
સર્ગ - ૩
(દોહરા)
હીર સાચવતી નેસને, હરસુર ઘર-વહેવાર;
સોનલવરણા બોઘરે, રણકે દૂધની ધાર.
ઢીંગળ, ઢેબર, ટીલડી, ભૂખર, ભૂરી, લાડ;
ઝોંકમાં ભેંસું ભાંભરે, હાથણ સરખાં હાડ.
મેલું માથાબંધણું, ડાંગ લીધી કડિયાળ;
ધણને ચરવે ખીમરો, ગીરમાં અંતરિયાળ.
ઢોળાવે જઈ બેસતો, ફરતે ઢૂંગો ભેંસ;
ગાઉ એક છેટો દીસે વીજલદેનો નેસ.
આઘે ઝાંખી ઓસરી, ઉપર થાંભલી પાંચ;
વીજલ ઝંડો ઝાટકે, ખીમરો ભાળે સાચ.
હડી દઉં હમણાં જ ને પહોંચું વીજલ પાસ;
છાતી ધડકે સામટું, ધમણ ધમાવે શ્વાસ.
***
ખીમરો કદકાઠી થયો, ફૂટ્યો મૂછનો દોર;
ધૂંબે ઠળિયા ભાંગતો, કાંડે એવાં જોર.
આગળ હાલે ઓરતા, પાછળ હાલે ભાન;
પગે પવનની પાવડી, રખડે આખું રાન.
માલઢોર લઈ નીકળ્યો ખીમરો વન મોઝાર;
વચમાં ઘેરાં ઝાડવાં, ફરતી ઊંચી ધાર.
ખીમરે ડચકારા કર્યા, ભેંસે બદલી ચાલ;
લેખુડી આગળ થઈ, પાછળ મલપત માલ.
થોડે આગળ હાલતાં, પડી સહુને ફાળ;
સિંહ-સિંહણ ઘૂરકાં કરે, ઊભી પંથ વચાળ.
આઘેથી અટકી ગઈ, ભેંસું થઈ એકસંપ;
ઓચિંતો પ્રસરી ગયો ખાડાં વચ્ચે કંપ.
સાવજ કેડો ના મૂકે, વેળા વીતતી જાય;
ભેંસુ ભેથી સાબદી, સાવજ અથરા થાય.
સિંહણ ઘડતી પેંતરો, કરવો ક્યાંથી વાર?
ડાલામથ્થો કેસરી ગરજ કરે ખૂંખાર.
ડાંગ પછાડી ખીમરે, મારી સિંહને હાંક;
સિંહણ ત્રાડુકી પડી, થાપી સામે ધાક.
બન્યો બળૂકી ભેંસનો કિલ્લો ચારે કોર;
વચમાં લીધાં પાડરાં, ગલઢાં, દુબળાં ઢોર.
ભેંસે માથું ધુણવ્યું. લીધું રૂપ વિકરાળ;
દોડી સિંગ ઉલાળતાં, સિંહનો કર્યો ઉલાળ.
હેબક પામી ભેંસથી, ખમક્યા સિંહ પળવાર;
છૂટાં પડીને ગોઠવ્યા બે બાજુથી વાર.
બમણા જોરે ત્રાટક્યા ખાડા પર વનરાજ;
ભડક્યાં પોચટ પાડરાં, સિંહે પાડી ગાજ.
જીવપર આવી ઝૂઝતી ભેંસું હાથણકાય;
પીઠ બચાવી સિંહને લીધો ઘેરા માંય.
ભેંસુ બથવે સિંહને, ગરજે સિંહ ઝુઝાર;
પાછળથી એક ભેંસ પર સિંહણ કરતી વાર.
ચીરી નાંખી સિંહણે એક જ થાપે પીઠ;
લોહી ભાળી ભેંસમાં વીજળી વહી અદીઠ.
ભેંસું બની ભૂરાંટ સહુ, કરતી વળતો વાર;
ભય પામી નીકળી ગયો સિંહ ઘેરાની બ્હાર.
તગડી સાવજબેલડી, જંપી ગીરની ભેંસ;
ખાડું લઈને ખીમરો પહોંચ્યો પાછો નેસ.
સિંહણ ઘૂમરા મારતી નેસને આખી રાત;
કોઢે બાંધ્યાં પાડરાં, ઓગાળે આઘાત.
મારણ થયું ન માલનું, ચાખ્યું નહિ રુધિર;
ગરજી ગરજી સિંહણે, માથે લીધું ગીર.



સ્રોત
- પુસ્તક : બુદ્ધિપ્રકાશ : જાન્યુઆરી ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : રાજેન્દ્ર પટેલ, સુભાષ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા