mahri majehmathi ansh - kavitaayen | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

'માહરી મજેહ'માંથી અંશ

mahri majehmathi ansh

જમશેદજી નશરવાનજી પીતીત જમશેદજી નશરવાનજી પીતીત
'માહરી મજેહ'માંથી અંશ
જમશેદજી નશરવાનજી પીતીત

રાતી સલી પર પારબતીને જોઉં,

વાંકી મરોડમાં ગુલછરીને જોઉં,

દમામમાં ઓવલીને ઉભેલી જોઉં,

ખીચોખીચ બેઠેલી ચંપેલી જોઉં,

ઠારે ઠાર ગોલાબને વેરાતો જોઉં,

આવે ત્યારે વ્હાલું વતન મહને યાદ.

એક વાર જે દિપતું તે આજે ખુવાર!

એક વાર જે ખીલતું તે આજે નાચાર!

મારતું જે એક વેળા મોહટાઈ–પોકાર,

દરાખના ઝુમખામાં કરતું જે લાડ,

તેજ આજે બન્યું હાડમાર ને નાચાર.

લખાયો જે ભૂમીમાં અવસ્તા ઝંદ,

પૂજાયો જે ભૂમીમાં સૂર્ય બુલંદ,

તુટ્યા જે ભૂમીમાં દેવોના બંદ,

મટ્યા જે ભૂમીમાં હેરેમંદી ફંદ,

ફસકઈને પડી તે ભાગી ને ભંગ.

વેહતાં પાણીઓની પ્રથમ સેતા’શ

જે ભૂમીમાં થઈ, તે આજે ખુવાર.

ઘુંમતા ગહરેઓના ગોલા તરફ,

અત્યંત ખુશીમાં અચરતી–ચશમ,

પ્રથમ જે ભૂમીમાં ઉપર ફેંકઈ,

તેજ આજે પટકઈને પડી નાચાર.

મરાયા જે ભૂમીમાં રૂસ્તમને હાથ,

માજનદ્રાની દેવો, નજીસ ને નાપાક,

થઈ આજે તે દેવના દોરથી તારાજ,

બેહશ્ત હતું એકવાર, તે દોજખ છે આજ!

કરતા જે કાફલાની શેહનશાહ નકલ,

આજે તેના દરિયામાં રશ્યાનું બળ.

ધુજાવતો ધમકથી રૂસ્તમ જમીન,

આજે ત્યાં તેવો નહિ નસર-ઉદ-દીન.

તાબે કીધી સાયરસે ફરતી જમીન,

જહવેર પર બેઠો આજ નસર-ઉદ-દીન.

ઇરાન! ઇરાન! હમજાતનાં વતન!

જલેછ તાહરી જુદાઈમાં તન અને મન!

થયો ક્યાં ગુમ તાહરો દોર ને દમામ?

દમામ ખોઈ થયું તું અંતે નનામ!

ટકી તું કેમ રહે જ્યાં કિસમતની ખામ?

કિસમતના લેખ આગલ આવે શું કામ?

આવે ક્યારે એવો એક જીંદગીમાં દન,

કે લેઉં તાહરી ભૂમીનાં હેતે દર્શન!

આગલી તાહરી કીર્તિનાં હૈયાત બદન–

કોતરેલા ગોફા–દેખાડતા ઘડપણ,

જંગલ ને ઝાડીથી થયલા બતંગ,

જોવા મલે ત્યારે મહને પ્રસંગ.

ભાગાં તેમનાં તનમાં ધુજતા ઝરા,

લાગે માહરી આંખ અંદર રડતા ખરા,

લાગે ત્યારે તેઓ પટકઈને પડતા,

બેશુદ્ધ થઈ જમીને ઢલી જતા,

ગુમ થયલા દમામની યાદમાં રડતા,

ને પોકારી આંસું એવું કહેતા

કે “કરતા જે જગે નેક પાદશાહો રાજ,

ત્યાં કોહલાં ને વાગલાંઓ ભટકે છે આજ.”

જે પથ્થરની કાયાના સંગીન પહેલવાન–

થી પામતાં’તાં જે ઘાસો પગથી દબાણ,

તેજ ખુદ પેહલવાનનાં પુતલાં ઉપર,

સરકશીથી ઉંચક્યાંછ તેઓએ સર.

પણ ખોદાઈ ઇનસાફ નથી તેઓથી દૂર,

જે ફકાડેછ તેઓને સજાથી ધુર.

હુન્નરથી કોતરેલા જબરદસ્ત પાહન–

માં તેમનાં બદન બહુ થાય છે હેરાન;

કુદરતની ન્યામત–બેમૂલ પાણી–વન,

જરદ તેમના ચેહરા, ને સુકેલાં તન.

સ્રોત

  • પુસ્તક : માહરી મજેહ તથા બીજી કવિતાઓ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : જમશેદજી નશરવાનજી પીતીત
  • સંપાદક : જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રી
  • પ્રકાશક : શ્રી જ. ન. પીતીત પારસી ઑસ્ફનેજ કેપ્ટન પ્રિન્ટિંગ પ્રેસ
  • વર્ષ : 1892