parasmani - Katha-kavya | RekhtaGujarati

સરિતા કેરે કાંઠડે, વૃંદાવનની માંય,

એકમના થઈ ઈશને સાધુ સનાતન ધ્યાય.

એવામાં ત્યાં આવિયો વિપ્ર વેશનો દીન,

સાધુને ચરણે નમ્યો મનડે ભક્તિલીન.

પૂછે સનાતન તેહને : 'આવ્યા ક્યાંથી આપ?

કવણ નામ તે આપનું?' દે છે વિપ્ર જવાબ :

'બાવાજી, હું શું કહું? ભમ્યો અતિશય દૂર,

ત્યારે આજે પામિયો દર્શન તમ સુમધુર.

જીવન મારું નામ છે, માનકરે મુજ ધામ,

વર્ધમાન જિલ્લા વિષે : હવે કહું મુજ કામ.

મુજ જેવો હતભાગ્ય કે દીનહીન અતિ કોઈ,

નથી જગતમાં ક્યાંય પણ, આવો સઘળે જોઈ.

જરજમીન કૈં છે ખરાં, તોયે નીચું મુખ,

કમાઈ થોડી માહરી, સનાતન દુઃખ.

ક્રિયાકાંડ ને યજ્ઞથી પહેલાં કીર્તિ વશેક

હતી, તોય આજે હવે આવ્યો તેનો છેક.

ઉન્નતિ કરવા માહરી જઈને શિવજી પાસ,

ઘણી કરી આરાધના, માગ્યો વર મેં ખાસ.

એક દિવસ પો ફાટતાં સોણામાં ક્હે દેવ :

'દઉં છું વર હું વિપ્ર હે, આશ ફળે તતખેવ.

જમુનાતટ ગોસાંઈજી વસે સનાતન નામ,

જા ચરણે પડ તેમને, માની પિતા સમાન.

ધનપ્રાપ્તિ કેરો રહ્યો ઉપાય તેને હાથ.”

સાધુ આકુળ થાય છે, સાંભળતાં વાત.

“મારી પાસે છે શું? જે કંઈ હતું મુજ પાસ

છોડી આવ્યો છું : હવે ભિક્ષા ઉપર આશ.”

એકાએક કૈં સાંભર્યું, સાધુ કરે પોકાર,

“સાચું, સાચું, ખરું : હવે સાંભર્યું સાર!

એક દિવસ નદીને તટે પારસ મળિયો જાણ,

કદી કોઈ દિન કોઈને દેવા થાયે દાન :

એવું ધારી રેતમાં દાટ્યો પણે જરૂર;

બ્રાહ્મણ, લઈ જા, અડકતાં દુઃખ થશે તુજ દૂર.”

વિપ્ર ગયો ઉતાવળો, ખોદ્યું રેતી માંય,

મણિ મળિયો ઝાત્કાર ને હૈયે હરખ માય.

માદળિયાં બે લોહનાં બાંધ્યાં બ્રાહ્મણ હાથ,

અડતાં સોનાનાં થયાં, વિસ્મય સરખી વાત.

વિસ્મયઘેલો વિપ્ર ત્યાં બેસી નદીને તીર,

વિચારવંટોળે ચડ્યો, મનડું થયું અધીર.

જમુનાના કલ્લોલના સ્વર પોં'ચ્યા તે કાન,

વિચારબૂડ્યા વિપ્રને દેતા કૈં કૈં જ્ઞાન.

સામે કાંઠે, દિવસના થાકે રાતો સૂર,

જઈ બેઠો અસ્તાચળે, ગાજ્યા સંધ્યાસૂર.

બ્રાહ્મણ ત્યારે ઊઠિયો નમ્યો સાધુને પાય,

બોલે તોયે નેત્રમાં અશ્રુપૂર ઉભરાય.

“જે ધનથી થઈને ધની, મણિને માનો કાચ,

તે ધનની ઝીણી કણી નમી યાચું તમ પાસ.”

એવું બોલી બ્રાહ્મણે જમુના કેરે નીર,

પારસમણિ ફેંકી દીધો, ફરી નમાવ્યું શિર.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ