tran paDoshi - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્રણ પાડોશી

tran paDoshi

સુન્દરમ્ સુન્દરમ્
ત્રણ પાડોશી
સુન્દરમ્

રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય,

શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય,

મંદિરની આરતી ટાણે રે,

વાજાના વાગવા ટાણે રે ,

લેાકાનાં જૂથ નિતે ઉભરાય.

એક ફળીનાં ત્રણ રહેવાશી: શેઠ ને બીજા રામ,

ત્રીજી માકોર બાઈ રાંડેલી, કોડી કને ના દામ,

લોકોનાં દળણાં દળતી રે.

પાણીડાં કો'કનાં ભરતી રે,

કાઢી ખાય રોટલો કરતી કામ. ૧૦

શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય,

રામનું મંદિર આરસબાંધ્યુ નિત ઝળાંઝળાં થાય,

ફળીના એક ખૂણામાં રે,

ગંધાતા કો’ક ખૂણામાં રે,

માકોરના મહેલ ઉભેલા સુણાય.

છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,

પાછલા પહેારની મીઠી ઊંઘની લેાક લેતું હેાય લહેર,

પહેલો જ્યાં કૂકડો બોલે રે.

જાગેલેા કૂકડો બોલે રે,

તૂટે માકોરની નીંદર સેર. ર૦

માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત,

ધાન લઈને દળવા બેસે, રામની માગી ઓથ,

ઘરેરાટ ઘંટી ગાજે રે,

ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,

ગાજે જેમ દુકાળિયાનું મોત.

*

ગેાકુળઆઠમ આજ હતી ને લેાક કરે ઉપવાસ,

માકોર ભૂખી રહી નકોરડી, કાયામાં ના રહ્યો સાસ,

મૂઠીભર ધાન બચાવા રે,

સીતાના રામ રિઝાવા રે,

પેટાવ્યો પેટમાં કાળહુતાશ. ૩૦

શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,

પારણાંમાં કાલ કરવા ભજિયાં દળવા આપી દાળ,

દળાતી દાળ તે આજે રે,

હવાયેલ દાળ તે આજે રે,

ઉઠાડે માકોરપેટ વરાળ.

અંગ થાકયું એનું આંચકા લેતું હૈડે હાંફ ના માય,

બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય,

દળી જો દાળ ના આપે રે,

શેઠે દમડી ના આપે રે,

બીજો ઉપવાસ માકોરને થાય. ૪૦

ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,

વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટી જાય,

ચણાની દાળ દળંતી રે,

માકોરની દેહ દળંતી રે,

ઘંટીના ઘેાર તહીં ઘેરાય.

અન્ન ખાતી તો અન્નનો દાણો દેતી ઘંટી આજ,

માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ,

હજી દાળ અરધી બાકી રે,

રહી ના રાત તો બાકી રે,

મથી મથી માકોર આવે વાજ. પ૦

શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર.

ભોમના ભાર ઉતારવા આજે જનમ્યા’તા કિરતાર,

પરોઢના જાગતા સાદે રે,

પંખીના મીઠડા નાદે રે,

ડૂબે માકોરનો ભૂખપોકાર.

શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ,

રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,

માકોરની મૂરછાટાણે રે,

ઘંટીના મોતના ગાણે રે,

કાળો એક કાગ કળેળે નિસાસ, ૬૦

(૪ જુલાઈ, ૧૯૩ર)

સ્રોત

  • પુસ્તક : કાવ્યમંગલા (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1933