ekadashi - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘાસની ગાડી રસ્તાની એક બાજુ ઉભાડીને

ઘાસવાળો ઊંચે સાદે બૂમ પાડી રહ્યો હતો:

‘આજ એકાદશી, નાખો ઘાસ ગાવડી-માઈને,

બાંધી લ્યો પુણ્યનું ભાતું’ ને એમ કહીને પૂળો

બતાવે બેવડો બાળી ‘ન્યાળો એની કુમાશને!’

કિન્તુ પ્રવૃત્તિમાં ડૂબ્યાં જનોને પરવા જરી

નહોતી પુણ્યભાતાની, ધંધે ધ્યાન પરોવીને

પોતપોતા તણે પંથે સીધાં ચાલ્યાં જતાં હતાં.

એને પુણ્યતણી કાંઈ ચિંતા ના હોય તો ભલે,

કિન્તુ ઘાસવાળાને ચિંતા સૌની વસી હતી!

છોડી સ્વસ્થાન આડો પડીને માર્ગ રોકતો

હાથને પકડી ધર્મ્ય કાર્યમાં પ્રેરવા કરે

યત્નો, ને કોઈ કોઈની ધર્મબુદ્ધિ જગાડીને

ગાયને ઘાસ નંખાવા મહીં ફાવતો તે!

એમ એકાદી વેળાએ ગાડીનાં પૈ ટકાવીને

પથ્થરે, ઘૂમતો ’તો ઘરાકો તણી શોધમાં;

તહીં પાછળથી એક એની કો ‘ગાય માવડી’

મથી રહૈ ઊંચકી લેવા ગાડીથી ઘાસનો પૂળો,

ને વીંટ્યા દોરડામાંથી પૂળો નીકળતો ન’તો.

છતાં યે ઝીંક મારીને ઝાંવા નાખતી હતી;

ને એણે ત્રણ કે ચાર ચાવ્યાં જ્યાં તરણાં હશે,

ત્યાં મોઢે ડચકારન્તો ને હાથે ધરી ડાંગને

ઘાસવાળો હડી મેલી આવિયો લાગલો તહીં

અને જોયા વિના કાંઈ-નુક્સાનીનું પ્રમાણ યે-

મંડી ગ્યો આંખ મીંચીને ‘માવડી’ને લગાવવા;

ને એને શેરીને નાકે ડાંગના માર મારતો

મૂકી આવ્યો, તહીં લોકો જુએ તો ગાયને ડિલે

ગણી લેવાય એવા કૈં ઊઠ્યા’તા સોળ કારમા!

ગાયનો પક્ષ લેનારા લોકોને ગાળ ભાંડતો

અને ગોવંશ આખાને પેઢીની ચોપડાવતો

મુખે વિજયનું હાસ્ય ધરી, ગાડી કને ઊભી

પાછો પ્રથમના જેવી મંડ્યો બૂમ પાડવા:

‘આજ એકાદશી, નાખો ઘાસ ગાવડી માઈને,

બાંધી લ્યો પુણ્યનુ ભાતું,’ ને એમ કહીને પૂળો

બતાવે બેવડો વાળી ન્યાળો એની કુમાશને!’

સ્રોત

  • પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : દેવજી રા. મોઢા
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1963