Jalad Nu Jal Joi - Kavit | RekhtaGujarati

જળદનું જળ જોઈ

Jalad Nu Jal Joi

દલપતરામ દલપતરામ
જળદનું જળ જોઈ
દલપતરામ

જળદનું જળ જોઈ જવાસો પ્રજળી જાય,

ભાનુનો આભાસ ભાળી ઘૂડ ગભરાય છે;

સિંહનાં સંતાન દેખી હરણ હબક ખાય,

તારર્ક્ષ્ય-પ્રતાપ પેખી સાપ સંકોચાય છે.

ચઢેલો ચકોર-મિત્ર દેખી દલપત કહે,

ચોર ને ખચીત ચિત્ત ચટપટી થાય છે;

સોક્યનાં સંતાન દેખી સોક્યનું સુકાય તન,

સુકવિની કવિતાથી કુકવિ સુકાય છે.

રસપ્રદ તથ્યો

તારર્ક્ષ્ય = ગરૂડ, ચકોર-મિત્ર = ચંદ્ર

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002