કંકુ હતું તે કાજળ થયું ('વેનચરિત્ર'માંથી)
Kanku hatu te kajal thayu ('Vencharitra'mathi)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(પુત્રી વિધવા થતાં માતાનો વિલાપ)
ધાડ આવી જમરાણની, હો શું કરવું રે;
ભર્યા શહેરમાં પાડી ભેળ, મારે હવે મરવું રે.
વાડી વિખેરી ઉજડ કરી, હો શું;
ગુડી દુશમને કાચી કેળ, મારે હવે...
દરિયા વચે વહાણ ડુબિયું, હો શું;
ખુટ્યા ખારવા કિધાં ખુવાર, મારે હવે.
રણ વગડામાં રિપુ મળ્યો, હો શું;
લુટી સાસરવાસણી નાર, મારે હવે.
માંડવો માંડ્યો વિખાઈ ગયો, હો શું;
લીલે તોરણે લાગી લ્હાય, મારે હવે,
ફૂટ્યાં ચોરીનાં માટલાં, હો શું;
કેમ દાઝ આ તે ઓલવાય, મારે હવે.
કાળ કસાઈ ક્યાંથી આવિયો, હો શું;
માર્યો નિરઅપરાધી મોર, મારે હવે.
રિધ સિધ સર્વે રોળાઈ ગઈ, હો શું;
મારાં નિર્બળ કર્મ નઠોર, મારે હવે.
સાગર સુખનો સુકાઈ ગયો, હો શું;
ખાઈ હબક ઉડી ગયા હંસ, મારે હવે.
દૈવ રૂઠ્યો મારા ઉપરે, હો શું;
કૃષ્ણ શિર જેમ કોપ્યો કંસ, મારે હવે.
સોનાની લંકા લુટાઈ ગઈ, હો શું;
સુખ સિંધુ થયો ખારો ઝેર. મારે હવે,
છળ કરી મસ્તક છેદિયું હો શું;
કટ્ટા વેરીયે વાળ્યું વેર, મારે હવે.
દુઃખ માંહી પડી દીકરી, હો શું;
તેં તો કાંઈ ન લડાવ્યાં લાડ મારે હવે.
અમૃત જાણીને વાવિયાં, હો શું;
ઉગ્યાં જન્મથી ઝેરી ઝાડ. મારે હવે.
મેં ન વળાવી સાસરે, હો શું;
સારા સજીયા નહીં શણગાર, મારે હવે.
સમય દીઠો ન સીમંતનો, હો શું;
મેં ન કીધું મોસાળું સાર, મારે હવે.
દૌહિત્ર મેં નવ દેખીયો, હો શું;
મેં તો લીધી નહીં કશી લહાણ; મારે હવે.
મનની ઇચ્છા મનમાં રહી, હો શું;
મારા પરવશ પડિયા પ્રાણ, મારે હવે.
કંકુ હતું તે કાજળ થયું, હો શું;
થઈ નાડાછડી કાળીઊંન, મારે હવે.
પૂરણ પાપ આવી મળ્યાં, હો શું;
મારૂં પરવારી ચૂક્યું પુન્ય, મારે હવે.
કુંવર કલઈયો કપાઈ પડ્યો, હો શું;
હું તો દેખું છું ઉજ્જડ દેશ, મારે હવે.
ઝાંખી દિશાઓ દિસે મને, હો શું;
હું તો અલ્પ ન દેખું ઉજેશ, મારે હવે.
ઘરમાં મને ગમતું નથી, હો શું;
મને ભાસે ભવન ભયંકાર, મારે હવે;
જીવ્યામાં સુખ જરીયે નથી, હો શું કરવું રે;
હું તો નહિ કરૂં અન્ન આહાર, મારે હવે મરવું રે.
(દોહરો)
પછી પિતા પુત્રીતણો, કહે કથન તે કાળ;
કોઈ કદી ન વરાવશો, બાળપણામાં બાળ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
