દલપતરામ
Dalpatram
(ભુજંગી છંદ)
તજી મંદિરો માળિયાં ગોખ મેડી,
તજી બાગ ને બંગલા પ્રૌઢ પેઢી;
સ્મશાને સુકા કાષ્ઠમાં વાસ લેવો,
અરે આવશે એક તો દીન એવો.
ઘણા ઘેર મેના ઘણા હાથી ઘોડા,
ઘણા જુક્તિવાળા બન્યા બેલ જોડા;
ઘડીમાં થશે સ્વપ્નના સાજ જેવો,
અરે આવશે એક તો દીન એવો.
હશો ગામમાં સીમમાં કે કૃષીમાં,
હશો ખેદમાં કે હશો જો ખુશીમાં;
કહો કોણ જાણે હશે કાળ કેવો,
અરે આવશે એક તો દીન એવો.
નહીં આગળે કાગળેથી જણાવે,
નહીં કોઈ સાથે સંદેશો કહાવે;
અજાણ્યો અકસ્માત આશ્ચર્ય જેવો,
અરે આવશે એક તો દીન એવો.
પુરાં થૈ શક્યાં તે થશે કામ પૂરાં,
અધૂરાં રહ્યાં તે રહેશે અધૂરાં;
તડાકો તમે તોપનો જેમ ટેવો,
અરે આવશે એક તો દીન એવો.
ન દે એ પછી આંખ ઉઘાડવાને,
ન દે દ્રવ્ય દાટેલું દેખાડવાને;
ન દે બોલવા તે તથા શબ્દ તેવો,
અરે આવશે એક તો દીન એવો.
રહ્યા મિત્ર સંબંધી તે સર્વ રોશે.
જરી જોર ચાલે નહીં દૃષ્ટિ જોશે;
જશે ખાખ થૈ ઉડી આ તો અવેવો,
અરે આવશે એક તો દીન એવો.
હશે આજથી વર્ષ બારે અગ્યારે,
કદાપિ હશે આજ કે કાલ ક્યારે;
નકી તો નથી શો ભરુંસો રહેવો,
અરે આવશે એક તો દીન એવો.
લતે લાગી લાગી કરે લક્ષ લાંબા,
ઉછેરે અભીલાખના લાખ આંબા;
કહો કોણ ખાશે મહા મિષ્ટ મેવો,
અરે આવશે એક તો દીન એવો.
ન જાણે અધુરું રહ્યું કાંઈ કૃત્યે,
ન જાણે કશી ઓપટી કે અગત્યે;
ચડી ચોટમાં પાંશરો પ્રાણ દેવો,
અરે આવશે એક તો દીન એવો.
ભર્યાં પેટીમાં રાચ રૂડાં રૂપાળાં,
રહે તેમનાં તેમ દીધેલ તાળાં;
નથી કુંચીનો લૂમખો સાથ લેવો,
અરે આવશે એક તો દીન એવો.
ચિતે ચેતજો સદ્ય ચેતી શકો તો,
પુરા શોધથી બોધ પામો પકો તો;
સદાકાળ દલપત્તનો દેવ સેવો,
અરે આવશે એક તો દીન એવો.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
