ratan ha ek kathakawyamanthi ansh (adhyay chotho) - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

'રતન : એક કથાકાવ્ય'માંથી અંશ (અધ્યાય ચોથો)

ratan ha ek kathakawyamanthi ansh (adhyay chotho)

ચંદ્રવદન મહેતા ચંદ્રવદન મહેતા
'રતન : એક કથાકાવ્ય'માંથી અંશ (અધ્યાય ચોથો)
ચંદ્રવદન મહેતા

શુભાશિષ વિના વદાય વડીલો દે ગામમાં;

અને ત્યહીં રહે પડોશમહીં ગામનો બ્રાહ્મણ

વયોવરધ છતાં ફક્ત એક પોથી તણા

મુખે પઠનપાઠથી વરતપૂજનો વાર ને

જનોઈ લગનો શુભાશુભ પ્રસંગની કુંડળી

ઘટાવી ગ્રહમેળને મુરત જોઈને દે તિથિ

વદાય વ્યવહારની : સકળ ગામના કુળના ૪૫૦

જીભે સહુ ગ્રહો ફરે ફક્ત આંગળી વેઢમાં,

કદીક વકરાય તો લગીર દાનથી સુધરે!

નિખાલસ દિલે—ન હોય ફરજંદ પોતીકું—

‘ઘણો ખરચ, કાળજી નગર બંધ પાણી તણી,

ખૂબી કસરની ઘણી, વિવિધ શોખ, આડંબર,

મળે સગવડો અને, પજવે ખીસાકાતરુ,

જરી નજર રાખવી, નવીન દોસ્ત સંભાળવા,’

મળી મરદમંડળી શબદ બોધના ઓચરે.

પણે રતન ચોકમાં શરીર થાંભલે ટેકવી

ઊભી મન વિચારતી, સકળ ભાવિ વાગોળતી, ૪૬૦

બની ગરીબ ગાય શી ગરક દુ:ખમાં એકલી,

ખણે પગ થકી ધરા—ડળક આંસુડાં સારતી.

ભલે અગતનું હોય, જરી જેટલું કારજ,

સપોર દિન, વર્ષગાંઠ, સુપ્રસંગ ખેતી તણો,

કંઈક શુભ કાર્ય તો રતનને પગે લાગતો.

વિના નમન કે શુભાશિષ વિના હીરો કદી

ભરે ડગલું ક્યહીં; શુકન ભદ્રશાળી મુખે

સૂણે પ્રથમ પછી સકળ કાર્ય આરંભતો.

ત્યહીં રતન પાસ મંદ પગલે ગયો હીરલો.

‘રતુ’! શબદ એટલો મુખ થકી જઈ ઓચર્યો ૪૭૦

અને ડળક આંસુ બે રતનઆંસુ સાથે સર્યાં.

અને મૃદુલ હાથથી હૃદય સાથ ચાંપી રહી,

છૂટી સતત આંસુધાર અટકી કેમે જરી,

અને રતન પાલવે નયન-હીર-આંસુ લૂછે.

થતાં કંઈક શાંત ત્યાં રતનને ઉરે ઊંઘતાં

સજીવન થતા સુણ્યા જીવનમંત્ર સૌ બાલ્યના

ફૂટી જીવનવેલડી ઉભય વીંટળીને વઘી,

સહ્યાં કઠણ તાપ ને મધુર ટાઢ બે સાથમાં

કદી ઘૂમરી ઘાલતો પવન વાય તો સમે ૪૮૦

થઈ જીવન એક ગાંઠ વીંટળી ગૂંથાતાં વધુ,

અછૂટ ઉરગ્રન્થિ આજ જરી વારમાં છૂટશે?

વિયોગ વસમો : વિચારવમળે નિરાધાર શાં

રડે ફરી વદે, રડે; અધખૂલેલ બે હોઠથી,

કદી ફક્ત શ્વાસથી, મરણતોલ જીભથી,

મથી ઊચરતાં હવે શબદ ‘બ્હેન’ ‘ઓ ભાઈલા!’

અને હૃદયનો ડૂમો કંઈક ઓસર્યો તે પછી

વદ્યા, રમતિયાળ તે દિવસચિત્ર તાજાં થતાં :

‘કરી ભૂલ હશે અનેક મુજ સર્વ બ્હેનડી!

અરે ઘણીકવાર બ્હેન, મુજ સ્વાર્થ વ્હાલો ગણી ૪૯૦

હશે જિદ કરી, કર્યો મમત કે નજીવું લડી,

અનેક પજવાટવેળ સહુ સાંભરે સમે;

પરંતુ વસમી ઘડી સહુ થકી અબોલા તણી,

દમે દુ:ખદ હવે અહહ ભૂત કાળનું!

હતો સમય ટૂંક ને પલકમાં વહ્યું બાલ્યનું

રૂડું જીવનપર્વ એ,-સરવશ્રેષ્ઠ કાળમાં

લડ્યો, સહજ માટી શીદ મમતે આબોલા લીધા?

અમોલ મૂલવ્યો મેં સમય મૂલ્યવંતો બધો.

પરંતુ હતી એક વાર રમવા ઘડી સમે

હસી રતન ભાઈ ને, પ્રગટ કોપ હીરા તણો

થયો, વચન ઉચ્ચર્યો ‘રતન!’ એટલાં ક્રોધમાં ૫૦૦

અને મતિ ફરી, થઈ સ્મૃતિવિહોણ નિર્બળે

થઈ સખત એક રે તતડતો તમાચો દીધો,

થયું તરત ભાન ભૂલ તણું વળી સમે

પગે રતનને ઢળ્યો, રતનને મુખે વ્હાલનું

લસ્યું અજબ તેજ નીરખો શક્યો હીરલો.

નમી કર ગ્રહી લઈ તરત બંધવો વ્હાલથી

‘કરી વળી ઘેલછા!’ વચન એટલાં વદી,

અને ઉભયને ખભે દડદડી રહ્યાં આંસુડાં;

ફરી જીવનમાં કદી રતન માટ એવી રીતે

લૂલી જીભલડી ભૂલી પડી ક્રોધની જાળમાં. ૫૧૦

ગયો વખત શો પરંતુ ચણચણાટ પાપનો

ધીમે હૃદયશલ્ય શો સતત ખૂંચતો, આજ તે

અચાનક ચીરી રહ્યો હૃદય હીરલાનું હવે :

‘મને કર ક્ષમા ફરી રતન આજ ભૂલની,

ફરી રતન! આજ કટુ પ્રસંગની દે ક્ષમા.’

વદ્યો અહહ! એટલું રતનથી ગયું ના સહ્યું.

અને તરત વદી સરલ હેતની મૂર્તિ ત્યાં :

‘નહિ, મુજ તણો નકી વાંક એમાં ખરે,

મને વચન એટલાં ખીજથી કોણ ક્હેશે હવે!’ ૫૨૦

અનેક વઢવાડનો વખત મીઠડો જે વહ્યો

સજીવન થયો બધો, ગળગળાં થઈ સાથ બે

ભૂલી કંઈક ને સ્મરી કંઈક હૈયું ઠારી રહ્યાં.

પછી રતન ને હીરો વચનની કરે આપલે :

‘મને ગમશે જરી; જરૂર જો લખી પત્ર તું

સદા ખબર આપજે શરીર, ભાઈ સંભાળજે;

તું તો છું કની રેઢિયાળ, નથી ભાન તારું તને,

થશે શું ત્યહીં તાહરું? મુજ વિના બધી કાળજી

વિહીન થઈ એકલો સતત ચિંતા મને.

ડહાપણ તણાં અનેક વચનો વદી હોંસથી, ૫૩૦

વઢી અધિક વ્હાલથી બધું સાંભળે હીરલો.

શરીરદરકાર માટે વળી વારવારે કહે,

દઈ નરમ ઉત્તરે ધીરજ-શાંતિ-આશ્વાસનો,

પરંતુ બધું ઓગળે રુદન માંહી અંતે ફરી,

ફરી વચન-આપલે, ફરી બધું પારાચણ,

નવેસર રસે થયાં, વખતે એમ ચાલ્યો જતાં

વદાય ઘડી સંમુખે, દુ:ખદ કાલ, આવી ખડી.

સૂઝે કંઈ બાંધવું, રતન એકલી હાથમાં

લઈ વિગતનોંધ ને જરૂરનું કરી એકઠું

વ્યવસ્થિત કરી બધું સગવડે રહે બાંધતી : ૫૪૦

‘મૂકું અહીં જો, અને ગરમ શાલ પોટલે.

રજાઈ અહીં બિસ્તરે, ખપ પડે ભલે ખોલજે,

અહીં તુજ વાટવો, વજર રાખજે એટલી,

તને કંઈ કાળજી, તદ્દન ભાનભૂલો નકી.

જવા દિવસની અગાઉ ત્રણ જીવ સૂતા નથી.

ઊંઘે સકળ ગામ ત્યાં ફક્ત એક ભાણો ધીમે

અનેક ઉપયોગ-વાત વળી હોંસ ને હેતથી

કહે, અનુભવેલ સત્ય સહુ ધર્મસૂત્રો બધાં,

અને ઉમળકે ભરેલ હૃદય દીધી આશિષો :

પગે વડીલને પડ્યો, હૃદય બે ભરાયાં પૂરાં.

પછી ઉભય ભાઈબ્હેન વળી કૈંક બાકી બધું ૫૫૦

સમેટ કરતાં, મળે પરવાર વાતે જરી,

અને નયન લૂછવા સૂરજને ચિંતા થતાં

સજીવન કરે બનેલ દુ:ખબ્હાવરાં બેઉને

સૂતેલ અધરાતથી ઘડી એક વીત્યા પછી.

શુભાશિષ દઈ લીધાં ઉર ભરી ઓવારણાં,

જરી દહીં મુખે, કરી શુકન કંકુ ચાંલ્લો વળી,

ઊભી શુભ ગાય માત ગૃહઆંગણે ‘મંગળા’,

પ્રયાણ ઘડીએ અનેક શુભ આશ સ્પર્ધા કરે.

ગયાં જન વળાવવા સકળ ગામને પાદરે,

પરંતુ રહી એકલી રતન આંગણે ને જુએ ૫૬૦

રહી કર હલાવતી ઉર હુલાવતી ‘આવજે!’

વિયોગ હૃદયે, મુખે ચમકરેખ આનંદની

ધરે નયન આંસુડાં; ખળખળી વહે એટલાં

જુએ કંઈ યે પછી નજરબંઘ એથી થતાં.

સ્રોત

  • પુસ્તક : રતન (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
  • પ્રકાશક : રૂપાલી પ્રકાશન
  • વર્ષ : 1976
  • આવૃત્તિ : 5