Nar bhamarne shikhaman ('Vencharitra'mathi) - Katha-kavya | RekhtaGujarati

નર ભમરને શિખામણ ('વેનચરિત્ર'માંથી)

Nar bhamarne shikhaman ('Vencharitra'mathi)

દલપતરામ દલપતરામ
નર ભમરને શિખામણ ('વેનચરિત્ર'માંથી)
દલપતરામ

(પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય. - એ રાગ.)

નિર્ભય ન ભમિશ રે નર ભમરા,

બહુ બાવળ ક્યાંઇકજ ડમરા. નિર્ભય... ટેક.

આ સંસાર વિકટ વન છે, સ્થિર ચર તરૂવરમય તે છે,

ક્યાંઇ મોટા પર્વત દુઃખમય ક્યાંઈ, સુખમય સરિતા વહે છે. નિર્ભય...

ક્યાંઈ ભયકારી શિકારી ફરે છે, સૂક્ષમ જાળ પસારી;

પગ અડતાં પકડાઈ પડિશ તું, તો પછી શી ગતિ તારી. નિર્ભય...

કોઈ તરુવરનો પરિમળ નિર્મળ, છે વિષમય કોઈ છાયા;

કુટિલ કઠણ છે કોઈના કાંટા, કષ્ટ કરે પરકાયા. નિર્ભય...

ઉપર નિરખી આકાર અધિક શુભ, અધિક સુવાસની આશે;

ગણ ણણ ણણ ગુંજારવ કરતો, પહોંચિશ નહિ તે પાસે. નિર્ભય...

દિસે સરસ દેખાવ ખરો વળિ, ફૂલ અતુલ્ય ફુલેલાં;

પ્રાણ પ્રલય પળમાંહિ કરે, પગટવાથી પણ પહેલાં. નિર્ભય...

સરસ સુગંધિત અમળ કમળ, લોભે ન રહિશ લપટાઈ;

બંધ થતાં બંધાઈ પડિશ તો, મુકરર મરિશ મુંઝાઈ. નિર્ભય...

કોઈ તરુનો ચિકણો રસ છે ત્યાં, ચડપ રહે પગ ચોંટી;

એ પગ પછી ઉખડે ન ઉખાડ્યો, પડે પીડા મહા મોટી. નિર્ભય...

રિસામણી સરખાં તરુ રિસનાં, સેહેજે રિસે ભરાય;

પ્રિય ભાવે પણ સ્પર્શ કર્યાથી, ચડપ બહુ ચિડવાય. નિર્ભય...

કોઈ તરુ ફોગટ ફુલે ખરાં પણ, સુગંધ નહિ માંહિ સારો;

નિરખિ રહિશ પણ, નકી નહિ સરે, તેથી અરથ કાંઈ તારો. નિર્ભય...

કોઈ તરુ કદળી જેવાં, ફળ આપે એકજ વાર;

કાપે તેને ફરી ફળ આપે, બીજા નિરાશ જનાર. નિર્ભય...

રાયણની વળી રીત જુદી, શરૂમાં ફળશે સો વરસે;

સેવા કરનારો સુખ નહી લે, પછિ કોઈને સુખ કરશે. નિર્ભય...

ઠેકાણું ઠિક જોઈને ઠરજે, ડરિશ ન ઠામ કુઠામે;

કથન અધિક તુજ હિતકારક કહી દીધાં દલપતરામે. નિર્ભય...

(દોહરો)

જો વિચારીને જીવ તું, આ શિક્ષા ધારિ ઉર;

સદાચાર ધર સર્વદા, દુરાચાર કર દૂર.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002