bahuk kawymanthi ek ansh (be bhag) pratham bhag - Khandkavya | RekhtaGujarati

બાહુક કાવ્યમાંથી એક અંશ (બે ભાગ) - પ્રથમ ભાગ

bahuk kawymanthi ek ansh (be bhag) pratham bhag

ચિનુ મોદી ચિનુ મોદી
બાહુક કાવ્યમાંથી એક અંશ (બે ભાગ) - પ્રથમ ભાગ
ચિનુ મોદી

(પ્રથમ ભાગ)

નળ :

......જરાક નીચે

આવ્યાં સખી! વિહગ; નીડ ગણી ધરાને-

છે. સ્વર્ણરંગ

વળી, પુષ્ટ;

અને

ક્ષુધા આ-

કોપાયમાન વરસે નહિ મેઘ

ત્યારે,

જેવી ધરા –

ઉદરતપ્ત

તણાય એવું......

તો...

આ વિહંગ નહિ.

- ભક્ષ્ય -

સુવર્ણ પાંખો

ને વર્ણ ચારુ...

લયસિક્ત ઝમે મૃદુ આ

સૂરાવલી-

મરુત થાય સદેહ જેથી

એવાં વિહંગ...

એવાં વિહંગ હણવાં પડશે અમારે?

એવાં વિહંગ હણવાં પડશે અમારે...

અતૃપ્ત, નિત્ય, નિયમે હઠપૂર્ણ, ક્રૂર

એ

એ ક્ષુધાવશ થઈ?

–ધિક્, જીવવું આ.

આવો વિહંગ, નિજ નીડ ગણી ધરાને.

*

કિંતુ,

જ્વરની જેમ

ચિત્તની સ્વસ્થતા હરતી,

આકસ્મિક; અશ્વગતિ ધારતા,

જળપ્રવાહ જેમ

તટે સ્થિત ન રહેવા દેતી;

સઘન વનમાં પ્રદીપ્ત અગ્નિ જેમ

પ્રજ્વલિત કરવા પ્રસરીને,

હરિત-શુષ્કના ભેદ ભૂંસતી

આ ક્ષુધા;

આ ક્ષુધાઃ મારી સ્વસ્થતા હરે છે

મારા તાટસ્થ્યને હણે છે

મારા વિવેકને....

*

આ આવ્યા

આ ઊતરી આવ્યા

સાવ લગોલગ

પુષ્ટ દેહના ખગ.

ત્વરા કરી હે હાથ!

આ બે પાંખ,

પાણી જેવી ગ્રીવા પાતળી,

નર્યાં માંસમજ્જાના દેહ

ચીલગતિથી,

સિંહમતિથી

સાહી લે, સાહી લે

આ વિહંગને;

કિંતુ, પાંખાળાં તે પાંખ વીંઝતાં

ઊડ્યાં...ઊડ્યાં...

પંખી છે તે ઊડે

નૈષધને નૈરાશ્ય શોભશે?

ત્વરા કરો હે હાથ!

હાથ,

આ વસ્ત્ર ઉતારો પહેરેલું...

વસ્ત્રનો પાશ બનાવી

આ પંખીને

અક્ષસમાણી ચાલયાતુરી વિહંગની

તે......

એકમાત્ર જે વસ્ત્ર,

વસ્ત્ર પણ

મને ત્યજીને ગયું

ગયું

ઓ ગયું.

*

ઊડ્યાં પંખી, વસન લઈને,

નગ્ન હું, નગ્ન છું હું;

પાછાં જાઓ, સરિત જળ હે!

પ્હાડમાં જાવ, પાછાં.

અદ્રિ જેવાં તરુવર! પધારો

તમે, મૂળ પાસે,

આભે પાછાં જળસભર હે વાદળો!

જાવ પા...છાં.

જન્મક્ષણે હતો

એવો જ હું

વિવસ્ર

થઈ ગયો છું

પાછો.

કયારેય નહોતો

એવો અશસ્ત્ર

થઈ ગયો છું.

કરુણાર્દ્ર માતાનું

સદ્યસ્મરણ

મને કેમ થઈ આવે છે?

જન્મક્ષણે હતો

એવો જ હું

વિવસ્ત્ર

થઈ ગયો છું,

ત્યારે;

પ્રિયે, માતા પેઠે વસન અમને આપ ધરશો?

ફરી પાછી ભાષા અવશ કરનારી શીખવશો?

મરેલાં મત્સ્યોને સજીવન કરી, એ જ જળમાં

ધકેલીને પાછાં, અવિરત તરે, એમ કરશો?

ફરી એ સૌ શાને? પુનરપિ, વળી, એ જ ક્રમમાં?

તડાકે તોડું આ વિકટ સરખાં બંધન..., તદા,

નહીં દોરાયેલાં, પણ, સમયના ભાવિ પટ પે

હવે અંકાનારાં, વિધવિધ બધાં ચિત્ર ઊપસે:

કુરરી પક્ષિણી જેમ ચિત્કાર કરતી,

બાણથી વીંધાવાના ભયથી

વ્યાકુલ હરિણી જેમ દોડતી,

અશોક વૃક્ષ પાસે થોભતી;

આમ છતાં શોકરહિત અવસ્થા

ન પ્રાપ્ત થતાં, ખિન્ન બનતી;

અંગ પર અર્ધવસ્ત્ર હાવાથી

લજ્જા અનુભવતી;

વયોવૃદ્ધ એવા ગિરિવરને

ઊર્ધ્વશિખરનાં નેત્રોથી

ચોપાસ જોવા વીનવતી;

ઋષિગણ પાસે જલ્પતી;

અગ્નિ જેવા વિરહથી દગ્ધ એવી

આ...

આ તો ભીમક્તનયા...

હૃદયદ્વિતી...

જોઈ શકાશે વિજનવન મધ્યે

ભયવ્યાકુલને આમતેમ અટવાતી?

છેદી શકાશે આ રમણીય વસ્ત્રને?

ક્યારેય નહોતો એવો

હું અશસ્ત્ર થઈ ગયો છું.

અને આ...

ઉછંગે જેના હું શિશુવત રમી, યૌવન વિશે

થયો સ્વામી, તે આ નિષધનગરી –વત્સલપ્રિયા–

દિનાન્તે યુદ્ધાન્તે રણભૂમિ પરે, પુત્ર-પતિનાં

શબો પામી, નારી જડવત બને, એમ મૂઢ છે;

દિશાનાં વસ્ત્રોમાં પરિચિત હતું, એય ગૂઢ છે.

અપરિચિત વન્ય પુષ્પોની

પરિચિત થવા પ્રયત્ન કરતી

તીવ્ર ગંધ જેવા આ સંબંધ -

અલ્પશ્રવા ને પાછા અંધ.

*

અરણ્યમાંનું સળગાવાયેલું એક વૃક્ષ,

કેવળ નૈકટ્યને લીધે,

અન્ય વૃક્ષને સળગાવે

એવા આ સંબંધ –

અલ્પશ્રદ્ધા ને પાછા અંધ.

*

આમ, હરિતવર્ણ અરણ્યને

નૈકટ્યનો શાપ

ભસ્મીભૂત કરે

એ પહેલાં –

દાંત ભીડી,

મુઠ્ઠી વાળી,

નાસી છૂટું

નાસી છૂટું ક્યાંક.

*

ત્યજું મ્હોરેલી આ નગરી, કુમળી વેલ; બળતી

ત્વચાથી બાળું એ પ્રથમ, સઘળાંને ત્યજી દઉં.

સ્વીકારું છાપેલું બૃહદ-ગુરુ એકાંત અ-ચલ,

ભલે એના ડંખે – અનલવિષથી – ના રહું નલ.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989