postauphis - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પોસ્ટઑફિસ

postauphis

ગુણવંત વ્યાસ ગુણવંત વ્યાસ
પોસ્ટઑફિસ
ગુણવંત વ્યાસ

(ઝૂલણા)

પાછલી રાત ને આભ ભૂરા તળે, વાયુ ફૂંકાય ને શે’ર ઊંઘે;

કો’ ઘરે હાથઘંટી તણો નાદ ને, કો’ ગલી કૂતરાં ધીમું ભોંકે,

સમે શાંત વાતાવરણ ચીરતો, ડાંગને ઠોકતો નાદ ઊગે;

જે પળે ને પળે શે’રને વીંધતો, એમના થાનકે રોજ પૂગે.

(મંદાક્રાન્તા)

નાના-નાના ટમટમ થતા તારલા આભ શોભે;

મારી નાખે, મનુજ-મન જેવી ટાઢ રોજે.

ડોસો ધ્રૂજે, ડગમગ પગે તોય વ્હેલી પરોઢે;

ઊઠી, સીધી સડક પર થૈ, પોસ્ટઑફિસ થોભે.

સુપ્રિન્ટેન્ટો, કમિશનર, દીવાનસાહેબ જેવાં

નામો સાથે નિત દિન સુણે નામ : ‘કોચમેન ડોસા!’

ઊઠે; દેખે : ખડખડ હસે લોક નાપાક પાછા!

‘ગાંડો’ કૈ ને સખત પજવે, ચીડવે; શત્રુ કેવા!

(શાર્દૂલવિક્રીડિત)

પૂર્વે જીવતરે અલી અજબનો પાકો શિકારી હતો.

પંખીઓ, પશુઓ વળી જળચરો મારી અને જીવતો.

મારે તેતર ને સસાં નિત નવાં ઝીણી નિગાહે કરી;

માછીમાર તણો કદી ખુદ બને સાથી, અલી પારધી.

સીંચ્યો જે રસ યૌવન નસનસે, ડોસો થતાં ઓગળે;

સંધ્યા જીવનની થતાં મન ચળે, પુત્રી તણા કાગળે.

પુત્રી સાસરિયે હતી; ખબર કૈં આવી ન’તી દિશે;

આથી રોજ અલી ટપાલઘર જૈ પૂછે ટપાલો વિશે.

(વસંતતિલકા)

ડોસા વિશે અવનવી કથની કથે સૌ.

ગાંડાપુરાણ કથતાં મિનિટો વિતાવે

(અનુષ્ટુપ)

‘કો’ક થાનકનો દોષી, કાં પાપ નડતાં હશે

કરેલાં ભોગવે આથી, અલી ગાંડો થયો હશે!’

(પૃથ્વી)

પછી, દિવસ કૈં સુધી નજર ના ચડે આવતો.

પછી, કઉતુકે ચડી નજર ઊભરે હાંફતો :

હતો સમય એમનો મરણ-પાસ આભાસતો.

જરા હળુક બોલતાં નિજ દશા કથે ખાંસતો :

(શાર્દૂલવિક્રીડિત)

‘નોંધો નામ તમે મરીયમ લખો; આવે ટપાલો કદી!

કાલે જો હું હોઉં તો ખપ પડે.’ બોલે અલી બાપડો.

ગુસ્સે માસ્તર થૈ તપે-ધગધગે, ‘ગાંડો’ કહી પીડ દે :

‘જા, જા! કાગળ આવશે ક્વચિત જો; ખાઈ નહીં જાય કૈં!’

(મંદાક્રાન્તા)

ધીમે-ધીમે કદમ ભરતો ચાલતો થાય ડોસો,

છેલ્લી-છેલ્લી નજર કરતો પોસ્ટઑફિસ છોડે.

આંખો બંને જળસભર થૈં; ધૈર્યનો અંત આવે :

‘ક્યાંથી પ્હોંચે મરિયમ તણો પત્ર જ્યાં કાળ થોડે!’

(શાર્દૂલવિક્રીડિત)

જોવે પાછળ એક કારકુનને, આશા જગે સો ગણી.

તેની કોર ફરી અલી કરગરે; ગીની બતાવે ઘણી :

‘મારે ઉપયોગ કૈં વગરની, તારે હવે કામની.

આવે કાગળ દીકરી તરફથી, પ્હોંચાડવો નકી!’

(અનુષ્ટુપ)

‘અલ્લા ઉપર સાક્ષીએ, આપું પૈસા અપાર હું;

આવે કાગળ પુત્રીનો, દઈ જજે લગાર તું

છેલ્લો દિવસ મારો છે; આવીશને ધરાર તું?’

‘ક્યાં?’-નો ઉત્તર આપી દે : ‘છું કબર-મજાર હું!’

પછી અલી દેખાયો; ભાળ કરી કો જણે.

પછી કોર એકાંતે, માસ્તર દિવસો ગણે.

(શિખરિણી)

હતી પુત્રી દૂરે, તબિયત જરા નાજુક હતી.

હતા તેથી દુઃખી, મદભર પિતા ચિંતિત હતા.

હતી ઝંખા, આવે ખત-ખબર કૈં તે તરફથી,

હતા સામે પત્રો, વિધવિધ જણોના; ખડક થૈં!

જરા રંગે રૂપે કવર જુદું જે હાથ ધરતાં,

તહીં અંગે લાગે અજબ ઝટકો વીજ સરખો!

અલી કેરા નામે અચરજ સમો કાગળ હતો!

નકી એની પુત્રી મરિયમ તણો! વિધિ ખરો!

(અનુષ્ટુપ)

અધિકારી તણો જોસ્સો, કડક દાબ પીગળે;

સદગુણી સમો સાચ્ચો, સહજ બાપ ઊભરે!

(શાર્દૂલવિક્રીડિત)

‘ક્યાં છે, માણસ અલી? ખબર કૈં?’ પૂછે લક્ષ્મીદાસને;

જેણે કો’ દિ’ અલી કને, ઉપર જે, લીધા હતા રૂપિયા!

(વસંતતિલકા)

‘સાંજે તપાસ કરું જૈ!’ વળતા જવાબે

થોડો વિચાર કરતાં થયું : આપું જાતે!

(શાર્દૂલવિક્રીડિત)

આખી રાત વિચાર કાગળ વિશે કીધા કર્યા જાગતાં;

ઊઠીને ભળભાખળે ઝડપથી પૂગે કચેરી પિતા.

આવે આજ અલી અહીં તરત કે જાતે આપી અને

જોઈ કાગળ વાંચતાં અનુભવું શાતા મને ને તને.

(પૃથ્વી)

થયો સમય પાંચનો, હળુક બે ટકોરા પડે.

અલી પગથિયે હશે : તરત બારણાં ઊઘડે.

(અનુષ્ટુપ)

અલી ડોસો નમી ઊભો, લઈ ટેકણ લાકડી;

પરંતુ માનવો જેવી, નહીં તેજલ આંખડી!

(સ્રગ્ધરા)

નોખી, સાચ્ચે અનોખી, ભયભિત કરતી આંખ જોઈ ડરે જ્યાં;

ફાટી આંખે નિહાળે અચરજ : લખમીદાસ આવી ચડે ત્યાં!

(શાર્દૂલવિક્રીડિત)

લક્ષ્મીદાસ કહે : ‘અલી મરણ જે, પામ્યો ઘણા માસ થ્યા!’

ઊભો એક પિતા વિચાર કરતો : ‘થ્યો ભાસ કે સાચ ત્યાં?!’

(શિખરિણી)

મનુષ્યો પોતાની નજર ગર, છોડી અવરની

નિગાહે જોવે તો અરધું જગ તો, શાંત જડશે!

(શાર્દૂલવિક્રીડિત)

સાંજે કાગળ લૈ અને કબરની કોરે બે જણા;

શ્રદ્ધાને શરણે જઈ, કબર પે મૂકી, નમે ભાવથી.

ઝંખે પત્ર પિતા હવે વલવલે, ઝૂરે જુદા ઘાવથી

પશ્ચાતાપ, વહેમ ને અચરજો ત્રણે જગે તાપણાં!

ઋણસ્વીકાર : ધૂમકેતુ

(એમની વાર્તા 'પોસ્ટઑફિસ' પર આધારિત)

સ્રોત

  • પુસ્તક : પરબ - જુલાઈ 2021 (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : ભરત મહેતા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ