Dagalun bharyun ke na hathwun na hathwun - kavitaayen | RekhtaGujarati

ડગલું ભર્યું કે ના હઠવૂં ના હઠવૂં

Dagalun bharyun ke na hathwun na hathwun

નર્મદ નર્મદ
ડગલું ભર્યું કે ના હઠવૂં ના હઠવૂં
નર્મદ

ડગલું ભર્યું કે ના હઠવૂં ના હઠવૂં;

વેણ કહાડયું ના લટવૂં ના લટવૂં. ટેક.

સમજીને તો પગલૂં મુકવું, મૂકીને ના બ્હીવું;

જવાય જો નહિ આગળ તોયે, ફરી પાછું લેવું. ડગલું

સંકટ મ્હોટું આવી પડતે, મ્હોડું કરયું વ્હીલૂં;

કળે બળે ખુબ લડવું પણ ના કરવું ફરવા ઊંચું. ડગલું

જ્યાં ઉભા ત્યાં ચોંટી રહિને, વચન લેવૂં સબળું;

આભ પડો કે પૃથ્વી ફાટો, તેાય કરીયે નબળું.ડગલું

ફતેહ કરીને આગળ વધશૂં, અથવા અહીંયાં મરશૂં;

પણ લીધેલું તે પાળીશૂં, રે વજ્જરનું કરશૂં. ડગલું

તજી હામ ને ઠામ મૂકવા, ખૂણા જે કો ખોળે;

ધિ:ક કાયર તે અપજસ રૂપી ખાળકુંડીમાં બોળે. ડગલું

ન્હાસી જાતાં હસે શત્રુઓ, સાથી ફિટ કહિ ક્હાડે;

બ્હીકણ બાયલા નામર્દાએ, નામ મળે ઉપાડે. ડગલું

પોતાના પસ્તાવા થાયે, જખ મારીરે ભારે;

મુવા નહીં કાં કરી પરાક્રમ, રણે ઉઠાવ્યું. જ્યારે. ડગલું

શૂરવીર તે જશનો લોભી, હિંમત મદિરા પીયે;

ઉમંગથી તે ધસી ધસી વધે વા, ખૂબ ટકાવી રાખે.ડગલું

ભણી ગણી જન પુખ્ત વિચારે, પાયા નાખે મજબૂત;

કો કાળે પણ જશ મોટો લે, નર્મદ કેરૂં સાબૂત. ડગલું

સ્રોત

  • પુસ્તક : પદ્ય સંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી
  • વર્ષ : 1927