vijognun chomaasu (farbas virah) - Karun Prashasti | RekhtaGujarati

વિજોગનું ચોમાસું (ફાર્બસ વિરહ)

vijognun chomaasu (farbas virah)

દલપતરામ દલપતરામ
વિજોગનું ચોમાસું (ફાર્બસ વિરહ)
દલપતરામ

(મનહર છંદ)

ગાજે છે ગગન ઘટા, છાજે છે વીજળી છટા,

આજે છે એલી, એ તો બિરાજે છે સુરીતમાં;

જાય છે પ્રવાહ, ને ભરાય છે નદી તળાવ,

થાય છે સૌ ખુશી, ગુણ ગાય છે સુગીતમાં;

ભાગે છે ભાળીને મન, માગે છે મેળાપી મિત્ર,

જાગે છે વિરહ, હૈયે લાગે છે અહિતમાં;

ધરે રે જળદધાર; કરે રે કેકી પોકાર,

અરેરે કિન્લાક વિના ચરેરે છે ચિત્તમાં.

ઘરર ઘરર ઘણો ઘનતણો ઘોષ સુણી,

ચરર ચરર ચિત્ત દાઝે દીલગીરમાં;

ફરર ફરર ફરે પવન અવની પર,

સરર સરર વાગે શિરમાં શરીરમાં;

ખરર ખરર જળ જમીનમાં ખરી પડે,

ઝરર ઝરર ઝરે નેવ નીર નીરમાં;

થરર થરર સ્થૂળ સ્થિતિ તજી થથરે છે,

અરર અરર વૃત્તિ છે કિન્લાક વીરમાં.

રસપ્રદ તથ્યો

જળદધાર - વર્ષાદ; કેકી - મોર; સ્થૂળ - શરીર

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002