mithi mathe bhat - Katha-kavya | RekhtaGujarati

ડુંગર કેરી ખીણમાં ગાંભૂ નામે ગામ,

ખેતી કરતો ખન્તથી પટેલ પાંચો નામ.

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,

ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનૂં, ફરતાં જંગી ઝાડ,

ચોપી તેમાં શેલડી વાધ્યો રૂડો વાડ.

પટલાણીએ પુત્રનૂં મુખ દીઠૂં છે માંડ;

મીઠી ઉંમર આઠની બ્હેન લડાવે લાડ.

શીયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાડ;

વાઘ શિયાળ વરૂ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહિ છે ઝુંડ,

રસ મીઠાની લાલચે ભાગે વાડો ભૂંડ.

ચીચોડો બેસારવા પાંચે કરી વિચાર

બાવળનાં નથ બૂતડી તુર્ત કર્યાં તૈયાર.

સોંપ્યૂં સાથી સર્વને બાકી બીજું કામ,

સાધન ભેળૂં સૌ થવા તવા તાવડા ઠામ.

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ

રોંઢા વેળા ગઈ વહી પડતૂં ટાઢૂં ભાત.

કહે મા, “મિઠી લે હવે ભાત આપૂં, કિકો લાવ મ્હારી કને, જા તું બાપું;

હજી ઘેર આતા નથી તૂજ આવ્યા, ભુખ્યા હશે વાડ કામે થકાયા.”

“ભલે લાવ બા જાઉં હૂં ભાત દેવા, દિઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?

મિઠી કેળ શી શેલડી તો ખવાશે, દિઠી છે ટુંકી વાટ જલ્દી જવાશે.”

વહી જાય છે વેગમાં ફાવી ભરતી ફાળ

ગણે કાંટા કાંકરા દોડે જ્યમ મૃગબાળ.

ડુંગર ગાળી ગીચમાં કેડે કુદતી જાય;

સામો વાડ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપૂં ભાત;

એમ અધીક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બ્હાર ત્યાં વાઘ ધસ્યો વિકરાલ

થપાટ પાછળથી પડી બાળા થઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યૂં ઝરડામાં જકડાઈ;

મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ!

વૃક્ષ ઉંભાં વીલાં બઘાં! સુની બની સૌ વાટ!

સાંઝ વહી સુનકારમાં ઓઢીને અન્ધાર :

રાત રડે છે રાનમાં આંસૂડે ચોધાર.

પ્હોંચી ઘર પાંચો કરે “મીઠી!” “મીઠી!” સાદ;

“મ્હારે તો મોડું થયૂં રોંઢો રહ્યો યાદ.”

પઠલાણી આવી કહે, “મેલી છે મેં ભાત,

મળી નથી ત્હમને હજી? રોકાણી ક્યાં રાત?”

“મળી નથી મીઠી મ્હને મારગ ધોરી વાટ;

કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ.”

બની ગયાં બ્હાવરાં બન્ને મા ને બાપ

ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સન્તાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિકકે મૂખ;

ઝાંખાં સર્વે ઝાડવાં, દારુણ જાણે દુ:ખ.

“મીઠી! મીઠી!” પાડતાં બૂમ ઘણી માબાપ

જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયૂં કંઈ ઠામ;

તે તો ઘરની તાંસળી, ભાતતણૂં નહિં નામ.

ખાલી કોણે કરી- હશે સીમનાં શ્વાન:

મીઠી કા મેલી ગઈ?- બોલે નહિં કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડૂં, નીચે જોય;

મીઠી કેરી ઓઢણી- પોકે પોકે રોય.

હા મીઠી, તૂં ક્યાં ગઈ? શૂં—ઝમે રુધીર!

ઉત્તર એનો ના મળે: બધૂં વિશ્વ બધીર.

નિરાશ પાછાં વળ્યાં કરતાં અતિ કકળાટ;

“મીઠી મીઠી” નામથી રડતાં આખી વાટ.

વાડ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત;

તોપણ દેખા દે કદી મીઠી માથે ભાત.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931