sagalshani kasoti - Katha-kavya | RekhtaGujarati

સગાળશાની કસોટી

sagalshani kasoti

રતનદાસ રતનદાસ
સગાળશાની કસોટી
રતનદાસ

શેઠ સગાળશા સાધુને સેવે; વાણિયો પાળે વરત,

મળ્યા સાધુ, રહ્યા અપવાસી, તારવા આવ્યા તરત.

કૃષ્ણજી કોઢીલા થઈને રે રૂપ અતીતનું લઈને.

ચંગાવતીએ લીધાં ચરણામૃત ન્હવરાવીને નાથ,

પલંગ ઉપર પધરાવીને સ્વામી કીધા સનાથ.

ખાંતે ભોજન ખીરનાં કીધાં રે પીરસી આગળ દીધાં.

‘ખીર ને રોટલી તો નથી જમતા, નથી અન્નનો આહાર,

મહાજન! અમો માંસના આહારી,’ એમ કહે કિરતાર.

વચન તે બોલ્યા બાંધ્યું રે, સમજી લે ને સાધુ!

કસાઈવાડે જઈને માટી છુપાવી લાવ્યા સાધ,

ચંગાવતીએ માંસ સુધારી પિરસિયા પરસાદ.

વાસર ઢોળે નર ને નારી રે, 'જમો તમે, દેવમુરારિ!'

'માટી તો માણસની જોઈએ, પરમાટીનો નહિ આહાર,

અઘોરપંથી અમો કહેવાઈયે, ખેલિયે ખાંડાની ધાર.'

વાણિયા! વરત ફળિયાં રે આવી અવિનાશી મળિયા,

માગ્યૂ વેચાતૂં માણસ મળે, હઈયે મોંઘો મદાર,

ચંગાવતી ત્યાં એમ કહે, 'ચેલૈયાનો કરીએ સંહાર.

વાતું તો થાશે વશેકે રે, હશે શ્રી લાલને લેખે.'

'ભણતર મેલી ભાગ, ચેલૈયા! પાળ અમારી પ્રતીત,

માબાપ તારાં મારશે તુજને, આંગણ આવ્યો અતીત.

ધૂતારો ધૂતી જાશે રે પછી પસ્તાવો થાશે.'

'એ શૂં બોલ્યા, સ્વામી મારા? માવર મૂક્યાં ક્યમ જાય?

નવ મહિના જેણે ઉદરમાં રાખ્યો તે ગુણ ઓશીંગણ થાય,

ભક્તિ મારા શીશને સાટે રે, શું થાશે મરતુક માટે?'

'હું ભાગું તો ભોમ ભાગે, ભોરંગ ઝીલે ભાર,

મેરુ પર્વત ડોલવા લાગે આકાશનો આધાર.

મેરામણ માઝા મૂકે રે ચેલૈયો સત ના ચૂકે.'

ભણતો ગણતો ચાલ્યો ચેલૈયો, આવ્યો પોતાને દ્વાર,

માતા મુખનાં વારણાં લીએ, નિસાસો ભરે નાર.

આવતો ઉરમાં લીધો રે પોઢાડી ખોળે દીધો.

'કારજ રૂડુ કરો, માતાજી! શિદ નાખો નિઃશ્વાસ?

સફળ થયો મનખો ચેલૈયાનો, સાધુ આરોગે માંસ!

ધન ધન આજનો દહાડો રે! જગતના નાથ જમાડી.'

માતાપિતાએ મળી કરીને કાપ્યું ચેલૈયાનું શીશ,

અણઘટતી વાત એમણે કીધી જમાડવા જગદીશ.

મચાવ્યો ખેલ ખરો રે; 'પ્રભુ મારા! પારણાં કરો.'

નાથ કહે, મારી નજરે કરો રે સાચું તમારું વરત,

મસ્તકની તમે માયા કીધી ક્યમ?' અવિનાશી બોલ્યા તરત.

તપસી સતને તાવે રે; રૂદેમાં અંદ્રોહ નાવે.

મસ્તક ખાંડો ને ખાંડણાં ગાઓ, પહેરો અવનવાં ચીર;

આંખડીએ તમે આંસુ આણો, મનથી મૂકો ધીર .

ત્યારે તમે સાચાં સતી રે, એમ કહે જૂનો જતિ.

ખાંડણિયામાં મસ્તક ખાંડે મળી પિતા ને માય,

આંખડીએ આંસુ નવ આણે, હરખે હાલરડાં ગાય.

ભોજન ભાવતાં કીધાં રે, પીરસી આગળ દીધાં.

'સતવાદી તમે સાચાં. અમારે અટક છે, કરવું કેમ?

વાંઝિયાનું ભોજન નથી જમતા અવિનાશી કહે એમ.

મળી તમે નર ને નારી રે, જુઓ વાત વિચારી.'

સગાળસા કહે : 'પ્રગટ્યાં મારાં પૂરવ જનમનાં પાપ,

ગુરુ દૂભ્યા ને ગૌ-ત્રિયા માર્યાં, માર્યાં મા ને બાપ.

ડુંગરે દવ લગાડ્યો રે, તેણે મારો ખેલ બગાડયો!'

ચંગાવતી કહે : 'સ્વામી! મારે પાંચ મહિનાનું ઓધાન,

ભલે પધાર્યા ભવન અમારે આજ તમે, ભગવાન!

ધણી મેં તો તમને ધાર્યા રે તમે મારા અર્થ સુધાર્યા.'

ચંગાવતીએ પાળી લેઈ મારી પેટ માંહ્ય,

અચાનક આવીને સતીની બહુનામીએ ગ્રહી બાંહ્ય.

'ભલી સતી! ભક્તિ તારી રે, માગ માગ, મુખ કહે મુરારિ,'

ચેલૈયાને સજીવન કીધો, બેઠો રમે છે બાળ,

'સદા તમારે ચરણે રાખો દીન જાણીને, દયાળ!'

વળતી બોલ્યાં સતી નારી રે, 'હું તો માગું ભક્તિ તમારી.'

સગાળસા ને ચંગાવતીએ લીધો એવો નેમ,

રતનદાસ કહે ભાણાપ્રતાપે તેને છોડિયે કેમ?

માવાને મળવા માટે રે જવું વૈકુંઠની વાટે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981