benDno bajawaiyo - Katha-kavya | RekhtaGujarati

બૅન્ડનો બજવૈયો

benDno bajawaiyo

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
બૅન્ડનો બજવૈયો
વેણીભાઈ પુરોહિત

નાટકો ને સિનેમાનાં ગાયનોનાં રસાયનો

બજાવીને ગજાવે તું શહેરની સર્વ શેરીઓ.

શોભીતા રંગબેરંગી પ્હેરીને પ્હેરવેશ, તું

બજારે ચાલ ચાલે છે કેવી મસ્ત અદાભરી.

અગે છે ઉર પ્રેમીનાં, ચડે છે વર ઘોડિલે,

ત્યારે તુંયે ચડાવે છે ટોપી નાદીરતાજશી.

નવાં ગાણાં બજાવે છે, ગજાવે છે ગલીગલી,

આગેપીછે ફરે છે ને, નિહાળે છે મઝા નવી.

મસીદોના મિનારાને જોઈને ચૂપ થૈ જવું,

અને પાછું અધૂરું ગાણું તારે બજાવવું.

તોપના મુજ જેવું લઈને બૅન્ડ હાથમાં,

ડૂંટીના પ્રાણને ઘૂંટી છબીલા સ્વર છેડવા.

સારે કારજ સૌ ઝીલે તારાં ગાયનની ઝડી,

ત્યારે તારા રસોડામાં રંધાતી રોજ ખીચડી.

અરે, તારી અમીનાને લાવિયો ઘેર તું તદા

ન’તું કૈં બૅન્ડ કે વાજું, દારૂખાનુંય ના હતું :

ગામનો મેઘલો ઢોલી દાંડી લૈ ઢોલ પીટતો

જતો’તો મોખરે સૌથી, ફાવે તેમ બજાવતો.

મીઠડા સ્વર છેડાતા લંઘાની શરણાઈના,

હતી કેવી મઝા તારા હૈયાની હર્ષમંગલા!

ગામના ફોઝદારે જે ઘોડી દીધેલ રહેમથી,

કરી’તી અસવારી તેં એની પીઠે લહેરથી.

ફર્યો’તો ગામડાની નાનીસૂની બજારમાં,

અને તું પોરસાતો કે ‘એક છું હું હજારમાં!’

સાદી, ભાવુક ને સીધી રીત ને રસમો હતી,

તોય છે દોહ્યલી એવી મોજ મૌલિક માણવી.

અરે, પરણે છે સૌ પ્રેમ-પ્રેમ કરી છતાં,

બધું થોડું ટકે છે ને લડે છે સ્હેજ વાતમાં.

બુઢ્ઢો કો તેરની બાળા બેસાડી ઘર માંડતો,

તો કી વહુને મોટી જોઈને ઘર છાંડતો.

હૈયાની રાંક કો કન્યા સ્વામીને દેવ માનતી

જાય છે પરણી, એને નાપસંદ-પસંદ શું?

રે કોઈ વડવાઓની વ્હેવારુ શેતરંજનાં

પ્યાદાં જેવાં બની મૂંગાં જાય છે પરણી અહીં.

હોય બે સરખાં તોયે હૈયાનો મેળ હોય ના,

જવલ્લે સાંપડે જોવા શોભીતાં વરઘોડિયાં.

બૅન્ડના બજવૈયા, હે ભાઈ ભીતરભેદને

જોયામાં, જાણ્યામાં દુઃખ ઓછું એટલું.

હૈયું કો અન્યને સોંપી, દીન થૈ હાથ અન્યને

સોંપવા મંડપે આવે સ્વપ્નોનાં ફૂલ છૂંદતી–

કોડીલી કોક કન્યાના નિઃશ્વાસો ઘરને ખૂણે

વાયુની આવતી-જાતી લ્હેરસંગે ભળ્યા હશે.

આંખડી હાથલા કેરા પાકેલા ડોડવા સમી,

છેલ્લુંછેલ્લું રડી લૈને વ્યથાભારે હશે નમી.

ઘટી પ્હેલાં હશે આવું, છતાં જાહેર રંગમાં

દેખાશે ના જુદાઈ, રે ખુદાઈ તું નિહાળશે.

કરોડો પ્રિય સ્વપ્નોની ધીખતી કો ચિતા સમી

પનારે પડનારીશું પરાણે પ્રીત બાંધતો,

વિશ્વની ફૂટતી આશા જેવો કોઈ જવાનિયો,

પોતાની જિન્દગીનેયે ભૂલવા મથતો હશે.

અજાણ્યા ભવને પન્થે જિન્દગી અજમાવતાં

પડે ભૂલાં ઘણાંકો, ને ઘણાંયે પડશે અરે!

પ્રેમના મંત્રને જાણ્યા વિના મંત્ર જીવવા

ઘેર જા તું બજાવીને સલામી બૅન્ડ આખરી.

જિન્દગીના સવાલોમાં સોદાની આપ–લે સમાં

માંડવેમાંડવે આવાં સાચાં સંસારદર્શનો

થયાં છે ને થવાનાં શું? તારે બૅન્ડ બજાવવા

ક્યાં સુધી આવવાનું રે પદ્મ પે જલબિન્દુવત્?

ગૌરીનાં ગીતથી ગાજે માંડવો ચંદરોજ, ને

મહોલ્લો સઘળો ગાજે તારા સંગીતથી ભલે;

ભલેને તું બજાવે છે, ગજાવે છે ગલીગલી,

ઘોંઘાટે જાણે કે ડૂબે ક્રંદન કેટલાં!

સીમના ખેતરે ઊભી, કૌતુકે કૈં નિહાળતા

વાંકડાં શિંગડાંવાળા ધોરીડા જેમ ડોકને

કરી ઊંચી, ફુલાવીને ગાલ, વાજાં વગાડતો,

રોજીના કૂટ પ્રશ્નોનો તું કૂટસ્થ બની રહ્યો.

સ્રોત

  • પુસ્તક : સિંજારવ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી લિ.
  • વર્ષ : 1955