chhelli ghadi - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(મંદક્રાન્તા)

અર્ધામીચ્યાં નયનપથથી, અશ્રુબિંદુ વહે છે,

કારાગૃહે, શયન પડિયો, રાય પ્રેમે વદે છે;

ઘેરે આજે, પ્રણય સ્મરણો, તાજનાં ને પ્રિયાનાં,

વીત્યાં વર્ષો સ્મરણ પટથી, રાજ્યનાં ને સુખોનાં!

(અનુષ્ટુપ)

ભેટવા મૃત્યુને આજે પ્રાણપંખી ઝૂરી રહ્યું,

પાસ છે એકલી પુત્રી પ્રિયા સ્મૃતિ સ્મરી રહું!

(લલિત)

નયન તાજને પેખવા ચહે

પ્રણયમૂર્તિ અંતરે રમે;

સ્મરણ ભૂતનાં વર્તમાનમાં,

મુખ પરે રમી જાગતાં થયાં,

જનક જે હતો રાય રાજ્યનો;

વદન દીનથી શું કહી રહ્યો!

(વસંતતિલકા)

પુત્રી સુવાડ મુજને ક્ષણ અંત મારી,

દૃષ્ટિ સમીપ નીરખું મુમતાજમહાલ;

તાજી કરું પ્રણયમૂર્તિ મમ પ્રિયાની,

પ્રેમે બન્યા જનક અંધ ખરે તારો.

મિથ્યા હતું જગ બધું મુમતાજ પાસે,

તેને કરું અમર શિલ્પ કળાકૃતિથી;

નો’તી હૃદે યશ તણી કંઈ લાલસાઓ,

સૌંદર્ય પ્રેમ સરજ્યાં જગમાં અનોખાં!

(અનુષ્ટુપ)

તોડાવ્યા દેશદેશેથી શિલ્પના ઘડનારને,

કળાકાર ખરો એક તાજની ભવ્યતા તણો!

(શિખરિણી)

કળાકૃતિ ન્યારી, મનહૃદય અર્પ્યાં સરજવા,

ઘણાં વર્ષો વીત્યાં અમર કરવા અંતરકલા;

કળાકારે કીધી અમર મમ મૂર્તિ પ્રણયની,

દયા ના હૈયે, કર યુગલ કાપ્યા દમ નથી;

રખે અન્ય ક્ષેત્રે સરજન કરે પુનરપિ,

અરે શું સૂઝ્યું જીવન જીવનું દીન કરિયું!

(અનુષ્ટુપ)

કળાકાર ખરો એહ કપાતાં કર બોલિયો,

‘સ્મૃતિ મારી તને નૃપ, રહે, વળી સ્મરે જગ;

લેવા દે મુજને ભેટી તાજને એક વાર હા’

કહી એમ વળ્યો તુર્ત હસ્તવિહીન હસ્યો!

(ઇન્દ્રવજા)

આનંદ વ્યાપ્યો રચના નિહાળી,

લોભી બન્યો હું યશનો તદાપિ;

સૌંદર્યમૂર્તિ મુજની ઘડાવી,

લોભે રહી એક મહાન ખામી;

પ્રેમી મટીને નૃપ હું થયો જ્યાં,

શિક્ષા ખુદાએ મુજને કરી ત્યાં!

(અનુષ્ટુપ)

જળબિન્દુ પડે છે ત્યાં, વર્ષમાં એક વાર હા,

જ્યહાં મારી પ્રિયા પોઢી સદાની ગાઢ શાન્તિમાં;

હણ્યા મેં હસ્ત શિલ્પીના કોણ ત્રુટિને પૂરે?

જાણે ના અન્ય કો શિલ્પી કળા શિલ્પમૂર્તિની,

(મન્દાક્રાન્તા)

‘મેં રિબાવ્યો, જીવ ગરીબનો, આજ તેથી રિબાઉં’

મૃત્યુકાળે, નવ સમી કો નૃપ હૈયે ઘવાયો,

ભારે હૈયે, શબદ નિકળ્યા, રાય સ્વર્ગે સિધાવ્યો,

છેલ્લા શ્વાસે, પ્રણયપૂરમાં, શુદ્ધ અદ્વૈત પામ્યો!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીનું ગુજરાતી નારીલેખન (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : રઘુવીર ચૌધરી, અનિલા દલાલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2005