manekaDun - Kavit | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાળિયો કુંભાર, ઘેર ગધેડાં છે બાર,

એમાં એક છેક અડિયલ માણેકડું નામનું;

ખડ ખૂબ ખાય તોય ભાર ઊંચકાય નહિ,

કાળિયાને લાગે નહીં કદી કશા કામનું.

કાળિયો બિચારો કોટિ ઉપાય વિચારે, ડીફાં

દસવીસ મારે, પણ માને જડ જાત રે?

આખર ઉપાય મળ્યો એક અચાનક જ્યારે

ગાજર દેખીને દોડ્યું માણેકડું ખેતરે!

લાંબી એક લાકડીને માણેકની પીઠે બાંધી,

લટકાવી દીધાં ચાર ગાજર જ્યાં મોખરે,

લાલચે લોભાઈ દોડે માણેક બિચારું હવે,

રોજ ખેંચે બોજ, પામે ગાજર ના એક રે!

કાળિયાની જુગતીથી લોક બહુ રાજી થાય,

વિમાસું હું માણેકનું દેખી મોં દયામણું.

આપણે દોડી રહ્યા ગાજરની લાલચે જ?

કોકે લટકાવ્યું સામે સપનું સોહામણું!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 324)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004