Vaibhav dekhi rizavu nahi ('Vencharitra'mathi) - Katha-kavya | RekhtaGujarati

વૈભવ દેખી રીઝાવું નહિ ('વેનચરિત્ર'માંથી)

Vaibhav dekhi rizavu nahi ('Vencharitra'mathi)

દલપતરામ દલપતરામ
વૈભવ દેખી રીઝાવું નહિ ('વેનચરિત્ર'માંથી)
દલપતરામ

(ભુજંગી છંદ)

કહે શું થયું જો ઘણું તું કમાયો;

કહે શું થયું પૂર્ણ પૈસો જમાયો;

અરે અંતકાળે જવું ઉછળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

ઉંચા વાસ ચોખ્ખા ચુનાથી ચણાવ્યા,

તજી સર્વ તે સ્વર્ગ વાટે સિધાવ્યા;

વડા વાસ જોવા આવ્યા વળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

હીરા મોતીના હાર હૈયે ધરીને,

સદા શોભતા જે ગયા તે મરીને;

બની રાખ તેની ચિતામાં બળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને,

જીતી જુદ્ધમાં રાજ જેણે જમાવ્યાં,

મહા શત્રુનાં શીશ નીચાં નમાવ્યાં;

પડ્યા તે પ્રતાપી ધરામાં ઢળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

રાચીશ તું પુત્ર પૌત્રાદિ પામી,

રાચીશ સૌની લઈને સલામી;

રાચીશ કાયા અતિ ઉજળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

કદાપિ માનીશ જે દેહ મારો,

ટકીને રહ્યો જેહમાં જીવ તારો;

નકી જાણ ત્યાંથી જશે નીકળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

મહા સિંધુ સુધ્ધાનું બ્રહ્માંડ મોટું,

ખરેખાત જોતાં દિસે સર્વ ખોટું;

ટકેલું ભલું તે જવાનું ટળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

ઘણા વેગવાળી જુઓ કાળ ઘંટી,

બધું વિશ્વ તેમાં પડ્યું જેમ બંટી;

દમી મારશે દેહ સૌનો દળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

મચ્યા પ્રાણિયો સૌ રસાસ્વાદ માટે,

વડી આશથી વીચરે વાટ ઘાટે;

મરે છે જુઓ મસ્ત ગોળી ગળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

ઘણા ગર્વમાં તું ફરે જેમ ઘેલો,

દીસે શ્રાવણે સાંઢ માતો થએલો;

છકેલો ફરે શીદ સૌને છળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

થયું દ્રવ્ય ભેગું ગયું બાર વાટે,

દળે આંધળી ને વળી શ્વાન ચાટે;

અરે તોય સૂજે નહીં આંધળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

અરે જીવ જો તું તને આજ આમે,

દીધી દેશના શુદ્ધ દલપત્તરામે;

હવે સત્ય સંભાળ સાંભળીને,

રખે રીઝતો રિદ્ધિ સિદ્ધિ રળીને.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002