Sultan ane patel (kanabi) - Katha-kavya | RekhtaGujarati

સુલતાન અને પટેલ (કણબી)

Sultan ane patel (kanabi)

દલપતરામ દલપતરામ
સુલતાન અને પટેલ (કણબી)
દલપતરામ

(ચોપાઈ)

સાંભળ એક હતો સુલતાન, મનમાં મોટું ધરતો માન;

પુત્ર પટેલતણો તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ.

કરી ટુંકારો ઉચર્યો કામ, શિર નમાવી કરી સલામ;

ભાસ્યો નહિ ભોળાનો ભેદ, ક્રોધ કરીને કીધો કેદ.

ભૂખણ તેનો મોટો ભાઈ, ચાલ્યો સુણિ ચૉંપે ચિત્ત ચાઈ;

ધાર્યું જે ધીરજ મન ધરું, સલામ બેવડી સારી કરું.

દુંદાળો દીઠો સુલતાન, હરખે જૈ બોલ્યો હેવાન;

સલામ દિલ્લીના શાહને, વળી સલામ વડી દુંદને.

ખરેખરો સુણિ ઉપજ્યો ખેદ, કીધો તેને પણ ત્યાં કેદ;

બની વાત સુણિ તેનો બાપ, આવ્યો શાહ સમીપે આપ.

પ્રેમ ધરીને કરી પ્રણામ, ઠીક ઠરી બોલ્યો તે ઠામ;

લોકતણી તમ હાથે લાજ, માફ કરો અવગુણ મહારાજ.

શાહ કહે તારો સુત એક, સમજ્યો નહિ સલામ વિવેક;

મુખે સલામ બિજે કહિ મને, દુજી સલામ કહી દુંદને.

કારણ એથી કેદજ કર્યો, એવું પટેલ સુણી ઉચ્ચર્યો;

તમને સલામ કરી તેજ, મોટો મૂરખ માણસ એજ.

બીજો પણ છે બહુ બકનાર, ચિતમાં ચેતિ કર્યો વિચાર;

સાહિબને કરિએજ સલામ, કહોને દુંદતણું શું કામ.

હેતૂ તો સુલતાનજ હતા, દુંદે ધરવો તો દેવતા;

ઝાઝી સુણી લાગી ઝાળ, કેદ કર્યો તેને તતકાળ.

સુણિ પટેલતણો જે સગો, ભૂપતિ આગળ આવ્યો ભગો;

કરી સલામ કહ્યું તતકાળ, પટેલને છોડો ભૂપાળ

છે મારે સાંકડી સગાઈ, અમે બંને આંગળિયા ભાઈ;

રાજી થઈને પૂછે રાય, કેને આંગળિયા કહેવાય.

દેતો તો ઉત્તર દીવાન, હું કહું કહિ બોલ્યો હેવાન;

પાછ્યાનો મરી જાય પિતાય, પાછ્યાની મા નાત્રે જાય

પ્રસવે પુત્ર સુવાવડ ખાઈ, પાછ્યા આંગળિયા ભાઈ;

કાપત સુણિ માથું તે કાળ, હુકમ કર્યો જે પૂરો હાલ.

ચોરે ચકલે ચાલી વાત, જથે થઈ કણબીની જાત;

દીઠા બે જણ ડહાપણદાર, તેને ત્યાં કીધા તૈયાર.

સાહિબ પાસ તમે સાંચરી, કહો ઘણી આજીજી કરી;

જીવાડો તો તો જીવિયે, છેક તમારું છોરું છિયે.

પ્રજાતણા છો માતા પિતા, શબ્દ કહો એવા શોભિતા;

ચઢે દયા રાજાને ચિત્ત, પટેલ છૂટે પુત્ર સહિત.

(દોહરા)

જુગતી સુણિને બે જણા, અંતરમાં ધિર આશ;

આવ્યા અરજ ઉચારવા, પાદશાહની પાસ.

બીતા બીતા બે જણા, ઉચર્યા એવું આપ;

તમે અમારાં છોકરાં, અમે તમારા બાપ.

શબ્દ સુણી સુલતાન તે, ખીજી પામ્યો ખેદ;

હાલ હાલ હુકમે કરી, કીધા તેને કેદ.

કોઈએ વાત જઈ કહી, જ્યાં કણબીની જાત;

પ્રધાન પાસ ગયા પછી, નર જે કણબી જાત.

પ્રીતે કહી પ્રધાનને, વળિ વળિ વિગતે વાત;

પ્રધાન બોલ્યો પ્રેમથી, સુણો સહૂ સાક્ષાત.

અધિપતિ આવે અવસરે, માને નહિ મુજ વેણ;

બેગમ બોલે બે કથન, કાંઈક માને કેણ.

પછી બેગમ પાસે ગયા, કણબી કરી વિચાર;

પ્રણામ કરીને પ્રેમથી, એવો કર્યો ઉચાર.

સંકટ પડિયું સામટું, તે માટે તુજ પાસ;

આજ સરવ આવ્યા અમો, ઉગરવાની આશ.

ધણી અરજ નથી ધારતા, વાત સુણે વજીર;

તોય અમારી પ્યારિ તું, ધણિયાણી છું ધીર.

બોલી બેગમ બોલતાં, ભારે રીસ ભરાય;

કણબીની ધણિયાણી તો, કણબણને કહેવાય.

એમ કહી અવસરે, હુકમ કરીને હાલ;

કેદ કરાવ્યા કણબીને, ક્રોધ કરી તતકાળ.

વાત વિગતવારે કહી, પૃથ્વીપતિની પાસ;

પતિયે કહ્યું પ્રધાનને, કરશો નહીં કચાશ.

મૂરખ એવા માનવી, જે જે કણબી જાત;

મારી કાઢો મુલકથી, રહે એકે રાત.

(ચોપાઈ)

પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બોલ્યો શાહ હજૂર;

કણબિ આકરિ ચાકરિ કરે, કણ પકવી કોઠારો ભરે.

મને હુકમ આપો મહારાજ, કેને લૈ સોંપું કાજ;

પૃથ્વીપતી વિચારે પડ્યો, જન એકે એવો નહિ જડ્યો.

કરી શકે કણબીનાં કામ, હૈયામાં રાખીને હામ;

પછિ બોલ્યો પોતે પરધાન, કથન કથું તે ધારો કાન.

રૂડું કણબીથી છે રાજ, એમાં તો સંશે નહિ આજ;

અધિક વસે છે વરણ અઢાર, કણબી સૌના પોષણકાર.

નહિ તિથિ વણ મહિનાનું નામ, ગણાય નહિ કણબી વણગામ;

તે કણબીના ગુણ અતોલ, પણ બોલી નહિ જાણે બોલ.

રૂઠે કણબી શિર જે રાય, પછી ઘણા મનમાં પસ્તાય;

તમે તજો તે માટે રીસ, આપો કણબીને આશીશ.

શીતળ થયો સુણી સુલતાન, મેલ્યા કણબીને દૈ માન;

જમ્યા રમ્યા કણબી ઘર જઈ, મશકરિ તો મહીપતિની થઈ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002