'નેખમ(અરણ્યકથા)'માંથી અંશ - સર્ગ ૧
'Nekham (Aranyakatha)'mathi Ansh - Sarg 1
યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
પ્રવેશ
(દોહરા)
આ પા દરિયો ઘૂઘવે, ઓલી પા ગિરનાર;
વચમાં જંગલ ગીરનું, ઝીલતું નભનો ભાર.
ખખડે સુક્કાં પાંદડાં, રખડે રૂખડ મરુત;
જન્મી જીવ મરતા રહે, મૂંગી બદલે ઋત.
ભૂચર ખૂંદે ભોંયને, ખગગણ ગજવે આભ;
જળચર જળમાં સંચરે, ભરચક આખું ગાભ.
વૃક્ષ, વેલ, ખડ, પાંદડાં, સોનલવરણાં બીડ;
ઊભરે અનગળ જીવડાં, ભોણમાં સરવી ભીડ.
સાવજના ભણકારમાં, ઊભા અક્કડ કાન;
ફાળ ભરે પળવારમાં, પળમાં વિરમે રાન,
અંતરિયાળે નેસડા, બાઘા બરછટ લોક;
રણઝણ રણકે ઘંટડી, ને ભાંભરતાં ઝોક.
માણસ વનના અંકમાં, નેહ ઉભયને કાજ;
દૂઝણી ભગરી ભેંસથી ધરવ્યા છે વનરાજ.
નેડો જીવતો રાખવા, પાકા બન્ને પક્ષ;
ખમ્મા ગીરના રાનને, જીવતાં રહેજો ભક્ષ.
ગીરમાં ઊઝરી, આથમી, બરછટ પેઢી સાત;
માંડીને કરવી અહીં વનવાસીની વાત.
સરસત મારી જીભ પર કરો બેસણાં એમ;
ભીની સવારે ગીરની ઓસમાં ઊતરે હેમ.
સર્ગ 1
(દોહરા)
થથર્યું પેડું, ઊપડી બેજીવ હીરને વેણ;
નેસ સોંસરું દોડીયું દાયણ માટે કહેણ.
વળ્યાં ઢૂંગલે ઓઢણાં, ધલવલ ધ્રૂજે હીર;
દાયણ પૂગે અબઘડી, હમણાં ભાંગે પીર.
સાસુ દેવલબાઈનો હરખ ન ઝાલ્યો જાય;
હરસુરને ઘર ઘોડિયું! ખમ્મા મોગલ માય.
ઉભડક બેઠો આંગણે, રાહ જુએ હરસુર;
પડખે ખળખળ વોંકળો, ચોગમ વન ઘેઘૂર.
૫ો ફાટ્યા શો આવીયો નરવો બાળાસાદ;
જાણે છાતી સોંસરો વરસી ગ્યો વરસાદ!
વાઢ્યું કુમળું નાયડું, છૂટ્યો નેડો એક;
ગીરથી નેડો બાંધતાં બાંધ્યું જીવતર છેક.
ઊઠ્યો પછેડી ઝાટકી, ઉતાવળો હરસુર;
આડો ઘરનો ઉંબરો, ખાળે ઘોડાપૂર.
દોડી આવી માવડી, લઈને સાકર-થાળ;
દુઃખણાં લીધાં સામટાં, ફળજો-ફૂલજો બાળ.
સાકર વ્હેંચી નેસમાં, માત ચડ્યું પટકૂળ;
ગુલાલ થઈને ગીરમાં ઊડી રાતડી ધૂળ.
ગ્હેક્યા વનમાં મોરલા, ચહેક્યાં કાબર-કીર;
સૂડા નભ પહોંચી વળ્યાં, ગજવ્યું આખું ગીર.
પડખે દૂધમલ દીકરો, ધાવણ ઊભર્યાં થાન;
ચ્હેરો-મ્હોરો બાપનો, લીધો માતનો વાન.
જાગે એકલ ખોરડું, ઝલમલ પ્રજળે રાત;
સવાર પડતાં પામતું, ફળિયું કેશરભાત.
છઠ્ઠીને દી' નેસમાં તેડાવ્યા બારોટ;
ગોકીરો લઈ છોકરાં, મૂકે થાનકે દોટ.
ચડ્યો બળૂકો ઝાડવે, તોડ્યાં પીપળપાન;
ઢળ્યા ફળીમાં ખાટલા, સોંઢાડ્યા મે'માન.
પીપળપાને સાથિયા, કર્યા ચાંદલા ચાર;
ફઈ લોટાડે પાટલે, પાલવ ઢાંક્યો ભાર.
ઓળીઝોળી ઝૂલવી, વિધિ પધાર્યા ઠામ;
હીરલદેના ભાણનું પડ્યું ખીમાણંદ નામ.
ઝોળી ઝૂલતી ડાળીએ, ઝલમલ ઝબકે છાંય;
હાલરડાં હેલે ચડ્યાં, જંગલ ઝોલાં ખાય.
રોતા વીરને કાંખમાં તેડી ભમવે બેન;
પીપી બજવી પાનની, ભાંગે વીરનું વેન.
કંદોરો કેડે ભમે, રમે નાગડો નંદ;
ખંજન સોહે ગાલમાં, મોઢું મલકે મંદ.
રગદોળાતો ધૂળમાં, ભરીને મુઠ્ઠી ખાય;
કોઢેથી એ જોઈને હડી કાઢતી માય.
ધાવણ છૂટતાં થાનથી, પડે જો અળગું બાળ;
છાતીસરસો ચાંપતી, ઓળે વાંકા વાળ.
કાં પકડાવે છેડલો, કાં બેસાડે કેડ;
કોઢે ભેંસું દોહતાં છોડે મોં પર શેડ.
ખભે બેસી બાપને, નીરખે વન ચોફેર;
ચોગમ ખખડે સાગડા, મૂંગાં ખીજડા ખેર.
શિયાળવાં લાળી કરે, ગાજે સાવજ-હૂંક;
દિવસે શકરા ત્રાટકે, રાતે પ્રસરે ઘૂક.
બૂઢિયાં નેખમ સાચવે, બાયું બથવે નેસ;
જુવાનડા ભેગી કરી ધૂએ ધમારે ભેંસ.
ખભે પછેડી ધૂંધળી, ને કડિયાળી ડાંગ;
ગાય, ભેંસ, વછ, પાડરાં, ચરવે ગીર સુવાંગ.
*
પ્હેલોવ્હેલો નીકળ્યો, ખીમરો નેસની બ્હાર;
બાપે ઝાલી આંગળી, હાલ્યાં વન મોઝાર.
ખભે લટકતી દેગડી, અચરજ આંજી આંખ;
ગીરના નભને માપવા, ફફડી ફડફડ પાંખ.
માલઢોર ઢોરે ચરે, હરસુર પોરો ખાય;
ખીમરો વનમાં સંચરે, પોષે વનની માય.
હરસુર શીખવે પૂતને, ગીરમાં રહેવું કેમ?
'ભરો ફાંટ તો ધૂળની, અણબોટ્યું ગીર હેમ'.
સંઘરવું ના હાંડલે, હજો માપમાં ભૂખ;
ગીર કણકણથી ગાભણી, (એની) અક્ષત રહેજો કૂખ.
ગીરની સંપત ગીરની, પાળવી પાકી આણ;
ભૂખ વિણ કદી ન સોરવાં, બોર, કરમદી, રાણ.
પડેલ કેડે ચાલવું, કેડો ના ચતરાય;
મનખાનાં પગલાં પડે (ત્યાં) ભોંય ન લીલવી થાય.
હીર ને હરસુર પૂરતાં પાંથીપાંથી તેલ;
ચસચસ વીંટળાતી રહે ખીમરાને વનવેલ.
*
ઢોરા પાછળ સાવજે, મારી'તી એક ભેંસ;
છોકરડાં જોવા ગયાં, હતો ન આઘો નેસ.
ચીરી ભેંસના પેટને, સાવજ સંપી ખાય;
લોહીનીગળતાં પાંસળાં, મોઢું ઘાલે માંય.
બાઝ્યા સાવજ સામટા, ખેંચી કાઢે ખાલ;
ચૂંથે બચોળાં માંસને, બાઘડ મોઢાં લાલ.
માથું ધૂણવે બિહામણો, ચોગમ ઊડે રુધિર;
રહી રહી સાવજ હૂંકતાં, પડછંદો દે ગીર.
ઝરખું આવ્યું ક્યાંકથી, ખાવા મુડદલ માંસ;
સાવજ ઘુરકારા કરી, ચડવા ના દે પાસ.
ભુખાળવું, કડવાંકલું, મોંથી પડતી લાળ;
ગીર આખું રખડ્યા કરે, લઈ મડાંની ભાળ.
ભૂખ ભાંગી સહુ સાવજે, લંબાવ્યું જઈ છાંય;
ખૂલ્લા મોંથી કાગડા માંસ ખોતરી ખાય.
ઝરખું કરતું કાવકાં, પહોંચ્યું મારણ પાસ;
આંતરડું મોંમાં લીધું, ખેંચ્યું લોચો માંસ.
ઝરખ ન ખેધો છોડતું, સાવજ અથરો થાય;
આંતરડું લઈ ભેંસનું, ઝરખું દોડી જાય.
વારાફરતે શિયાળ ને લોમડ સાધે લાગ;
ખેરખટાઓ ઊતર્યા, ગીધડે પડવ્યા ભાગ.
સિંહનું એઠું ઓરશે લોમડ, ઝરખ, શિયાળ;
કડકડ ખાશે હાડકાં, ઝરશે રાની લાળ.
સડશે હાડ અણોસરૂં, ફોલી ખાશે જંત;
પાછો વળશે ગીરની ભોંમાં ગીરનો તંત.
શીળા છાંયડા ગીરના, સરવી ગીરની ઋત;
વનવાસી ગીરઅંકમાં પાલવ ઢાંક્યા પૂત.
એકલ કેડો ગીરનો, અવઢવ ઓઢ્યા સાગ;
ફૂમતાટોપી વાંકલી, ઓઢી આવ્યો ફાગ.
હરસુર છોડી ઢાળિયું, ફળિયે ખેંચે ખાટ;
સૂરજ સુખનો નીકળ્યો હીરને ઊંચે લલાટ.
ધીમેધીમે આછરે દૂરની દિશમાં ઝાંખ;
નભ જાણે કે ગીરના હરણબાળની આંખ!
ખૂલ્યો કે હમણાં ખૂલશે, બીડ્યા હોઠનો ભાર;
રણઝણવું ખખડાવતું ફરે અગોચર દ્વાર.
જાગી ગણગણ ગુંજતી મધમાખીમાં ખંત;
ઊજમ ઊપડ્યો ગીરમાં, આવી ચડી વસંત.
*
(રોળા)
પો ફાટ્યાં પરમાણ, ટપુસિયાં ઊડ્યાં ઉગમણે;
જાગીને ફફડાટ, વિસ્તર્યો ડાબે-જમણે.
પ્રસરી ઊની આંચ, ખરેલાં પાન ખખડિયાં;
ચેતન આવ્યાં ઝાડ, સંચર્યા થૂંબાં-થડિયાં.
વનનો બદલ્યો રાગ, ઝીલીને વ્હેળા મલક્યા;
ખૂલ્યા સામટા સૂર, ગળાં હોંશેથી હલક્યાં.
કૂંપળ ફૂટી ક્રોર, ઊભા ઓવારા કોળ્યા;
આવી આવળમાત, હિરણમાં નભને ઢોળ્યાં.
ગોરડ, ગાંગડ, ખેર, બોરડી, રોણ, હળદરુ;
ઓઢી ઊભું વન ખેપટનું વસ્તર ભૂખરું.
ટીલે-ટેકરે દૂર ભભૂક્યા અગ્નિ ભાર્યા;
ધૂણે ખાખરા પંડે લાગ્યા દવના માર્યા.
એકલકંટે ફૂલ, માંજરી કાંટા ઢાંકે;
ધીમી ખેરવે સાગ, હવા એ પંજરી ફાકે.
ખીલ્યાં શીમળે ફૂલ, રક્ત ફૂટ્યાં ફણફણતાં;
ખંતીલી મધમાખ, ગીત જોડે ગણગણતાં.
લટકે પીળી ઝૂલ, ઝૂલ ઝૂકવે ગરમાળા;
ખીલ્યાં કરમદે ફૂલ, કૂણાં થ્યાં ઝરડાં-ઝાળાં.
અરડૂસે ઓસાણ ફૂલનાં, લચ્યો અરીઠો;
પંખી માંડે ગોઠ, કોલને કરતાં મીઠો.
શેઢાડી સંતાઈ સંચરે, સરકે એરું;
કીડી-મકોડા ભોંય ખોતરી ખડકે દેરું.
કાઢ્યું ડોકું બ્હાર, આળસુ પાટલાઘોએ;
પલટણ નીકળી બ્હાર, સંઘરી'તી જે ભોંએ.
છટપટ ટૂંકાં પુચ્છ હલાવી હરણાં હાલ્યાં;
મૂંગાંમંતર બીડ, સાવજે ગરદન ઝાલ્યાં.
માથે ચોખ્ખું આભ, આભમાં સમળી તરતી;
સાચવતી થડકાર, સમષ્ટિ જીવતી-મરતી.
છોગાળા ચિત્રોડ, ચહેકતી ચંડૂલ ટોળી;
પૂંછડિયો દૂધરાજ પૂરે નમણી રંગોળી.
વનની કાચી ગંધ પ્રસારે પોપટ, સૂડા;
ઊડી લલેડાં પટ ગજવી નાખે આફૂડાં.
'
'
સ્રોત
- પુસ્તક : બુદ્ધિપ્રકાશ : જાન્યુઆરી ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : રાજેન્દ્ર પટેલ, સુભાષ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ
