Napik ni Varta - Katha-kavya | RekhtaGujarati

નાપિકની વાર્તા

Napik ni Varta

શામળ શામળ
નાપિકની વાર્તા
શામળ

(ચોપાઈ)

પ્રથમ શારદાને કરૂં પ્રણામ, મુજ મુખ દેજ્યો સુંદર્ વાણિ;

ગાઊં હેતે વિક્રમચરિત્ર, જે સાંભળ્યેથી થાઈ પવિત્ર.

ઊજેણી નગરીનો ભૂપ, જેમાં કંદ્રપ સરિખૂં રૂપ;

તેહ તણૂં સિંહાસન સાર, લાવ્યો ભોજ ન લાગી વાર.

દેખતાં ઉપનૂં હેત જ ઘણૂં, લીધૂં મુહૂરત બેઠા તણું;

ઉચ્છવ મંગલ ઠામો ઠામ, જોવા મળ્યૂ સહુ બાધૂં ગામ.

દુંદુભીના દ્રમકારા થાય, ગુણિજન તિહાં બહુ ગુણ ગાય;

ધ્યાન ઈશ્વરીનૂં મન ધરે, આસન બેઠાની ઇચ્છા કરે.

(દુહા)

રાજા ભોજે પગ ધર્યો, જોઈ સુમુહૂરત લાગ;

બોલી શામકા પુતળી : રાય મ ધરસ્યો પાગ.

આગે સિંહાસન ઇન્દ્રનૂં, કહિંઈ તે તો સાર.

(તે) વિક્રમ જીતિ લાવિયો, પ્રાક્રમ અપરંપાર.

તે સરિખા દાતા થસ્યે, (તેહને) બેઠાનો સંજોગ;

અવર બીજો કોઈ બેસશે, તેને થાસ્યે રોગ.

ભોજ કહે : સૂણ પુતળી! વિક્રમમહિમા જેહ,

જથારથ હોઈં તે કહો, સૂણૂઁ કાન હૂં તે.

કહે શામા : સૂણ રાયજી! પાંચે પાતિક જાઈ;

વિક્રમમહિમાં સાંભળે, પાપી પાવત થાઈં.

(ચોપાઈ)

ભોજ પ્રતે શામા કહે વાત, રહ્યો સાંભળવા જોડી હાથ;

નગર ઊજેણી અદ્‌ભુત ઘણી, શી કહૂં સોહા હૂં તે તણી.

નવતેરી નગરી અનૂપ, કરે રાજ્ય તિહાં વિક્રમ ભૂપ;

ધર્મવંત સહુ બાધા લોક, નહિ કોને વ્યાધિ ને શોક,

બોલ ધર્મ સહુ સત્ય આચરે, કુલ આચાર આપે સહુ કરે;

વાજે પંચ શબ્દ નીશાણ, નગર જાણે ઊગમતો ભાણ.

ફરે છત્ર રાજાને શીશ, જેને પ્રસન્ન ઉમિયાને ઈશ;

એટલે તિહાં આવ્યો એક સિદ્ધ, તેહને પાસે છે નવનિધ.

તેને માથે ગોરખનો હાથ, તેહનૂં નામ મણિમાણિકનાથ;

કાનફટો મુદ્રા છે કાન, શિંગી સેલી પરમ નિધાન.

ભગુવાં વસ્ત્ર કંથા ધરી અંગ, શિષ્યગુરૂ નહિ કોઈ સંગ;

કોઈક સમે તિહાં આવી ચઢ્યો, વિક્રમરાયની દ્રષ્ટે પડ્યો.

સભા સમેત ઉઠ્યો રાજન, ગેસાઈંનૂં કરવા પૂજન;

સામા આપ ગયા છે રાય, કરી દંડવત્ લાગા પાય.

સિદ્ધ આપ સિંહાસન ઠરે, રાજા પોતે ચમર જ કરે;

ખાનપાન મેવા પકવાન, લવંગ સોપારી ઉજ્જ્વલ પાન.

તરતીબ કરી પોતે રાજન, માણિકનાથનૂં માન્યૂં મન;

રહ્યા પરોણા દિવસ જ સાત, અરધ જામ ગઈ છે રાત.

એક નાથ ને બીજો રાય, ત્રીજો નાપિક ચાંપે પાય;

કરે ગુહ્ય બેઠા બે ત્યાંહે, નાપિક બેઠો લહે મન માંહે.

(દુહા)

માણિકનાથ કહે રાયજી! પ્રભાતે જાસ્યૂં પંથ;

કાંઈક માગ તૂં મૂઝ કને, ઇચ્છા હોઈં ચિંત.

(તેં) ભક્તિ ભલી કરી માહરી, તે ઉસંકલ થાઊં;

વળી કોઈક દિન આવસ્યૂં, પણ કાલ્ય સવારે જાઊં.

તાહરે વિક્રમ સ્તુતિ કરી, તમો ઈશ્વરનૂં રૂપ;

તમ પ્રતાપે નવનિધ છે, એમ કહે છે ભૂપ.

ઉનમ એક મારે નથી, (છે) શીશ તમારો હાથ;

ઈમ કહેતાં પ્રસન્ન થયા, સિદ્ધ મણિમાણેકનાથ.

નાપિક કાઢી મૂકિયો, રહ્યા એકલા તંત્ર;

પરકાયા-પરવેશનો, રાયનિ આપ્યો મંત્ર.

કલેવર સુનૂં દેખીઈં, જેહમાં જીવન હોઈ;

સંગ કરે થાય જીવતો, (તો) મર્મ ન બુઝે કોય.

રાજરિદ્ધ ઘરસૂત્ર છે, હસ્તી ઘોડા ને ધન;

એહ તમાસો શીખવ્યો, માહરૂં રીઝે મન.

વળી કોઈક દિન આવસ્યૂં, તુઝને આણે ઠામ;

(તાહરે) ઇચ્છા હશે તે આપસ્યૂં, તુઝને આણે ઠામ.

કરતાં વાત નિશા ગઈ, ઉગ્યો દિનકર ભાણ;

માગી શીખને પરવર્યા, પંથે સિદ્ધ સુજાણ.

(ચોપાઈ)

મંત્ર આપીને સિદ્ધજ ગયા, રાજા મનોરથ સફલા થયા;

પેલો નાપિક કાઢ્યો બારિ, તેણે મનમાં કર્યો વિચાર.

સિદ્ધે નૌતમ આપ્યૂં હસ્યે, તેણે રાજા સુખિયો થસ્યે;

તે વસ્ત મેં દીઠી નહી, હવે રહૂં ને જાઊં કહિં.

તેહનૂં દુઃખ હઈડામાં ધરે, ન ખાય અન્ન, ન નિદ્રા કરે;

હૈયૂં લઈ બેઠો તે પ્રાણ, જિમ બુડાં હોય સાતે વાણ.

કાંઈ જાણે જે કાડૂં જીવ; કાંઈ જાણે ઉપાસૂં શિવ;

એકે કામ ન સૂઝે પેર, ત્રુટી બાર પડ્યાં છે ઘેર.

સ્ત્રીછોકરાં સંગ દુઃખજ ધરે, સ્યૂં થાશે કરે;

તેહનૂં દુઃખ ન જાણે કોય, હણે હીયૂં ને ગાઢે રોય.

બીજે દિન ગઈ મધ્ય રાતિ, કરે રાય રાણી સ્યૂં વાત;

ખાય પાન, ને કરે વિવાદ, સાંભળિયો નાપિકનો સાદ.

ઊતરી પલંગથી ગોખે ગયો, એક ચિત્ત રાય આપે થયે;

દિશી વાત નીહાળી જોય, માહા દુઃખભેર રૂયે (છે) કોય.

ધિક ધિક રાજ્યરિધ, મારૂં સુખ, મારા દેશમાં કિમ હોઈં દુઃખ?

ઝાલ્યૂં ખડગ ફેંટો શિર કસી, ઉતર્યો હેઠો આપે ધસી.

સ્વર સાંભળી રાય ગયો તિહાં, નાપિક ઘેર રૂઈ છે જિહાં;

દ્વાર જઈ સાંભળવા રહ્યો, સ્ત્રીઈ બોલ નાપિકને કહ્યો.

સ્યો પ્રકટ્યો છે તમને શોક, અર્ધ રાત્રે સંભળાવવો લોક;

આવડૂં દુઃખ પડ્યૂં છે કિમ? સત્ય ન કહો દીકરાના સમ.

કાલ્ય રાજાને ઘેર હૂં ગયો, તિહાં એક તમાસો થયો;

ગોસાંઈ ચેલો ગોરખ તણો, તેહને નેહ રાજાસ્યૂં ઘણો.

(તેણે) માગ્ય માગ્ય રાનને કહ્યૂં, તે પાસે બેઠાં મેં લહ્યૂં;

તે બે જણે કિધો વિચાર, મુને કાઢી મૂકવા બાહાર.

બાહિર કાઢીને માગ્યૂં હસ્યે, કોણ જાણે તેથી સ્યૂં થસ્યે?

તેનો મુઝને આવ્યો ખાર, મારા મનમાં પડિયો ભાર.

સિદ્ધે આપ્યૂં તે હૂં લેયૂં, નેકર એને હત્યા દેયૂં;

મારે મરવું પડે છે આપ, તે રાજા પાપીને પાપ.

મારો જીવ વણખુટે જસ્યે, રાજનૂં સ્યૂં સારૂં થસ્યે?

એહને ધન અધિકૂં ઘણૂં, વળી લીધૂં હસ્યે કાંઈ જોગી તણું.

એહવો એ લોભી(યો) અપાર, તે વેલાં કાઢ્યો મુઝ બાર;

આસના વાસના સહુએ કરી, સમજાવ્યો બહુ હેતજ ધરી.

અધિક પાંસળિયો ઉછી જાત્ય, સ્ત્રીભરતારે કીધી વાત;

એક એકને માંડી કહી, બાહિરથી વિક્રમે લહી.

સાંભલી સર્વ નાપિકની પેર, આવ્યો રાય પોતાને ઘેર;

થયો પ્રભાત વાણું જાહરે, રાઈ નાપિક તેડ્યો તાહરે.

ગયા સેવક વાળાને મુંઠ, નાપિકને કહે : હવડાં ઉઠ;

રાજાજી તેડે છે તને, તે માટે મોકલિયા મુને.

નારી નાપિકને કહે : સૂણિ રાજાઈં વાત;

તે ખબર થઈ રાયને, કરસ્યે તારી ઘાત.

નાપિક કહે : હૂં મરી રહ્યો, નીચ જાતિ અજાણ;

સ્યૂં લુસ્યે રાય માહ્યરૂં, લેસ્યે મહારા પ્રાણ.

એમ વિચારી આવિયો, દિધી રાયને આશ;

માન દેઈ બોલાવિયો, તેડ્યો પોતા પાસ.

બિક નાણો મનમાં કસી, મુંઝાવો નહિ દેહ;

તુંને આપવા તેડિયો, જે મનમાં છે તેહ.

તારે મન છે ઉરતો, વિહવલ છે તુઝ મન;

તૂં જાણે રાયને આપિયૂં, સિધ્યે અધિકૂં ધન.

નથી દામ આપ્યો મુને, ન કરીશ મનમાં આશ;

વિદ્યા એક આપી મુને, માને દૃઢ વિશ્વાસ.

તે નથી તારા કામની, તારે જોઈઈં ગર્થ;

માગે તો તુંને આપીઈં, જોઈઈં તેટલો અર્થ.

ધન લે તૂં, આનંદ કર; મેટો મનનો શોક;

મંદિર પરવરો સુખસ્યૂં; દુઃખ ધરો તે ફોક.

(ચોપાઈ)

રાજા આગળ નાપિક કહે : કર જોડીનેઉભો રહે;

ધન લેઈને હૂં સ્યૂં કરૂં, સાચવીને કો આગળ ધરૂં.

જો મારા મનનું દુઃખ કાપ્ય, મંત્ર સિદ્ધનો મુજને આપ્ય;

ગોરખનાથનો ચેલો સિદ્ધ, અમુલખ હસ્યે તે તમને દીધ.

તેની વિદ્યા મંત્રનો જોડ, તે આપે તો પોંહોચે કોડ;

મારા મનનો મેલ ન જાય, મંત્ર આપ્યે મુઝને સુખ થાય.

રાજા કહે : ઘેલો તાહરૂં નામ, તે મંત્ર નાવે તારે કામ;

ફોકટ મંત્ર લેઈશ માહરો, અર્થ નહી સીઝે તાહરો.

કહે નાપિક : નવિ આપો રાય! તો મારે નવિ ધરવી કાય;

આ દેહમાં પ્રાણ નહી ધરૂં, ઈશ્વર આણે જે નિશ્ચે મરૂં.

(દુહા)

વિક્રમ રાય વિચારિયૂં, તેડ્યો નાપિક એકાંત;

મંત્ર હતો તે શીખવ્યો, ભાગી મનની ભ્રાંતિ.

રખે બીજાને શીખવે, ઈમ કહ્યો ઉપદેશ,

સિદ્ધમંત્ર નાપિક થયો, પરકાયાપરવેશ.

(ચોપાઈ)

ગયો નાપિક ઘરે ઉલટ ઘણો, રાખ્યો મંત્ર મહાસિદ્ધ જ તણો;

તે વાત તે ન જાણે કોય, અનેક દિવસ તે ઉપરિ હોય.

તે વાત તો વિસારે પડી, એક દિવસ તે સેન્યા ચઢી;

રાજા વીર વિક્રમ મહારાજ, ચઢ્યો આપ મૃગયાને કાજ.

અનમી જન વાંકા વેડાગ, નહી પગ મહેલણનો માગ;

વાજે દુંદુભી ઘનઘોર, વલ્યો નાદ નિશાને ઠોર.

ઝલઝલતો પારો, ઉગતો ભાણ, શોભે વિક્રમ વીર સુજાણ;

પંચ કોડિનાં વસ્ત્ર છે અંગ, નવ કોડિનો મુગટ નવરંગ;

બાણૂં કોડિનાં આભૂષણ ઘણાં, રતન અમુલક હીરે જડ્યાં;

નવ કોડે નવ લાખે તુરી, પલાણ પંચ કોડે પાખરી;

રવિબિંબ આકારે છત્ર, જડિતમણિ ઉપર છે પત્ર;

કનક પુષ્પ વેરંતો જાય, જાચિક જશ અનેરો ગાય.

નાનાં મોટાં જન સહુ કોય, ચઢી મોલ સહુ નારી જોય;

એ રીતે તે ચઢ્યો શકાર, આવ્યા નગરથી વન મોઝારિ.

સાત મૃગ ઘેર્યા છે રાય, રાવત સહુ તે કેડે જાય;

નાઠો એક બાંડો મૃગલો, તે પુંઠે રાજા એકલો.

તે પગલાં પુંઠિ નાપિક જાય, તે નવિ જાણે વિક્રમ રાય;

એક જોજન જાતાં જવ ગયો, લશ્કર તો સહુ પાછળ રહ્યો.

મૃગ થાકીને હેઠો પડ્યો, વિક્રમ જૈ પાછળથી અડ્યો;

રાજાઈં જવ સાંધૂં બાણ; હર્યા હરણના આપે પ્રાણ.

અરૂં પરૂં રાજાજી જુઈં, મનુષ્ય નામ નવિ દિઠૂં કોય;

વિચાર કર્યોં આપે મનમાંહ, સિદ્ધ વચન સાંભરિયૂં ત્યાંહ.

ખરો ખોટો મંત્ર કિમ જાણિઈં, જોઈ મૃગ સાથે નાણિઈં;

વેડંગ થકી ઊતર્યો નરેશ, મૃગની દેહમાં કર્યો પ્રવેશ.

તે મૃગલો તો જીવતો થયો, એટલે તે સ્થાનક નાપિક ગયો;

પડ્યો દીઠો રાજાનો દેહ, તેને દૂધે વૂઠા મેહ.

થયો રાજા પૃથ્વીપતિ દેશ, નાપિકે રાયમાં કર્યો પ્રવેશ;

તેમાં ક્ષણૂં ન લાગી વાર, થયો વેડંગે તે અસવાર.

રાજા મંત્ર ખરો ભાવિયો, વિક્રમ રૂપ ધરવા આવિયો;

જુઈં તો કાયા જીવતી થઈ, બેઠો છે અશ્વ ઉપર જઈ.

વિક્રમે વિચારૂં હાથનાં ઘડ્યાં, તે તો મારે મસ્તક પડ્યાં;

નાપિકે જાણ્યો મૃગ તે રાય, કાઢી ખડગ તે ઉપર ધાય.

કાઢૂં ભાવઠિ પ્રાણ લીજીઈં, સુખે રાજ્ય પૃથ્વી (નું) કીજીઈં;

વિક્રમે જાણ્યૂં લેસ્યે પ્રાણ, નાઠો મૃગલો વીર સુજાણ.

સેન્યા સંઘ આવી તિહાં મલી, ગયો રાય તે સહુમાં ભલી;

(ભાઈ!) બાંડો મૃગલો જેનું નામ, મારે તેને આપૂં ગામ.

એવો ખાર હઈડે લાવિયો, મૃગલો હાથ કોને નાવિયો;

રાજા મનમાં આણે ગર્વ, ઘેર્ય આવ્યા સહુ રાવત સર્વ.

ફર્યું નાપિક કેરૂં કર્મ, લહી શક્યો નહિ કોણે મર્મ;

અનમી રાવત જુહાર જ કરે, છત્ર અમુલક માથે ફરે.

રાય દેહ, રાયનો શૃંગાર, રાયનાં વસ્ત્ર, રાયનો તોખાર;

ઉલટ ભરે હરખતો મન, આવે છે પોતે ભુવન.

નારી વધાવે વિક્રમ વીર, છાંટે ગુલાબ તણાં તો નીર;

મુક્તાફળની થાળો ભરે, ભાવે બાળા મસ્તક ધરે.

રતન, કનક ને ભાત્ય અમૂલ, વેપારી આવી વધાવે ફૂલ;

ઈમ હરખતો આપે જાઈં, વડી રાણીના મોહોલા માંહિ.

રાવત સહુ વિદાય જ થયા, રાજાજી મોહોલામાં ગયા;

આજ્ઞા માગી વળ્યો પરધાન, જાયો પધારો કિધી સાન.

એક દાસી દડબડસ્યૂં જાય, મોલે પધાર્યા વિક્રમ રાય;

રાણીજી સમરાવે વાટ, પથરાવ્યા કનકના પાટ.

વેરે પુષ્પ પાછલ ચોપાસ, કસ્તુરી બેહેકે લીલવિલાસ;

કનક ઝારિ કરમાંહે ધરી, મુક્તા રત્નની થાલ જ ભરી.

વધાવવા રાણી સંચરે, તે આગળ સખિયો પરવરે;

રાણી તો છે ચક મોઝારિ, ખીજ સખિયે છે બહુ બાહાર.

દેહ રાયની, નાપિકનો પ્રાણ, નહિ બુદ્ધિ તે છે અજાણ;

રાણીની જે છે સત સખી, એક તેમાં અધિષ્ઠાતા મુખી.

તેણીઈં આવી કર્યો જુહાર, રાજાઈં જાણ્યૂં એ મારી નારી;

કર ઝાલ્યો તે કામની તણો, તેહ ઉપરિ નેહ આણી ઘણો.

સકલ સ્ત્રીમાં વાહાલી તૂં, હેતે મોહોલે આવ્યો હૂં;

બીજી નારી તો જોઈ રહી, તે નારી તો ઝાંખી થઈ.

એસ્યૂં રાજા બોલે આજ, એહના મનમાં નાવે લાજ;

પડદે રાણીઈં દીઠૂં દષ્ટ, આપ મનમાં પામી બહુ કષ્ટ.

કાંઈક કપટ રાજાને થયૂં, ડાહાપણ એહનૂં તે કિહાં ગયૂં;

હેઠી મેહલી મોતી થાળ, ન વધાવ્યો, ન આણ્યો વાહાલ.

તેહવૂં રૂપ ને તેહવો રંગ, બીજી ચાતુરી, બીજો ઢંગ;

રાય બેઠો પલંગે જઈ, સ્ત્રી જઈ આઘી ઉભી રહી.

રાઈં આપવા માંડ્યાં પાન, હેત દેખાડે, દે બહુ માન;

સ્ત્રી કહે કાલ્ય કહી છે વાત, તે મુઝને સંભળાવો નાથ.

કાલ્ય આપણે કીધૂં ભોજન, તે મુઝને કહો રાજન!

નાપિક બુદ્ધિ હીણો સ્યૂં કહે, મુખ સામૂં જોઈને હસે.

રાણીમાં લક્ષણ બત્રીસ, હઈડા માંહે રાખી રીસ;

ઉરડામાં આવો એકાંત, કહૂં વાત ભાગીને ભ્રાંત.

રાય ગયો ઉરડામાં વલી, રાણીઈં દીધી સાંકળી;

વાહાણામાં પૂછસ્યૂં પરધાન, તાહાર કેડે દેસ્યૂં માન.

રાખ્યો નજરબંધીમાં તેહ, મનમાં ઉપનો છે સંદેહ;

પ્રાતસ્કાલ થયો જાહરે, રાણી પ્રધાન તેડ્યો તાહરે.

છાની અકલ બાંધી બુધ, બેહુ જણે વિચારી સુઝ;

એહ દુઃખ તો મેં કિમ કહેવાય? રૂપ જોતાં તો એ છે રાય

લક્ષણ જોતાં મુરખપણૂં, બીજૂં પારખૂં કીધૂં ઘણૂં;

સમસ્યા તિહાં પામે શુદ્ધિ, રાણી પૂછે તે બહું બુદ્ધિ.

(દુહા)

નીર વિના તે નીપજે, પાપી પેદા થાય;

તેહને જવલો જિતસ્યે, તે તમે કહો ને રાય. —ભુખ.

સિંગ સહિત જે જનમિયો, જોબનમાં સિંગ જાય;

જોબન ફીરિ વૃદ્ધ થયો, સિંગ ફરીને થાય. —ચંદ્રમા.

જબ જાયો તબ ત્રીસ ગજ, જોબનમાં ઝંપાય;

વૃદ્ધ કાલે પણ ત્રીસ ગજ, તે કહે અમને રાય. —પડછાયો.

હાથ, પગ, મુખ, નાસિકા, સાથે પંથ પળાય;

અનઉદક ખાઈં નહિ, તે કહો અમોને રાય. —છાયા.

વણ પાણીઈં નીપજે, સર્વ વસ્તુમાં સાર;

જાણ હસ્યે તે પંડિતા, નહિ જાણે ગુમાર. —વુણ.

જૂના ઘર ઉપરિ વસે, પનર પાણિ વલ જેહ;

રાજા કરી થાપૂં તુને, અમને જો કહો તેહ. —પાઘડી.

નારી જાતે ઉજળી, મુખ નાસિકાને નેણ;

અનઉદક નિદ્રા નહિ, મુખ ન બોલે વેણ. —સર્પની કાંચળી.

નરથી નારી નીપજે, જેહથી શોભે નાર

પ્રથમ શોભે તેહને, જેહને શિર ભરતાર. —કાજળ.

નવ ગ્રહમાં જે છે મુખી, તેહનો સહોદર હોય,

તેને નામે નામ છે, તે મુજ પાસે જોય. —ચાંદલો.

મુખમંડણ પુરુષા તણૂં, દુશમનગંજન જેહ;

નારી વડે નર જાણીઈં, અમ આગળ કહો તેહ —મૂછ.

વદન શ્યામ ને ગૌરવર્ણ, અમી ઝરંતો આપ;

તેહના સંગ થકી મટે, શોકાંતર મહાતાપ. —માનું થાન.

સુરવાહનથી નીપજે, નારી દસ કે બાર;

તે નરતો નારી કને, જેનૂં ભાગ્ય અપાર. —ચૂડો.

સિંધુસુતાપત તાસ તન, તા શત્રુ કહેવાય;

તે પ્રસન્ન અમને સદા, મન વિચારે રાય. —શિવ.

ગોરીસુતવાહન તાસ રિપુ, રિપુકો સ્વામી હોય;

તેહ વલ્લભ મુઝ જીવને, અવર ન દુજો કોય. —શ્રીકૃષ્ણ.

હેમસુતાપતિ શિર રહે, તાકો ચાહૂં સંગ;

તાસ પતિકી ભારજા, ઉન દોઉ સુરંગ. —ગંગાજી.

જેની દેહે બે રોગ છે, તે ઉપમા જેને મુખ;

તાસ પતિસ્યૂં પ્રીતડી. ભેટે ભાજે ભૂખ. —ચંદ્રમા.

પોસ માઘ જેનો અમલ, તેને નામે નામ;

તેના ચોરને મારજ્યો, તેનૂં માહરે કામ. —શ્રીરામ.

વાયુ ભખે, અરતિ ચઢણ, તેની સ્ત્રી તાતજ જેહ;

પાષાણ ધર્યો રુદયા વિચે, મારે તેસ્યૂં તેહ. —શિવ.

વેરણ મારે જીવતાં, તે અદકી તેનો ભ્રાત;

તેનો મારણ મુઝ મળે, (તો)કહૂં મનડાની વાત. —રામજી.

પગ પેટ વચમાં વસે, તેહને નામે નામ;

તેના અધિપાતિને હસ્યૂં, અંતે તેસ્યૂં કામ. —શ્રીરામ.

મેર શીખર બેઠી રહે, નારી નરનૂં નૂર;

(તે) નારી નર જાણી નહિ, (તે) ગયા વહેતે પૂરે. —પાઘડી.

(ચોપાઈ)

નારીઈં સમસ્યા કહી, નાપિકે એકે નવિ લહી;

વિક્રમ ઉત્તર આલે સર્વથી, એતો જીવ રાજાનો નથી.

રૂપ રંગ તો રાજા તણો, તે તો સંદેહ મનમાં ઘણો;

વળી બીજાં પૂછ્યાં ઈંધાણ, નાપિક સ્યૂં જાણે અઝાણ.

છાનાં ડાટ્યા સાચાં જેહ, પૂછી પેર નાપિકને તેહ;

એકે વાતે નાવ્યો પાર, તાહરે આણ્યો મનમાં ખાર.

આપણો તો એ રાજા ન હોઈં, શીદ ભુંડૂં મનાવો કોઈ;

રાણી પ્રધાનને દૃઢ વિશ્વાસ, નોહે રાજા મૂકી આશ.

હવે વાત એટલેથી રહી, નાઠો હરણ તે શી ગતિ થઈ?

હયડાં માંહે સઘળૂં તે લહે, વાચા નહિ કો આગલ કહે.

અહોરાત્રિ તે વનમાં કરે, વનતરણ આવે તે ચરે;

જો જો ઈલે એવે ખોહ્યૂં રાજ, નાપિક ઉપર અધિક દાઝ.

(દુહા)

નાપિક રાખ્યો ઉરડે, મૃગ ફરે નિત્ય વન;

એકે દાવ ફાવે નહી, ઝુરણ લાગી મન.

(ચોપાઈ)

ઈમ કરતાં એક પક્ષ જ ગયું, તે દાઢે એક કૌતક થયૂં;

એક પોપટ, ખીજ પોપટી, આંબે બેઠાં બે લટપટી.

એટલે સીંચાણે દીધી દોટ, કીધી પોપટ ઉપર ચોટ;

પોપટી ઝપટી ઉડી ગયો, પોપટ તિહાં એકલો રહ્યો.

મહા ભય લાગ્યો નિરવાણ, સદ્ય ગયા પોપટના પ્રાણ;

મૃગ ફરતો તે આણે કષ્ટ, એટલે પોપટ દિઠો દષ્ટ.

રાઈં મનમાં કર્યો વિચાર; મૃગથી રૂડો પોપટ અવતાર;

એવો મંન ધર્યો ઉપદેશ, શુક કાયા કીધો પરવેશ.

આવી પાંખ ને વાચા થઈ, રાજ કહે છે ચિંતા ગઈ;

મૃગ દેહ તો વનમાં રહ્યો, રાજા પોપટ થઈ ઉડી ગયો.

ફરતો ફરતો આવ્યા જિહાં, (નમ્ર) ઊજેણી પોતાની તિહાં;

દિઠૂં નમ્ર શમો છે શોક, દિઠૂં રાજ્ય, પોતાનો લોક.

પ્રધાન આપ એકલો થયો, પોપટ તેના પાસે ગયો;

બેઠો હાથ ઉપરી તે જઈ, છાની વાત વીતી તે કહી.

એહ વાત મનમાં રાખજ્યો, એક રાણી આગળ દાખજ્યો;

વિક્રમ રાજા તે તો અમો, સાચી શીખ સમજી લ્યો તમો.

મણિનાથે મંત્ર જે આપિયો, તે નાપિક દૃષ્ટે ઘાલિયો;

તે થકી પ્રગટૂં મહા દુઃખ, શીખવ્યો મંત્ર કરૂં મેં સુખ.

તે ઉપર તો દિન વહી ગયા, આપણ આપ શકારે ગયા;

હૂં આગળ ચાલ્યો એકલો, તિહાં જઈ મેં માર્યો મૃગલો.

સાચો જૂઠો મંત્ર ઉપદેશ, મૃગકાયા કિધો પરવેશ;

નાપિક તો આવ્યો તે ઘડી, મારી કાયા દીઠી પડી.

તે કાયામાં પેસી ગયો, રાજા થઈ, અસ્વારજ થયો;

મુઝને મારવાને ઊઠિયો, હૂં તિહાંથી નાસી છૂટિયો.

એમ (હૂં) પામ્યો વનમાં કષ્ટ, પોપટ મૃત્યક દીઠો દૃષ્ટ;

મૃગ તણી કાયા પરહરી, પોપટમાં પરવેશજ કરી.

ઉડીને આવ્યે તમ પાસ, જો તમને આવે વિશ્વાસ;

તેહ વાતની પ્રતિગ્ના લેઊં, જે કહો તે નિસાની દેઊં.

પ્રધાન રાણી આગળ કહ્યૂં, માન્યૂં સાચૂં બિહુએ લહ્યું;

પોપટને તો ચાંપ્યો રુદે, અમૃત વચન તે રાણી વદે.

રાજા મને ઉછૂં આણસ્યે, નાપિકને મેહેલે જાણસ્યે;

એના મનમાં રહેસ્યે દાઝ, નાપિકે કર્યું હસ્યે રાજ્ય.

પાય નમી જોડી બે હાથ, પોપટ આગળ કહે છે વાત;

રાણી કહે: સાંભળો વચન, કહૂં તમને હૂં એહ કથન.

(દુહા)

રાજાજી મન જાણજ્યો, આણી દૃઢ વિશ્વાસ;

જાણ્યો છે અમો તારથી, જિહારે આવ્યો પાસ.

રૂપ રંગ તો તમ તણું, મૂરખ એવાં ચેન;

તે દાઢે અમો પારખ્યો, બુધ્ય નીચ, નીચ નેન.

ઘાલી મેલ્યો ઉરડે, જાત્ય તમારી માટિ;

ખાઈ અન બેસી રહે, મેટો મન ઉચાટ.

તમો કહ્યો તાહરે લહ્યો, નાપિક એહનૂં નામ;

શીખામણ તમો જે કહો, તે કરીઈં અમો કામ.

પૂછી વાત પટાંતરે, પૂર્યો તેહ ઈંધાણ;

વિશ્વાસ થયો પરધાનને, ઉલખ્યો ચતુર સુજાણ.

જે કહો તે અમો આચરૂં, (જેમ) નાપિક ઈહાંથી જાઈં;

તમે પ્રવેશ કાયા કરો, (જિમ) આપણને સુખ થાય.

(ચોપાઈ)

પોપટ કહે: સાંભલિ પરધાન! વાત ન કરસ્યો ત્રીજે કાન;

નહિ નીસરે જો હઠસ્યૂં ચઢે, તો આપણને વિપતજ પડે.

હૂં કહૂં તે કરો એક રીત, એં સંઘાથે જોડો પ્રીત;

મૂરખ છે ભોળવાયો જસ્યે, તેથી કામ આપરણૂં થસ્યે.

લાવો મૃત્યક (એક) એને પાસ, કહીઈં અમને દૃઢ વિશ્વાસ;

પર કાયા પરવેશજ કરે, તો વિક્રમ વળી સાચો ખરે.

તારે એને ઉપજસ્યે નેહ, લોભ પોતે તજસ્યે દેહ;

પર કાયા પેસે જાહરે, હૂં માંહે આવૂં તાહરે.

એટલો પ્રપંચ કરો જો મર્મ, (તો) ઈશ્વર રાખે આપણો ધર્મ;

હવડાં દુઃખ મારી દેહને, કર્મ જોરાવર છે એહને.

પોપટ, પ્રધાન, ત્રીજી નારિ, તેણે મળી કર્યો વિચાર;

રાણી પ્રધાન બે સમજ્યાં તેહ, ભાગો મન તણો સંદેહ.

(દુહા)

ઘેટો એક ઘરમાં હતો, ડસ્યો તે સાપે તર્ત;

સાજો, તાજો જીવતો, ક્ષણમાં પામ્યો મર્ત.

રાણી આવી તિહાં સરી, ઉરડે ઘાલ્યો ભૂપ;

પ્રણામ કર્યો તેને નમી, દેખી વિક્રમ રૂપ.

સંદેહ ભાગો મન તણો, (તો) ટળે અમારી દાઝ;

વિક્રમનૂં આપો પારખૂં, (તો) હૂં બેસારૂં રાજ.

જે કહો તે હૂં કરૂં, રાજા કહે છે કામ;

દુઃખ દે છે ફોગટ મુને, વિક્રમ મારૂં નામ.

રાણી કહે: મેં ઉલખ્યો, રાય તમારો દેશ;

એક દેખાડો પારખૂં, (કરો) પરકાયાપરવેશ.

તો મન માને માહરૂં, પોંચે મનની આશ;

પછે છત્ર ધરાવિયે, ભોગવો લીલવિલાસ.

કહે નાપિક મુજને ગમ્યું, સત્ય કહી તમો વાત;

તે દેખાડું પારખું, હું તો વાર જ સાત.

(ચોપાઈ)

રાજાને તો કાઢયો બાર, રાણી પ્રધાન ને પોપટ ઠારિ;

મૂઓ ઘેંટો તિહાં ઉભો કર્યો, નામ દેઈ (રાય) આગલ ધર્યો.

નાપિક અજાણ જે ઉછી જાત્ય, ચતુરાઈની સ્યૂં જાણે વાત;

સિદ્ધમંત્ર આરાધન કરે, રાય શરીરથી તે નીસરે.

રાયશરીરથી તજિયો વેશ, ઘેટામાં કીધો પરવેશ;

રાય(ની) દેહ(માં)થી નાપિક ગયો, ઘેટો ઉઠી બેઠો થયો.

(દુહા)

પોપટમાંથી નીસર્યો, વિક્રમ વીર સુજાણ;

પાંચે મહીને આવિયો, આપ દેહીમાં પ્રાણ.

નિર્ઘોષ દુંદુભી તમા, વાગાં મૃદંઘ;

ઓચ્છવ અધિકો આચર્યો, રાજરિત્ય મહારંગ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928