અરે રુડો માનવ દેહ આવ્યો ('વેનચરિત્ર'માંથી)
Are ruDo maanav deh aavyo ('Vencharitra'mathi)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(ઉપજાતિ છંદ)
અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.
તમે વિચારો હિત જો તમારું, કરો કરો કાંઇક કામ સારું.
ન કાઢશો કાળ કદી નકામો, પરોપકારી શુભ નામ પામો;
ઠગાઈથી નામ ઠરે નઠારું, કરો કરો કાંઇક કામ સારું.
સુકીર્તિનો સ્વાદ સદૈવ ચાખો, આ લોકમાં નામ અખંડ રાખો;
તો વાગશે નિર્ભયનું નગારું, કરો કરો કાંઇક કામ સારું.
હેતે કરો પુણ્ય પવિત્ર હાથે, હાથે કર્યું તે જ સદૈવ સાથે;
બીજું નહીં એક મળે બુઝારું, કરો કરો કાંઇક કામ સારું.
જરે કરી ઉન્મદતા ન આણો, જરે કરીને નહિ શ્રેષ્ઠ જાણો;
જરે કરીને ન રમો જુગારું, કરો કરો કાંઇક કામ સારું.
આયુષ્યમાંથી પળ ઓછિ થાય, મહામુલી તે નહિ મેળવાય;
જરૂર આ જીવન છે જનારું. કરો કરો કાંઇક કામ સારું.
મહીપતીઓ પણ રાજ્ય મેલી, ખપી ગયા ભૂ પર ખેલ ખેલી;
વિશેષ શું વર્ણન હું વધારું, કરો કરો કાંઇક કામ સારું.
નથી નથી નિશ્ચલ દ્રવ્ય દેહ, નથી નથી નિશ્ચલ નારિનેહ;
અંતે થશે તે સઘળું અકારું, કરો કરો કાંઇક કામ સારું.
મનુષ્યકાયા નથિ મોજ માટે, ઘડી નથી તે પશુપક્ષિ ઘાટે;
અખંડ સ્વર્ગે સુખ આપનારું, કરો કરો કાંઈક કામ સારું.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
