manohar murti - kavitaayen | RekhtaGujarati

મનોહર મૂર્તિ

manohar murti

કાન્ત કાન્ત
મનોહર મૂર્તિ
કાન્ત

(કવ્વાલી)

દેવે દીધી દયા કરી કેવી મને,

અહા! મૂર્તિ મનોહર માશૂકની

નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી

મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!

નયને કંઈ નૂર નવું ચલકે,

વદને નવી વત્સલતા ઝલકે;

સખી! એક તું ગમતી ખલકે

મને, મૂર્તિ મનોહર માશૂકની!

શિરકેશ સુકોમલ સોહી રહ્યાં,

સ્મિત જોઈને તારક મોહી રહ્યાં;

કામધેનુ શી બાલક દોહી રહ્યાં

તને, મૂર્તિ મનોહર માશૂકની!

હૃદયે શુભ, ઉજ્જવલ ભાવ ભરોઃ

પ્રણયામૃતની પ્રિય ધાર ધરોઃ

સહચાર મહીં ભવ પાર તરો,

સખી! મૂર્તિ મનોહર માશૂકની!

નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી

મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!

દેવે દીધી દયા કરી દેવી મને,

અહા! મૂર્તિ મનોહર માશૂકની!

(નવેમ્બર -૧૯૧૭)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000