puri ek andheri nagri ne ganDu raja - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા

puri ek andheri nagri ne ganDu raja

દલપતરામ દલપતરામ
પુરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા
દલપતરામ

(ભુજંગી)

પુરી એક અંધેરી ને ગંડુ રાજા.

ટકે શેર ભાજી ટકે શેર ખાજા;

બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,

કદી સારી બુરી વેચે વિવેકે.

તહાં જઈ ચડ્યાં બે ગુરૂ એક ચેલો,

ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;

લીધી સુખડી હાટથી આપી આટો,

ગુરૂ પાસ જૈને કહે ખૂબ ખાટ્યો.

ગુરૂજી કહે રાત રહેવું આંહી,

સઉ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;

હશે ચોર ને શાહનો ન્યાય એકે,

નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે.

કદી ગામ એવા વિશે ના વશીજે,

ચલો સદ્ય ચેલા જેવું ગામ બીજે;

કહે શિષ્ય ખાવા પીવા ખૂબ આંહી,

તજી તેહ હું તો આવીશ ક્યાંહી.

ગુરૂએ બહુ બોધ કીધુંજ ખાસો,

નહીં યોગ્ય આંહી રહે રાત વાસો;

માની કશી વાત તે શિષ્ય જ્યારે,

ગુરૂજી તજીને ગયા આમ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,

બહુ ખાઈ પીને થયા ખૂબ તાજા;

પછીથી થયા તેહના હાલ કેવા,

કહું છું હવે હું સુણો સર્વ તેવા.

(દોહરા)

તસકર ખાતર પાડવા, ગયા વણિકને દ્વાર;

તહાં ભીંત તૂટી પડી, ચોર દબાયા ચાર.

માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ,

શૂળી ઠરાવી શેઠને, ડોશીની સુણી દાદ.

એવું ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;

રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.

વણિક કહે કડિયાતણો, એમાં વાંક અપાર;

ખરેખરી એમાં નથી, મારી ખોડ લગાર.

કડિયાણ શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;

ચુક ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.

ગારો કરનારો કહે પાણી થયું વિશેષ;

એતો ચૂક પખાલીની, મારી ચૂક લેશ.

પૂરપતિ કહે પખાલીને, જો તું શૂળીએ જાય;

આજ પછી ગામમાં, એવા ગુના થાય.

મુલ્લા નિસર્યા મારગે, મેં જોયું તે દીશ;

પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.

મૂલ્લાજીને મારવા, કરી એવો નિરધાર;

શૂળી પાસે લઈ ગયા, મુલ્લાને તે વાર.

ફળ જાડું શૂળીતણું, મુલ્લા પાતળે અંગ;

એવી હકીકત ચાકરે. જે કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે શું હરઘડી, પૂછો હાજર હોય ;

શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોય.

જોતાં જોતાં જડ્યો, જોગી જાડે અંગ;

બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ.

શિષ્ય મુદત માગી ગયો, ગુરૂ પાસે પસ્તાય;

ગુરૂએ આવી ઉગારીઓ, અદ્ભુત કરી ઉપાય.

જોગી શૂળી પાસ જઈ, કહે ભૂપ સુણ કાન;

અવસર શૂળીએ ચડે, વેગે મળે વિમાન.

ચેલો બોલ્યો હું ચડું,એ ગુરૂ કહે હું આપ;

અધિપતિ કહે ચડીયે અમો, પૂરણ મળે પ્રતાપ.

ગુરૂ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;

રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

જતાં ભણેલ ભૂપતિ, નિપજે એવા ન્યાય;

દેશ સુધારાની તહાં, તો આશા શી થાય.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008