gujrat koni? - kavitaayen | RekhtaGujarati

ગુજરાત કોની?

gujrat koni?

નર્મદ નર્મદ
ગુજરાત કોની?
નર્મદ

કોની કોની છે ગુજરાત?

ઉગ્રસેન રામ કૃષ્ણ સાત્યકી યાદવ જ્યાં સઉ વિરાજતા;

જ્યાં બ્રાહ્મણ ને રજપૂત ઝાઝા ઇશને અર્થે ઝૂઝયા હતા,

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

બુદ્ધ જૈનના ઘૂમ્યા વાદ જ્યાં મ્લેચ્છોસું શિલાદિત્ય લડ્યો;

ભૂવડસું વળી જયશિખરી જ્યાં જુદ્ધ પરાક્રમ દાખી પડ્યો.

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

વળી રાજ્યનો રંગધ્વજ જ્યાં છસેંક વર્ષલગી ઊઠ્યો;-

સરસ્વતી ને સેનાનીએ રંગ દાખવ્યો છે રૂડો.

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

કર્યું ધામ જ્યાં મુસલમાને નિજ રાજ્યનું વળી રૂડું;

મધ્યે આવ્યાને બ્હાને તે માની લે છે માન વડું.

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

રે જ્યાં કીધો કોપ કાળીએ રાજ્ય થયું ખંડેર ભૂંડું;

વળી રાજ્ય જ્યાં દખણીકેરૂં ઠાઠે દીપે કંઈક રૂડું.

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

વળી પુરાતન પ્રસિદ્ધ જગમાં ભૃગુનો આશ્રમ જ્યાં જોયો;

વળી રંગ જ્યાં જનવસ્તુનો બંદરને નાકે સોયો.

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

છે અંગરેજી રાજ્યતણું જે ધામ મુખ્ય પશ્ચિમ ભણી-

જ્યાં ગુજરાતતણા જન વસિયા કો રે વેળા થોડી ઘણી.

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

જ્યાં રેવામહીકાંઠા શોભે હિન્દુ મુસલમાન રાજથકે;

વળી રાજ્ય રણની પેલીગમ જોય સિંધની લગોલગે.

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

વૃદ્ધનગર જેણે જોયાં સઉ ચડતાં પડતાં રાજ્ય ઠરી;

હજી જીવે છે શું જોવાને પ્રજા તણા ઢંગ રંગ વળી.

ત્યાંના લોકતણી શું કહેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

શું બ્રાહ્મણ ને વાણિયાકેરી શ્રાવક ને ભાટીયાકેરી;

ક્ષત્રી રજપૂત કણબીકેરી ભીલ અને કોળીકેરી.

બીજા શૂદ્રતણી શું કેવી?

ના ના ના રે નથી તેની;

ત્યારે કોની છે ગુજરાત?

પૂર્વજ જેના જે વળી આજે જન્મથકી ગુજરાતી વદ્યા;

કોઇ રીતની તોપણ ને વળી આર્યધર્મને રાખી રહ્યા.

તેની તેની છે ગુજરાત,

પછી હોય ગમે તે જાત;

તેની તેની છે ગુજરાત.

વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા;

પરધર્મી પણ હિત ઇચ્છનારા માતતણું જે ભાઇ ઠર્યા.

તેની તેની છે ગુજરાત,

પછી હોય ગમે તે જાત;

તેની તેની છે ગુજરાત.

નર્મદ કે’ ગુજરાતી ભાઇયો માતને અર્થે સંપ ધરે;

ખંત બંધન તોડી રણે સઉ ઝૂઝી જયસુખ જમે ભરે.

પ્રેમ શૌર્યને કરી પ્રખ્યાત,

તે તે સઉની છે ગુજરાત;

તે તે સઉની છે ગુજરાત.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023