chheli puja - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છેલ્લી પૂજા

chheli puja

પ્રહ્લાદ પારેખ પ્રહ્લાદ પારેખ
છેલ્લી પૂજા
પ્રહ્લાદ પારેખ

અજાતશત્રુના પૂરે રાજઆજ્ઞા ફરી વળી,

“બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.”

સંધ્યા તણા આર્ત વિલાપ કેરી

છાયા ઢળે છે જગ શોક-ઘેરી,

વિલાપ કેરા પડઘા સમા

ડંકા પડે મંદિર—આરતીના.

ત્યારે ધરીને કર આરતીની

સામગ્રી, કો સુંદરી આવતી’તી,

તેણે સુણી શું નવ રાજઆજ્ઞા?

સુણી છતાં વા કરતી અવજ્ઞા?

ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,

ને એના મધુર અધરે સ્મિત જેવું વહે છે,

ઓષ્ઠે તેવું અવિરત વહે સ્મિત, ને પાય તેવા

દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.

નાચી રહી છે નવશિખ આરતી,

નાચંત તેની શતરશ્મિ આંખડી,

કરે ધરેલી ફૂલમાળ કેરી

નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.

ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;

પ્રેમાશ્રુ જે સતત વહતાં, સ્તૂપ તેથી ધુએ છે;

છાની જાણે હૃદય તણી, કો સાથ, ગોષ્ઠી કરે છે;

ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.

છેલ્લી હતી નવશિખ આરતી,

ને સ્તૂપકંઠે ફૂલમાલ છેલ્લી;

વાતો હતી અંતિમ સર્વ આજની,

ને આખરી પળ જિંદગી તણી.

બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,

પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વાળી.

“તેણે સુણી શું નવ રાજઆજ્ઞા?

સુણી છતાં વા કરતી અવજ્ઞા?”

કરે ધરી નિજ ખડ્ગ આવતો,

આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.

કંપી રહે છે નવશિખ આરતી,

ને ધ્રુજતી સૌ ફૂલમાળ-પાંખડી;

નભે બધા તારક થરથરે છે;

નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.

“ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ પૂજતી?”

જગાડી સુંદરી, પૂછ્યું : કોપે વાણી ચે ધ્રૂજતી.

“બુદ્ધના પાયની દાસી,”-સુણાંતાં અસિ ઊછળે;

નમેલા સુંદરી કેરા આવીને પડે ગળે.

શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,

જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ

ને કાય કેરી થઈ ભવ્ય આરતી,

-શિખા સહસ્ર થઈ રક્તધારની!

રસપ્રદ તથ્યો

અજાતશત્રુ : (આશરે ઈ. સ 493 પૂર્વે) મગધનો જાજરમાન સમ્રાટ અને બિંબિસારનો પુત્ર, જેણે તેના પિતાની હત્યા કરી અને રાજ્ય મેળવ્યું.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : ચિનુ મોદી, સતીશ વ્યાસ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1985