મોહીને દેવી, રસાસ્વાદ દઈ ખસે.
[વંશસ્થ]
કૃતાર્થ નેણે નીરખી રહી વદે
‘સહીશ શી રીત વિયોગ દેવિ! હું?’
કૃપાળુ દેવી કરુણાર્દ્ર કંઠથી
સુણાવતી તત્ત્વ નિગૂઢ વિશ્વનાં!
[અનુષ્ટુપ]
“વિશ્વમાં સર્વવ્યાપી હું, ભૂત પલ્લવ પ્રાણિમાં,
મૂર્તિ મ્હારી વસે ત્હોયે સ્ત્રી-લાવણ્ય-તરંગમાં.
કલાથી રીઝનારી હું, મને પ્રિય કલાધરો,
સ્ત્રીને જે અર્ચનારાઓ, તે બધા ભક્ત માહરા.
રસમાં રીઝનારી હું, આનન્દમય મૂર્તિ હું,
આનન્દદૃષ્ટિથી દેખે, રસિકો કવિઓ મ્હને
પ્રેમને ભક્તિ હું જોઈ રીઝું છું આજ તાહરી,
અમોધ દઉં છું દૃષ્ટિ, કલા-આનન્દની ત્હને!”
[પુષ્પિતાગ્રા]
પ્રમુદિત થઈને સુણી રહે એ
અનુભવતો કંઈ ભાવ એ નવીન.
અવિદિત ગતિથી સરે ય દેવી
અકલ કલા કવિ એ રહે નિહાળી!
સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1985