‘wenachritmanthi ek ansh - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

‘વેનચરિત'માંથી એક અંશ

‘wenachritmanthi ek ansh

દલપતરામ દલપતરામ
‘વેનચરિત'માંથી એક અંશ
દલપતરામ

મારૂં જોબન જાય ભરપૂર, સંકટ હું તે શી રીતે સાંખું;

રોઈ નેણનું ખોયું મેં નૂર, સંકટ હું તે શી રીતે સાંખું;

દહાડો મોતનો તો હજી દૂર, સંકટ હું તે શી રીતે સાંખું. ટેક.

દહાડા જાવા દોહલા, કેમ કરી કાઢું માસ;

પલક કલપ સમથઈ પડે, મને વસ્તીમાં ગમે વાસ.

કારતક માસ કોડામણો, અંનકુટ ઉચ્છવ થાય;

સ્વામી મુજને સાંભરે, મારૂં અંતર અતિ અકળાય.

માગસરે લોક લગન કરે, તોરણ બાંધે દ્વાર;

ઢોલ ઉપર ડંકા પડે, મારે કાળજે તે વાગે માર.

પોષ મહિનાની ટાઢડી, અતિ રાતે અંધકાર;

તમરાં બોલે તે સમે, મને ઉપજે અનેક વિચાર.

માઘે બેસી માંહરે, નિરખ્યો નહિ મેં નાથ;

ચતુર કંથને ચોરીમાં, મેં તો હસીને આપ્યો હાથ.

ફાગણ માસે કંથને, રસિલી છાંટે રંગ;

હશીને બોલે હેતથી, મારૂં જોઈ સળગે અંગ.

ચૈતર ચંપો ફૂલિયો, ફુલ્યાં ગુલાબી ફૂલ;

સંઘરીને ફૂલ શું કરૂં, મારા શરીરમાં ઉપજે શૂળ.

વૈશાખે વન વેડીયાં, આંખે સાખ જણાય;

કોયલડી ટહુકા કરે, મારું ભીતર ભેદાઈ જાય.

જેઠે જમીન તપે ઘણી, તપે વિજોગણ તન;

એક તાપ ઉપરતણો, બીજે તાપે તપે મુજ મન.

અષાઢે ઘન ચડી આવિયો મધુરા બોલે મોર;

કુદકા મારે કાળજું, મારૂં જાગે જોબન જોર.

શ્રાવણ માંહિ સુહાગણી, પિયુશું રમે ચોપાટ;

કોટે વળગી કંથને, હેતે હીચે હીંચોળા ખાટ.

ભાદરવો ગાજે ભલો, દિલ દાઝે તે ઠામ;

દશદિશ બોલે દેડકા, તો દાઝવા પર જ્યમ ડામ.

નદીયે હું ન્હાવા ગઈ, છાયા લીલા છોડ;

ચકવા ચકવી ત્યાં દીઠાં, સારા ભાગ્યનાં દીસે સજોડ,

અરે નદી ઉતાવળી, પિયુને મળવા જાય;

ઉછરંગેથી ઉછળે, એને હઈડે હરખ માય.

આસો માસે નોરતાં, ગોરી ગરબા ગાય;

લેરખડી લટકાં કરી, સ્વામી સામું તે જોતી જાય.

દીવાળીના દહાડલા, સરસ ગણે સઉ કોય;

શણગારાઈને સાંચરે, મારે હોળી હૈયામાં હોય.

રસપ્રદ તથ્યો

‘વેનચરિત’ દલપતરામનું એક મહાકાવ્ય છે. પુરાણો અને મનુસ્મૃતિમાં અધર્મી અને દુરાચારી રાજા તરીકે રજૂ થયેલા વેનને દલપતરામે જુદું પરિમાણ આપી એને સદાચારી ઠેરવતું આ મહાકાવ્ય લખ્યું છે. વાસ્તવમાં આ કાવ્ય તત્કાલીન સમાજની બાળલગ્ન, કન્યા કેળવણીની બંધી, બાળ વૈધવ્ય, વિધવા વિવાહ બંધી ઇત્યાદિ રૂઢીઓ અને બદીઓને સમાવતું અને એમ સુધારણા સૂચવતું દીર્ઘકાવ્ય છે. સમાજ સુધારણાના પોતાના વિચારોને રજૂ કરવા માટે દલપતરામે પૌરાણિક પાત્રનું નવું અર્થઘટન કર્યું છે. આ કાવ્યમાં કમળા ગૌરી નામની સ્ત્રી વિધવા થઈ જતાં પોતાની આપવીતી વેન રાજાને સંભળાવે છે એનો આ અંશ છે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008