aa yugna kawio - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ યુગના કવિઓ

aa yugna kawio

શશિન્ ઓઝા શશિન્ ઓઝા
આ યુગના કવિઓ
શશિન્ ઓઝા

ટેકો લઈ તકિયા તણો મદભર્યા બાપુશ્રી બેઠા હતા,

હોકો પાસ પડ્યો લઈ ફરી ફરી આનંદથી ફૂંકતા;

‘ને મારા સમ એકવાર’ તણી કૈં થાતી’તી તાણાતુણી

ત્યાં મેપા તણી સાથ ભાગ્ય વધતાં આવી પહોંચ્યા કવિ!

મેપાએ કવિની પિછાન સહૂને આપી મધુરી ઢંબ,

સંકોચે કવિએ હસંત વદને માપી લીધા સર્વને,

ત્યાં બાપુ જરી કંઈ હલ્યા, મુખ વિષે વાણી રહ્યા છે વદી,

‘બોલો, કેવું લખો છ? એક નમૂનો, એકાદી તો કૈં કડી?’

લજ્જાવંતુ ધરી મુખે સ્મિત વદ્યા : ધીરી ગિરામાં, અહા!

કાવ્યો મીંદડી, ??, રુડકીના, ચૂસાયલા ગોટલા,

ભિખારી ઘૂવડો અને ઉકરડો, માખીય સંદાસની

આવી શ્રુદ્ર-ચીજે ઝાંખી કરીએ વિરાટતા આભની!

મેપાએ વયમાં અર્ધું સમજી કીધું, ‘કરોને જરી

લીટી બે ત્રણમાં અમારી કવિતા મોટી જરા છો થતી,

નહિ તો કંઈ નહિ ના અમારી કરતા, લેસેય ના વાસના,

બાપુની બનાવી દ્યો અબઘડી ખૂશી થશે સ્હેજમાં!’

જોડી કંઈ લલકારશે પળ મહીં ખ્યાલે સહૂ ડોલતા,

વારંવાર કવિશ્રીના વદનને સાશંક વિલોકતા.

‘આવા પ્રાકૃત માનવી તણું નથી કો દિ અમે જોડતા,

એવા શીઘ્ર કવિ નથી જરીય કે આજ્ઞા થતાં બોલતા;

શ્રોતાનાં મન રંજવાની જરીયે ચાતુરી કે ના કલા,

શબ્દોની ચમત્કૃતિ, મધુરૂં સંગીત કાવ્યાંગમાં.

ગાવાનું? સ્વપને નાહિ સ્મરજો, અર્થાનુસારી લય-

સાથે જાય વિચારના ગબડતા તોતિંગ શિલોચ્ચય!’

‘મેપા!’ જ્યાં કવિની પૂરી થઈ ગિરા કોપી વદ્યા બાપુશ્રી :

‘કે’છે સું કવિ કહે સકળનો સારાંશ: જી! આપુજી!’

‘બાપુ, છે કવિશ્રી જરાક અવળા કૈં છે અકોણા વળી,

એણે કાંઈ બનાવવાની હઠમાં શાને હશે ના ભણી!

બાપુ કૃદ્ધ થયા જરા દૂર કરી હોકો વદ્યા આકળા:

“લઈ આવેછ શું કામ આંહીં લફરાં આવાં નકામાં બધાં!

પહેલાના કવિની શું વાત કરવી? ઝાંપેથી લલકારતા,

કહેવાની જરૂર શું? મનગમ્યાં નાણાં લઈને જતા.

માખી, *** ગોટલા ઉકેરડા કેરા કરો જોડકાં,

એનાથી ઘટ્યા શું દામ જગમાં મેપા! હશે આપણાં?”

ના, ના આપણી તો હજી કીરતી સૌ ગાજે દિગંતમાં

બાપુ! જુગના કવિ—હું કહું શું?—સાચેજ વંઠી ગયા!

***= ભંગડી

સ્રોત

  • પુસ્તક : અભ્યર્થના (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સર્જક : શશિન્ ઓઝા
  • પ્રકાશક : વિક્રમ શશિન્ ઓઝા
  • વર્ષ : 1959