nawyauwana - kavitaayen | RekhtaGujarati

કોઈ ક્હેશો

તે શા વિચાર કરતી હતી?

મધ્યાહ્ન હતો.

સૃષ્ટિને સેંથે સૂર્ય વિરાજતો.

આસપાસનું ઊંડું આકાશ .

નીલઘેરું ને નિર્મળ હતું.

ક્ષિતિજ ઉપર જલભર પયોદ,

વિશ્વનાટકના પડદા જેવાં,

અદ્ધર સરતાં, પડતાં,

ને ધીમેથી ઊપડતાં.

મધ્યાહ્ન ખીલેલો ને નિર્જન હતો.

સન્મુખ સાગર લહરતો:

જાણે આકાશ ઉતારી પાથર્યું!

જલ ઉપર કિરણ રમતાં,

રૂપાની રેખાઓ દોરતાં,

હસી, હસી, મીટ મટમટાવતાં,

ને ઊડી ઊડી જતાં રહેતાં.

સાગરનો વિશાલ પલવટ

મધ્યાહ્નમાં પલપલતો હતો.

ઋતુ વર્ષા હતી,

ને વર્ષાની તે શરદમંજરી હતી.

કિનારા લીલા ને પ્રસન્ન હતા.

ધરા આંખ ઠારતી.

વિધિનું ચીતરેલ ચિત્ર હોય,

સૃષ્ટિ ત્હેવી કદી સ્થિર ભાસતી.

કાલે મેઘ વરસી ગયો હતો:

આજ પદાર્થો પર જલનો રંગ ચમકતો.

ભીની તેજસ્વિની લીલાશ

દિશદિશમાં પ્રસન્નતાથી પ્રકાશતી.

આછાં તેજ અને અન્ધકાર

પાંદડાંમાં સન્તાકૂકડી રમતાં.

આધા સાગર ઉપરથી

શીતલ અનિલ આવતા.

સૃજનને સૂર્ય ઉષ્મા દેતો,

અગ્નિને અનિલ આવરી લેતા.

સકલ સૃજન અવકાશ ભરી

ઉષ્મા ને શીતળતાની ઊર્મિઓ ઉછળતી.

ગરુડના માળા જેવી

અન્તરિક્ષે એક અટારી લટકતી.

મહીં આરસના પાટ માંડેલા હતા.

ભ્રૂકુટિ-કોતરેલ કમાન નીચે

નમેલી રસભર વેલી સમી

એક યૌવના ઝૂકેલી હતી.

તુલસીના છોડ સરિખડા આસપાસ

સખિઓ શા પડછાયા રમતા.

ઉપર દ્રાક્ષનો ઝૂમખો ઝઝૂમતો.

સુન્દરીનાં સુન્દર નયનો

સાગરના આઘ ઓળંગતાં.

ગુલાબની પાંદડીઓ જેવાં ચરણ

આરસમાં ગુલાબ પાડતાં.

જમણા કરમાં મોગરાની માળા હતી.

સુકુમાર પ્રભાતરંગી સાળુમાંથી

અમૃતના સરોવર સરખો દેહ

અને તેજસ્વી કરનો કમલદંડ

હથેળીનું પુષ્પ પ્રફુલ્લી આપવા આવતા.

અંગે અનંગની ભસ્મ ચોળી હતી.

મુખડે કવિઓની કવિતા પ્રકાશતી,

કીકીઓમાં સ્વપ્ન સ્ફુરતાં,

પાંદડી જેવાં પોપચાં ફરકતાં,

હૈયું ભરેલું ને વિશાળ હતું.

વિધિદિધેલ રત્ન સમો

ભાલદેશે ચન્દ્રક રાજતો.

અંગ અંગ ફૂલ ફોરતાં.

કોકિલ ડાળે બેસે ને દીપે,

તેમ રમણી નિજ કુંજે શોભતી.

અલૌકિકરંગી ઇન્દ્રચાપ જેવી

જગત ઉપર તે નમેલી હતી.

તે યૌવના શા વિચાર કરતી?

ચાંદનીના ઢગલા જેવું

શ્વેત ન્હાનકડું હરણનું બચ્ચું

નીચે રૂપાની સાંકળે બાંધેલું હતું.

યૌવના શું વિચારતી?

પ્રાણની ભરતી લોચનમાં ડોલતી.

મધ્યાહ્નનાં તેજ વિલોકતી?

જલના રંગ આલોચતી?

સાગરનાં તલ નિહાળતી?

અસીમ જલરેખાઓ વીંધી વીધી

સ્હામી પારનો સંગમ શોધતી?

ગુલાબની અંજિલ જેવું મુખડું,

મહીં આકાશના અણુ જેવાં નયન:

આછી ઉષાના ઓજસનું અંગ હતું.

યૌવના શાં ઇન્દ્રજાળ જોતી?

એક વાદળી આવી:

મહાનૌકાના મહિમાવતી

દૂરથી એક વાદળી આવી.

સૃષ્ટિ ઉપર પાલવ પાથરતી-સંકેલતી

તેજછાયાની રમત રમતી રમતી

યૌવનાને વદન અડકી ગઇ.

કોઈ - કોઈ ક્હેશો,

તે નવયૌવના શું વિચારતી હતી?

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002