lagan - Katha-kavya | RekhtaGujarati

(લગન ગીરના ટેકરા ઘંટલો અને ટેકરી ઘંટલીનાં)

ગીરનો નાનો નેસડો, છે કાઠીતળ નામ

માલ, મનખ ને છાંયડા થયાં ઠરીને ઠામ

સહુનાં ઝલમલ ખોરડાં, કલબલ આંજી આંખ

એક રવાના ખોરડે લાગે થોડી ઝાંખ

માલઢોર વાડે ભર્યાં, દૂધની વહેતી ધાર

ખૂટે રવાને ખોરડે, ખોળો ખૂંદણહાર

રાંદલમા રીઝ્યાં નહીં, ફળી પામી ખેલ

જંગલ ગ્હેકે સામટું, ઘરમાં મૂંગી ઢેલ

બન્યો રવો આતો પછી ગીરનો આપોઆપ

ગીર રવાની માવડી, ગીર એનો બાપ

નેસે નેસે સંચરે, સ્પર્શે સહુની પીડ

ડુંગરને પૂજતો ફરે, ભરે બાથમાં બીડ

હાલે-મ્હાલે માંડવે, સારેમાઠે જાય

મિષ્ટાન્ને પાતર ભરે, પંગત બેસી ખાય

પામે બહુ પહેરામણી, બંધાવી લે પાઘ

બને પરોણો પ્રેમથી, માગશર હો કે માઘ

ઢોલ ઢબૂકશે આંગણે, પંગત પડશે સાથ!

તારે ઘર કે દી થશે, એઠા અમારા હાથ?

કહ્યાં કોઈએ આમ તો હસતાં હસતાં વેણ

છેક ભીતર પહોંચી ગયાં, છલકી આવ્યાં નેણ

રાતદિવસ ખૂંચ્યા કરે પેલા વરવા બોલ

ગીરને કે દી નોતરું? ને વગડાવું ઢોલ

નજર ફેરવી ગીર પર, રવે નિતાર્યું વ્હાલ

નિર્ણય પર આવી જઈ કર્યો અમલ તત્કાલ

સામે ઊભો ટેકો ગરવીલો ને નેક

ખેતરવા છેટી નહીં, રૂડી ટેકરી એક

નામ ઘંટલી એકનું, બીજો ઘંટલોરાય

લગન કરાવું બેઉનાં, સુવાણ તે દી થાય

ગીર-પંચ ભેગું થયું, ખાધા ધાણાગોળ

ઓસરીએ વરસ્યાં અમી, ફળિયું ઝાકમઝોળ

દીકરી માની ઘંટલી, કન્યા ભીનેવાન

જંગલ વરનો બાપ થઈ, જોડી આવશે જાન

સવનપાન પર નોતરાં, ઉપર સાથિયો એક

ગીરમાં વનવન પહોંચજો, તેડાં કરજો છેક

લિખિતંગ આતો રવો, વરે ઘંટલારાય

લખતા કોરી આંગળી આપે રાતી થાય

ઊડ્યાં લલેડાં આભમાં, ઘૂમ્યાં કાબર કીર

વનવન પહોંચ્યો વાયરો, કૌતુક ભાળે ગીર

ના જોયા ના સાંભળ્યા વિવાહ આવા ક્યાંય

હરખી ધોળી વોકળી, ફૂટુંફૂટું ગીત થાય

ગગન સરીખો માંડવો, ચમકે જરિયલ ઝાંય

તારાઝૂમખી ઝૂલતી સોહે તોરણ માંય

ચોક પૂરેલી પરથમી, ભાતીગળ પટકૂળ

ઉમંગ થઈ ઊડતી બધે, ગીરની રાતી ધૂળ

લઢી તાંસળીમાં ભર્યો, તડકો કૂણો એમ

પીઠી ચોળે માવડી, કાયા ઊજળી હેમ

લાજી મરતી ઘંટલી, મનમાં મોઘમ ભાવ

છાનું મલકી ઘંટલો, દેતો મૂછને તાવ.

ચોરી એક અધોડિયે, બીજી ખોખરા દીમ

ત્રીજી છોડિયે, ને ચોથી કપૂરિયાની સીમ

પંખીગણ ઊપડી ગયા જવતલ વીણવા કાજ

ઊડ બતાવે માંડવે વિવાહતો દૂધરાજ

રણકી રણકી કાંબિયું, ઘૂઘર ઘમકી વેલ

ઓઢી ફૂમતાંટોપિયું, પૂગ્યા છબીલા છેલ

માણસ હારે મરઘલાં, વાનરટોળી હૂપ

સાવજ હૂકતા બીડમાં, વડદાદાનું રૂપ

હિરણ સરસત જાનડી, વરની બે’નું થાય

અણવર વાહાઢોળનો, પોરસ ક્યાંય માય

અડધો અડધો થયા કરે, રવો માંડવે એમ,

ગણપત રહેજો સાથમાં, પૂરી કરજો નેમ

પીતાંબરી ગરમાળની, ખેસમાં શીમળા-ફૂલ

વરનો સાફો ખાખરો, ઝૂલે કેસરી ઝૂલ

કન્યા ઊભી કોડામણી, કુમળાં કંકણ સાત

પાનેતર પહેરાવવા આવ્યાં આવળમાત

મંગળ વરતે માંડવે, સપ્તપદીના સૂર

ગોરઅદો લલકારતો, પડછંદો ઘેઘૂર

ફેરા વરકન્યા ફરે, ફરે પરથમી સાથ

માળવેલો વરમાળ ને, મીંઢળબાંધ્યા હાથ

ઠલવ્યાં ઘીનાં પારિયાં, લચલચતાં પકવાન

ગીર ધુમાડાબંધ થઈ, માંડવડે મહેમાન

દાપું દીધું ગોરને, વરત્યા સહુ વહેવાર

સહુને બાંધી પાઘડી, રવે ઉતાર્યો ભાર

વર્ષો વીત્યાં વાતને, ખમ્મા ગીરનું રાન

નથી વિખાયો માંડવો, નથી ઊઘલી જાન

જ્યાં લગ નેડો રાખશું, ગણશું ગીરને માત

ત્યાં લગ જીવશે ઝાડવાં, જુગજુગ વહેશે વાત.

(૯,૧૦,૧૪/૦૧/ર૦રર)

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2023