arambho karnanun shraddh! - Khandkavya | RekhtaGujarati

આરંભો કર્ણનું શ્રાદ્ધ!

arambho karnanun shraddh!

પ્રેમશંકર હ. ભટ્ટ પ્રેમશંકર હ. ભટ્ટ
આરંભો કર્ણનું શ્રાદ્ધ!
પ્રેમશંકર હ. ભટ્ટ

સંધ્યાનો ઉતરે ઓળો, કાળો, ઘોર, વિહામણો;

કુરુક્ષેત્રે સ્ત્રીઓ કેરો ક્રન્દન ધ્વનિ ગાજતો.

લીંપાણી ધરતીકાયા રક્તથી માનવી તણા,

હય, હસ્તી, મનુષ્યોનાં ચૂથતાં શબ ગીધડાં.

હાહાકારે રહ્યું કાંપી વ્યોમ નિસ્તબ્ધ, નીરવ;

કાલિમા ઘૂંટીને ઓઢ્યો દિશાએ શ્યામ અંચલ.

નિઃસાસા, ડૂસકાં, અશ્રુ, હૈયાને ચીરતાં સ્વર;

સાંભળે સ્તબ્ધ ઊભેલા શોકમગ્ન યુધિષ્ઠિર.

અઢાર અક્ષૌહિણી સૈન્યનો ક્ષય,

થયા પછી વરિયો મને જય!

માતા બની કૈંક હવાં અપુત્રા,

ને કૈંકના કંથ રણે ઢળ્યા હ્યાં.

પ્રચંડ, જોધાર, હજાર જિંદગી,

ફાટી પડી શી જળબુદ્બુદો બની!

ઉત્તરા ખંડિત શોકમૂર્તિ,

ગાંધારીની કેવી અસહ્ય આર્તિ?

ને દ્રૌપદીનાં શિશુ સર્વનો વધ,

સંહારના સત્રનું કેવું ફળ?

આષાઢી આભ ગોરંભ્યા પળમાં રાજવીઉરે,

વીજળી ઝમકી જાણે દેખાડે નિજ ભૂતને.

શસ્ત્ર સામે વીંઝ્યાં શસ્ત્રો, પોષ્યું વેરથી વેરને;

મંગલ જિંદગીપાત્રે, ઘૂંટ્યું કાયમ ઝેરને.

જે વિધે પોથીમાં ચિત્રો એક એક થતાં છતાં,

તે વિધે નેત્રની સામે દૃશ્યો ધર્મ નિહાળતા.

તે દિ હતા સર્વ કુમાર નાનડા,

યુવાનીને ઉંબર પાય માંડતા;

સ્વપ્નો તણું અંજન આંખ આંજી,

બાહુબલે સર્વ રહંત ગાજી.

કુટુંબનીડે શિશુ–પંખી જેવાં,

કલ્લોલતા સર્વ કુમાર કેવા?

ન્હોતો તદા કૌરવપાંડુ કેરો,

વૈરાગ્નિ હૈયામહીં ઊદ્ભવેલો.

કૂંળી કળી શો સુખી બાલ્યકાળ,

કોણે દહ્યો રે, ધરી અગ્નિઝાળ?

કૌરવો-પાંડવો વચ્ચે શસ્ત્રસ્પર્ધા પ્રયોજીને,

દ્રોણાચાર્ય રહ્યા ઝંખી પોતાના બહુમાનને.

સ્પર્ધામાં અર્જુને શ્રેષ્ઠ કેવું નૈપુણ્ય દાખવ્યું?

ઝંખાયા કૌરવો સર્વ, ભીમનું હાસ્ય ગાજતું!

બદલે પોથીનું પૃષ્ઠ, નિરખે નેત્ર કો નવા

ચિત્રને રંગરેખાથી હૂબહૂ બહુ ઓપતા.

ધનુષ્ય શોભતું હસ્તે, કુંડળો કર્ણમાં ઝગે,

વીરમુદ્રા ધરી ભવ્ય આવે કોણ સભાસ્થળે?

આવી એણે મેઘગંભીર નાદ

કીધો, સ્પર્ધા દાખવો, પાડું સાદ!

બોલી એવું શસ્ત્રને સજ્જ કીધાં,

સૌ વીરોનાં માનને મૉડી દીધાં!

ચાતુર્ય દાખવી દ્રોણે, તેજોવધ કર્યો તવ

વીરનો, પ્રશ્ન પૂછીને તીક્ષ્ણ કો શસ્ત્રના સમ.

કહે કૉણ પિતા તારા? નામ શું તવ વંશનું?

રાધાએ જે ઉછેરેલો દાસીપુત્ર કર્ણ તું?

ભવ્ય ક્યાં ભાનુનું તેજ? દીવો તેજવિહીન ક્યાં?

રાજપુત્ર સહે શોભે સારથિપુત્ર યુદ્ધમાં?

વેણે વેણે નેણ એનાં ભભૂક્યાં

અંગેઅંગે વીજવાજી વછૂટ્યા.

કંપે કાયા, અંગ રોમાંચ થાય;

ને ગર્જન્તો શબ્દ સંભળાય!

રણક્ષેત્રે વીરો કેરું ગૌરવ કુલથી વધે,

વીરતા કોઈ કાળે યે હીન જન્મથી ના ઘટે.

રે, જન્મથી કોઈ હીન, ઉચ્ચ;

જન્મથી કોઈ પવિત્ર, તુચ્છ.

જયશ્રી જ્યારે વરમાળ રોપતી,

જન્મ, કિંતુ નરવીર પેખતી!

કલંક ગાઢું કુલહીનતાનું,

નીરથી પૌરુષનાં ભૂંસાતું?

કર્ણનાં સાંભળી વેણો અટ્ટહાસ્ય મેં કર્યું,

અવમાની ભીમે એને ઘાવમાં લુણને ભર્યું.

તારો કરૂં હું મદ સર્વ ચૂર્ણ

પરંતુ તું સારથિપુત્ર, શૂદ્ર!

લડે મૃગાધિપ શું શ્વાન સાથે?

શસ્ત્ર, તું ચાબુક ધાર હાથે!

સદ્ય દુર્યોધને આવી અંગાધિરાજનું પદ,

કર્ણને અર્પિયું હોંશે, અમારો મૉડવા મદ.

હાડેહાડ ગયું કૂંપી, વેરનું બીજ તે દિ’થી,

વૃક્ષરૂપે ધીમે ધીમે અડાબીડ ગયું વધી.

* * *

સંધ્યા ધીમે રજનીતિમિરે ડૂબીને લુપ્ત થાય,

ઝાંખો, આછો ટમટમ થતો તારકોનો ઉજાસ.

આઘે ઊભાં તરૂવર બધાં સ્તબ્ધ, કાલિંદીનીર

વ્હેતાં જીલી સ્વર રૂદનના મૂંગું રૂવે સમીર.

રાજાના ઉરથી ઊન્હા નિઃશ્વાસો ઊભરાય છે,

મ્હોં પરે ભાવની છાયા આછી શી બદલાય છે.

રણાંગણો નેત્રથી લુપ્ત થાય,

પાંચાલમાં પાંડવપાય ધાય!

બાજી રહ્યો મંડપ લગ્નૉબતે,

પોતે હતા વિપ્ર તણી સૉબતે.

આવ્યા હતા રાજવી દેશદેશના,

સ્વયંવરે તે દિન યાજ્ઞસેનીના,

ઊઠી ઊઠી, સૌ મથતાજ વીંધવા,

ઘૂમી રહ્યું મત્સ્ય, કોઈ ફાવતા!

મત્સ્યને વેધવા જ્યારે રાજા કોઈ સમર્થ ના,

ડગલાં માંડતો કર્ણ, વીરશ્રેષ્ઠ છટાભર્યાં.

યાજ્ઞાસેની રહે ન્યાળી, ઔત્સુક્ય નયને ધરી!

નિહાળી કર્ણને એના મુખભાવ જતાં ફરી

કર્ણ છે પુત્ર દાસીનો, એને હું વરું કદિ,

સૂતપુત્ર તણો હસ્ત રાજપુત્રી ગ્રહે નહિ.

વચનો યાજ્ઞસેનીનાં હૈયાને શતધા વીંધે,

કર્ણના ચિત્તને ઉગ્ર મંથનાગ્નિ ગ્રસી રહે.

રે, જન્મથી હીન સદૈવ સૃષ્ટિમાં,

ડૂબી જતાં શું અપમાનવૃષ્ટિમાં?

ભર્યું ભર્યું જીવનપાત્ર અમૃતે,

શું નીચેને ઝેર માત્ર અર્પશે?

વજ્રપ્રહારો વિધિ ક્રૂર હાથે,

ઝીંક્યે જતી શું કુલહીન માથે?

પીડિત, પાપી, અઘમોનું વૃંદ,

થશે બંધનથી વિમુક્ત?

વજ્રપાત થયે જેવું મહાવૃક્ષ જતું બળી,

આઘાતે કર્ણના તેવું સ્વાસ્થ્ય સર્વ લીધું હરી.

આવીને આસને બેઠો, નિશ્ચલ, જડ, દુર્બલ;

હસે આખી સભા, સાથે ગુપ્તવેશે પાંડવ.

વેરના અગ્નિમાં હોમી કટાક્ષો, વેણ તોછડાં,

અપમાનો તણું આજ્ય, સંવર્ધી અમે રહ્યાં.

હૈયામાં ધર્મરાજાના વેદના વધતી જતી,

વ્યોમમાં નિરખે શૂન્ય ચંદ્રવિહીન શર્વરી.

રાત્રિની કાલિમા જેવું દૃશ્ય કો સ્મરણે ચઢે,

અંભોધિ રાજવીચિત્તે દુઃખનો ફરી ઊછળે.

દ્યુતના ફેંકીને પાસા, શકુનિ હરખાય છે;

હારેલા પાંડવો ન્યાળી, હર્ષનો ધ્વનિ થાય છે.

એક એક કરી હાર્યા, ધર્મ ચારે સહોદર,

પછીથી જાત પોતાની, હાર્યા દ્રૌપદી છેવટ.

હર્ષ દુર્યોધનનો સમાય,

ને પાંડવો મસ્તક ઢાળી જાય.

રે, અટ્ટહાસ કરી કર્ણ રહંત ગાજી,

પાંચાલીને આજ બનાવું દાસી

મારું સ્વયંવર મહીં અપમાન કીધું,

દૈવે બધું મૂલ્ય ચુકાવી દીધું!

જાઓ ગ્રહી કેશ, કરો ખડી અહીં,

દાસી છે,

દાસી છે સર્વ સભાજનો તણી!

પ્રકીર્ણકેશી, પતિતાર્ધવસ્ત્ર,

વદી રહી દ્રૌપદી કંપમાના;

પરસ્ત્રી છું, છું વળી હું રજસ્વલા,

ખેંચશો વસ્ત્ર, હું એકવસ્ત્રા!

પ્રચંડ હાસ્યધ્વનિમાંહી વેણો

ડૂબાવી, ક્રોધાગ્નિભરેલ નેણો

ઘૂમાવીને, કર્ણ વદંત વાણી,

હોયે વિવસ્ત્ર કદિ પાંડવ કેરી રાણી,

હૈયે મને ક્ષોભ જરી નહિ થતો,

વૈરાગ્નિ તો વેરથી માત્રા તર્પતો!

વેરથી દગ્ધ કર્ણે પ્રેર્યો કૌરવપક્ષને,

યુદ્ધયજ્ઞે દીધું હોમી શત્રુસૈન્ય સમસ્તને.

વૈરાગ્નિ વેરથી ક્યાં યે થતો શાંત હશે કદિ!

નિબીડ વન શું આખો કુરુવંશ ગયો જલી.

હોત જો કૌરવ સંગ કર્ણ,

ના પેટાયું હોત સંહારસત્ર.

અમે કો દિ વીરતા પિછાની,

સદૈવ એની કુલહીનતાની,

હાંસી ઉડાવી, વખ ઘોર વાવી,

અંકુરને વૃક્ષ દીધું બનાવી.

* * *

અસહ્ય વેદના પામી, પૂર્વાકાશે નિહાળતાં,

કાલિમા ઘટતી, ભાસી અરુણોદયરક્તિમા.

દુઃખાર્તા, ભગ્ન, કંપિતા, શ્યામવસ્ત્ર પરિવૃતા,

અશ્રુને રોધતાં કુંતા, યુધિષ્ઠિર કને જતાં.

રોધીને શોક હૈયામાં, આરંભો શ્રાદ્ધ સત્વર,

પ્રથમ કર્ણનું, તારો હતો જ્યેષ્ઠ ભ્રાતર!

સ્રોત

  • પુસ્તક : તીર્થોદક (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : પ્રેમશંકર હ. ભટ્ટ
  • પ્રકાશક : સી. શાંતિલાલ એન્ડ કંપની