બાળપણું તો રમતાં વીત્યું ('વેનચરિત્ર'માંથી)
Balpanu to ramataa vityu ('Vencharitra'mathi)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
બાળાપણું તો રમતાં વીત્યું, ઉપજ્યું જોબન અંગ;
મન મારૂં કબજામાં ન રહે, શરીર થયું નવરંગ.
સરખી વયની મારી સૈરો, કરે કંથની વાતો;
તે સાંભળતાં વિરહ વધે તે, જીભે કહ્યો નથી જાતો.
સંસારી લોકોનાં સુખડાં, જ્યમ જ્યમ જોતી જાઊં;
ત્યમ ત્યમ તન પરિતાપ વધે ને, અંતરમાં અકળાઊં.
કોઈ પતિ સાથે પ્રીતે બોલે, તેના જોઈ તમાસા;
એકાંતે જઈ આંસુ પાડું; નાખું બહું નિસાસા.
રોઈ રોઈને આંખો થઈ રાતી, પછી કોઈ કારણ પૂછે;
તો ઉત્તર એવો આપું જે, દૃષ્ટી દરદ થયું છે.
ઘેલી થાઊં ગભરાટ થકી, ઉત્તર દેઉ તૂતે તૂત;
ભોળા લોકો એમ ભણે જે, એને વળગ્યું ભૂત.
અંતરની ગત ઈશ્વર જાણે, બાકી ન જાણે બીજું;
કોઈનું બોલ્યું ગમે નહિ મને, બોલાવે તો ખીજું.
દિલનાં દુઃખની વાત કહેતાં, જીભ ન ઉપડે મારી;
કહેવાથી કંઈ કષ્ટ મટે નહિ, એમ હું જોઉં વિચારી.
કંકુ કેસર કે કસ્તૂરી, જોતાં ઉપજે ઝાળ;
ભર્યું શેહેર તે મુજને ભાસે, વન ઉજડ વિકરાળ.
ચંદ્ર ઉગે તો ચિતમાં જાણું, ઉગ્યો આગનો ભડકો,
શુડલા બોલે તે સુણતાં મને, પડે પેટમાં ફડકો.
જો પરદેશ હોય પતિ તો, કદી સંદેશો કહાવે;
આશાએ આવરદા નિકળે, ધીરજ ચિત્ત ધરાવે.
આ તો એક ઘડી જાતાં, જુગ તુલ્ય જણાય જરૂર;
કયી રીતે દહાડા કાઢું મારૂં, જોબન જાય ભરપુર.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
