પાણીપત અથવા કુરુક્ષેત્ર - કાવ્યમાંથી અંશ
Panipat Athva Kurukshetra - Kavyamathi Ansh
હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
Hargovinddas Dwarkadas Kantawala
હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
Hargovinddas Dwarkadas Kantawala
લોહિ ઉકળ્યાં રજપૂતોનાં, તેલ કઢાયે જ્યમ ઉકળે,
ક્ષત્રાણી સહુ કહે ક્ષત્રિને, “પાછિ પાનિ નવ પડે અરે,
શત્રુ સર્વ સંહારી નાંખો, એ પાંતીની પિડા ટળે.
ઉતારી લો આ ઘરેણું ગાંઠું, કરો ખર્ચ જેટલું વરે!
જાયા હો ક્ષત્રાણી કૂખે, ધરો ક્ષત્રિ ગુણ દીલ ખરો,
નહિ તો પે’રો તમે કાંચળી, અબળાનો શણગાર ધરો!
અને ખાંડુ લઈ રણે ઝૂઝશું, મારિ પાડશું શત્રુ સહુ,
ખીજી સિંહણી હોય જોરાવર, લઢવામાં સિંહ થકી બહુ.
ધન્ય શૂર ધન્ય અબળાનું બળ, એ માતાઓ ક્યાં ગઈયો!
જોન આર્કને ફ્રેન્ચ વખાણે, પણ એવી લાખો થઈયો.
રાણિ એલિઝાબેથ મર્દ થઈ, કરે ગર્વ અંગ્રેજ ઘણો,
પણ શુરિ સદ્ગુણિ રજપુતણીથી, ભાવ ઘટે એ રાણિતણો.
શુણી નારિનાં વાંકાં વચનો, સિંહ ગર્જના કરી ઉઠ્યા,
ખાઈ કસમ મુક્યૂં જળ ભૂપર, હણવા શત્રુ હવે રૂઠ્યા.
માત કહે બાળકને “બેટા, રખે રણે પાછો ફરતો,
રખે લજવતો કૂખ માહરી, કૂળ રખે કાળૂ કરતો.
હું ઘરડી આશીશ દઊંજે, ફતેં’ પામશે સંગ્રામે,
રક્ષા બાંધું જેથિ દેવ સહુ, સાહ્ય આવશે સહુ કામે!”
વૃદ્ધ બાપકે’ “પળીયાં ક્યારે, આ સોનેરી કે'વાયે,
રણે જીતિ આવે જશ પામી, કે રણમાં મરવું ચાહે.”
કહે નારિ “સાંચરો સુખેથી, ધર્મ બજાવો ખરેખરો,
એક जीत શુણિ શબ્દ એકલો, શોક સર્વ કરનાર પરો;
કદી પડે તન રણે તમારૂં નહી શોક કંઈ થાવાનો,
સતી થઈ લઈ પિઊ ગોદમાં, મળે લાભ બળિ મરવાનો!
જઈએ સાથે સજોડ સ્વર્ગે, મોજ મોડિયે તે ધામે!
એથી સારૂં કયૂં જગતમાં, કીર્ત્તિ અમર સંઘે જામે!
જો આવ્યા કદિ જીત કરીને, હરખ પૂર બહુ છલકાશે,
પ્રેમ નદીમાં પછી ઝીલતાં, દીન રાત સહુ વહિ જાશે :
પણ જો આવ્યા હાર ખઈને, પૂઠ બતાવી જો રણને,
તો એવા હેવાતન કરતાં, ચાહિશ બહુ વિધવાપણને!
માટે સ્વામી બનો કેશરી, કરી જીત ઝટ અહિ આવો,
તુર્ક ટોપિની કલગી મારી, કંચુકી માટે લાવો.
મુકી છોગલું વાંસે બાંધિશ, પથારિયે રોળીશ સદા!
જીત તમારી થએલ રણમાં, એથી સાંભરશે સર્વદા.’’
ભેઠિ નારિયો, લઈ ચૂમિયો, વદ્યા જતાં પંથે પોતે,
“હવે ભેઠશું શત્રુઓને, પ્રાણ કાઢશું વણ મોતે!”
પડ્યા રજપુતો તુટી જોરથી, લિધા ઘેરિ શત્રુઓ રણે,
ઉરાડિ મુક્યાં થોર દીંગલાં, જેમ વાઘ બોકડાં હણે,
જેમ પાળિએ કાપે કોળાં, તલવારો ઝટ ઝટ્ટ ફરે,
જેમ દૂધિને છુંદે પાળી, ભાલા ભછો ભછ પડે.
જેમ ઝબૂકે વીજ અસાડી, ચળક ચળક તલવાર કરે,
જેમ મેઘ ગાજે જોરાવર, નોબત ડંકા ગરગ્ગડે.
જ્યાં અણસારો થાય અશ્વને, હણ હણ હણ હણ કરી કુદે,
થન થન થન થન નાચિ રહ્યા જે, ભરે ફાળ નહિ ડરે હૃદે.
પડે કૂદિને પ્યાદળ મધ્યે, કચરે, ખૂંદે, ઘાસ પરે,
લગામ જો રાખી ન હોય તો, ભૂપર કાળો કેર કરે!
અફગાની, આરબી અશ્વ તે, કચ્છી કાઠી થકી ડર્યા,
પાછે પગલે જીવ લઈને, રસ્તો પકડ્યો બચી ગયા!
સ્રોત
- પુસ્તક : પાણીપત અથવા કુરુક્ષેત્ર (પૃષ્ઠ ક્રમાંક 18)
- સર્જક : હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
- પ્રકાશક : યુનાઈટેડ કંપની, અમદાવાદ
- વર્ષ : 1867
