bapani pimpar wishe - Katha-kavya | RekhtaGujarati

બાપાની પીંપર વિષે

bapani pimpar wishe

દલપતરામ દલપતરામ
બાપાની પીંપર વિષે
દલપતરામ

(કુંડળિયો છંદ)

વિચરીને વઢવાણથી, લીધો લીંબડી પંથ;

વિતક વરણવતાં વધે, ગ્રીષમ વરણન ગ્રંથ;

ગ્રીષમ વર્ણન ગ્રંથ, પંથમાં મળ્યું પાણી;

તપ્યો પ્રલય સમ તાપ, રહી શિર રામ કહાણી;

દાખે દલપતરામ, રામનું રટણ કરીને;

અતિશય કર્યા ઉચાટ, વાટ મધ્યે વિચરીને.

લગભગ આવી લીંબડી, દોઢ ગાઉં પર દૂર;

ત્યાં તો ધોમ ધખ્યો ઘણો, રહ્યું તનમાં નૂર;

રહ્યું તનમાં નૂર, સૂરજે શરીર તપાવ્યું,

છાંયો મળે છેક, એક પણ ઝાડ આવ્યું;

દાખે દલપતરામ, ભલી જોતાં મન ભાવી;

પીંપર બાપાતણી, લીંબડી લગભગ આવી.

બાપાની પીંપર બડી, પૃથવી પર પ્રખ્યાત;

પ્રસિદ્ધ જેવો પ્રાગવડ, વિશ્વ વખાણે વાત;

વિશ્વ વખાણે વાત, પીંપળો પ્રભાસ પાસે;

કદંબ જમુના ફૂલ કલ્પતરુઓ કૈલાસે;

દાખે દલપતરામ, ઉપમા આપ્યાની;

ભલે થઈ ભૂમાંહિ, બડી પીંપર બાપાની.

ત્યાં બેશીને ત્રણ ઘડી, કવિએ કર્યો વિરામ;

અતિ સુખ ઉપજ્યું થકી, આશીષ દીધી આમ;

આશિષ દીધી આમ, નામ તુજ નવ જુગ રહેજો;

તુજને વાવી તેહ, લાખ સુખ સ્વર્ગે લેજો;

દાખે દલપતરામ, પરમ પદમાં પેશીને;

લેજો ઉત્તમ લ્હાણ, બહુ જુગ ત્યાં બેશીને.

આંબા કરતાં અતિ ભલું, દીસે તારું ડોળ,

શેલડી શા હિસાબમાં, આપે સાકર ગોળ;

આપે સાકર ગોળ, તાપ તનનો મટાડે;

સુરતરું સ્વર્ગે વસે, દેખે નર કોઈ દહાડે;

દાખે દલપતરામ, સરવ તરુના ગુણ સ્મરતાં;

તુજમાં અમૃત તત્ત્વ, અધિક તું આંબા કરતાં.

(દોહરો)

જાન્હવી તીરે જળતણું, દેવું સુલભ દાન;

દેજો નિર્જળ દેશમાં, કહું જળ કીમતવાન.

(કુંડળિયો)

પ્યારી પીંપર પદમણી, શાંતિ દાન દેનારી;

ભૂપતિ વિક્રમ ભોજસમ, તું અતિશે ઉપકારી;

તું અતિશે ઉપકારી, તારી કીર્તિ શું કહીએ;

જે ઉચરું તે અલ્પ, એમ અંતર ધરી રહીએ;

દાખે દલપતરામ, કોટીધા તું ગુણકારી,

રાખીશ તારું નામ, પૃથ્વિ પર પીંપર પ્યારી.

આપે ગામ ગરાસ કે, દ્રવ્ય વસ્ત્ર દે દાન;

એમાંનું એકે નહીં, શાંતિ દાન સમાન;

શાંતિ દાન સમાન, જગતમાં કશું જાણું;

તે માટે હું તને, વિશેષે કરી વખાણું;

દાખે દલપતરામ, કષ્ટ કાયાનાં કાપે;

દુનિયા મધ્યે દાન, કહો એવું કો આપે.

જ્યાં સુધી જગતમાં, મુજ કવિતા કહેવાય;

બાપાની પીંપર તણા, ગુણ જગમાંહિ ગવાય;

ગુણ જગમાંહિ ગવાય, પામો બહુ પ્રખ્યાતિ;

કીર્તિ દેશ વિદેશ મુલકમાં તાજો માતી;

દાખે દલપતરામ, અરે સુખના અંબુધી;

જીવે તું જગમાંહિ, જીવે કવિતા જ્યાં સૂધી.

ઓગણિસેં ઉપર થયે, વિક્રમ વર્ષે એક;

વદિ દશમી વૈશાખની, વાસર શનિ વશેક;

વાસર શનિ વશેક, પીંપરે તાપ ઉતાર્યો;

નિશ્ચળ રહેવા નામ, આમ વિષય ઉચાર્યો;

દાખે દલપતરામ, ભલે જનમી ભૂપર;

વિક્રમ વર્ષ ગણાય, એક ઓગણિસેં ઉપર.

(સવૈયો)

કદળી તરુ તુચ્છ ગણી કહીએ,

કદિ આંચ હરે ઉતાપાની,

તરું ફૂલતણાં વિરહી જનને,

બહુ વૃદ્ધિ કરેજ બળાપાની,

ધિક જન્મ ધરી જશ જો જપાય

છપાય અંદર છાપાની;

નિરભાગણી નાગરવેલ અને,

બડભાગણિ પીંપળ બાપાની.

રસપ્રદ તથ્યો

ગુજરાતી કાવ્યસાહિત્યમાં સૌપ્રથમવાર અર્વાચીનતાના લક્ષણો પ્રગટાવતી આ રચના છે. આ રચનામાં વઢવાણથી લીંબડી જતાં ગ્રીષ્મના તાપમાં એક પણ ઝાડ ન મળતાં અંતે પીંપરનો છાયો મળે છે, જેની અહીં પ્રશસ્તિ કરવામાં આવી છે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008